કચ્છખબરડૉટકોમ, ભુજઃ ‘રાજકીય આકા’ને સાચવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે કોલકતાના શખ્સ સાથે થયેલી દસ લાખની ઠગાઈના બનાવમાં, તોડબાજ કોન્સ્ટેબલ અને રીઢા ચીટરો સામે કોઈ ગુનો દાખલ ના કરતા ભુજમાં ચીટર ગેંગો બેફામ બની છે. આ ગંભીર બનાવ વચ્ચે LCBએ ભુજમાં ‘એક કા ડબલ’ના નામે ચીટીંગ કરતી ગેંગને સોદો પાર પાડે તે પૂર્વે રંગેહાથ ઝડપી છે. શહેરના રહીમનગરમાં એઝાઝ હુસેન શેખ અને તેની ગેંગે ‘એક કા ડબલ’ના નામે હૈદ્રાબાદની પાર્ટીને સોદો કરવા પોતાના રહેણાક ખાતે બોલાવી હતી. હૈદ્રાબાદના ગિરિધારી પ્રકાશ નાડે અને ઈશ્વર કમલે નામના બે શખ્સોને એઝાઝ અને તેના મળતિયાઓએ એક લાખ સામે બે લાખ રૂપિયાની આપવાની લાલચે રહેણાક ખાતે બોલાવ્યાં હતા. સુરતના ઉધનાનો કિરણ સુરેશભાઈ અલકારી નામનો શખ્સ ‘ભુજમાં મારા ઓળખીતા માણસો એકના ડબલ રૂપિયા આપે છે’ કહી, વિશ્વાસ કેળવીને બેઉને ભુજ લઈ આવ્યો હતો. ચીટરોએ સેમ્પલ તરીકે અસલી ચલણી નોટો બતાડી હતી.
સોદો થવા ટાણે જ પોલીસે રેઈડ કરી
સોદા ટાણે જ પોલીસ ત્રાટકી હતી.રહેણાકમાંથી એઝાઝ શેખ સાથે મહમદ હુસેન ઊર્ફે મમલો ઓસમાણ લંગા, મામદ ચનેસર સુમરા, હનીફ દાઉદ સના, વસીમ હુસેન શેખ અને વચેટિયો કિરણ અલકારી એમ છ જણને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. રહેણાકની ઝડતી લેતા સોફા પર રહેલા ઓશીકા પાછળથી પાંચસોના દરની નોટોના પાંચ બંડલો મળી આવ્યા હતા. બંડલની ઉપર નીચે અસલી નોટો રખાયેલી અને વચ્ચે કોરાં કાગળો રાખેલા હતા. બસ્સો રુપિયાની એકસો નંગ અસલી ચલણી નોટનું પણ એક બંડલ મળી આવ્યું હતુ.
પોલીસે ઝડપેલાં ચીટરો રીઢા આરોપીઓ
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પૈકી મહમદ હુસેન ઊર્ફે મમલા સામે માંડવી મરીન, સાણંદ જીઆઈડીસી, બાડમેર અને જખૌ પોલીસ મથકમાં ઠગાઈ, લૂંટ, ફોર્જરી સહિતના ચાર ગુના નોંધાયેલા છે. મામદ ચનેસર સુમરા સામે વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશન તથા ભુજ એ અને બી ડિવિઝન પોલીસ મથકમાં ઠગાઈના ત્રણ ગુના દાખલ થયેલાં છે. હનીફ સના વિરુધ્ધ ઠગાઈના ત્રણ ગુના, એઝાઝ શેખ સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો અને કિરણ અલકારી સામે સુરતમાં ઠગાઈનો એક તથા હૈદ્રાબાદમાં સાયર ફ્રોડનો બીજો ગુનો દાખલ થયેલો છે.
ઝડપાયેલાં ચીટરો સામે સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.
ગુનામાં વપરાયેલી ૧૫ લાખની સ્કોર્પિયો કાર, ૩૦ હજાર રોકડા રૂપિયા, ૪૫ હજારના ૯ મોબાઈલ ફોન, નકલી નોટોના બંડલો વગેરે મુદ્દામાલ કબજે કરાયો છે. ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.
Share it on
|