કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં બૂટલેગરો કેટલી હદે બેફામ બની ગયાં છે તેનો વધુ એક દાખલો આજે જોવા મળ્યો છે. ૪૭ દિવસમાં બીજી વખત રીઢા બૂટલેગર યુવરાજ વજુભા જાડેજાએ મગાવેલો ૧ કરોડ ૫૩ લાખ ૮૬ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો વિક્રમી જથ્થો જપ્ત થયો છે! સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગત ૨૩-૦૫-૨૦૨૫ના રોજ ત્રગડી ગામે ત્રાટકીને આ જ બૂટલેગરે મગાવેલો ૮૩.૭૮ લાખનો ઈંગ્લિશ દારૂ જપ્ત કર્યો હતો.
બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંદરા માંડવી હાઈવે પર તલવાણા ગામના પાટિયા નજીક ઓમ બન્ના હોટેલ પાસે રોડ પર ઊભેલું GJ-06 AU-6669 નંબરના ગેસ ટેન્કરમાંથી શરાબનો આ ઐતિહાસિક કિંમતનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. ટેન્કરમાં સવાર રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લિનર ઉપરાંત યુવરાજના માણસ રામદેવસિંહ ઊર્ફે ઋતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (રહે. ગુંદિયાળી, માંડવી)ની ધરપકડ કરી છે.
ટેન્કરમાંથી પંજાબના મોહાલીની ડિસ્ટલરીઝની વિવિધ બ્રાન્ડની વ્હિસ્કીની કુલ ૨૬ હજાર ૧૭૯ નંગ બાટલીઓ જપ્ત કરાઈ છે. આ બાટલીઓ પરના બેચ નંબર ભૂંસી નાખવામાં આવેલા છે. રામદેવે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે ગત રાત્રે ટેન્કરને મુંદરાથી માંડવીના તલવાણા સુધી લાવવા માટે યુવરાજે સફેદ ફોરચ્યુનર કારથી પાયલોટીંગ કરેલું. આજે રાત્રે ટેન્કરમાં રહેલો માલ કટીંગ કરવાનો હતો.
યુવરાજ અને અબડાસાના ખાનાયના અન્ય એક રીઢા બૂટલેગર જીતુભા ઊર્ફે જીતિયો મંગલસિંહ સોઢા બેઉ જણે ભેગાં મળીને માલ મગાવ્યો હતો. LCBએ ૧૦ લાખનું ટેન્કર, ૪૦ હજારના ૩ મોબાઈલ ફોન મળી કુલ ૧ કરોડ ૬૪ લાખ ૨૬ હજાર ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી માલ મોકલનાર, લાવનાર, મગાવનાર મળી છ આરોપી સામે કોડાય પોલીસ મથકે પ્રોહિબિશનની વિવિધ ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે.
બૂટલેગરો કેટલાં બિન્ધાસ્ત છે તે કહેવાની જરૂર રહી છે ખરી?
૪૭ દિવસની અંદર બે જુદાં જુદાં દરોડામાં યુવરાજે મગાવેલો કુલ ૨.૩૭ કરોડનો ઈંગ્લિશ શરાબ જપ્ત થયો છે. આમ તો એવું કહેવાય છે કે પોલીસ ધારે તો પાતાળમાંથી પણ ગુનેગારને પકડી લાવે છે પરંતુ આ કિસ્સામાં સૂત્રધાર પોલીસને હાથ લાગતો નથી પરંતુ તે કરોડોનો શરાબ મગાવી તે વાહનનું બિન્ધાસ્ત રીતે પાયલોટીંગ કરી લે છે!
જે રીતે SMCએ છેલ્લાં થોડાંક સમયથી પશ્ચિમ કચ્છમાં ખાખીની મહેરબાનીથી બેફામ રીતે વકરેલા ઈંગ્લિશના ધંધા પર સકંજો કસ્યો છે તે જોતાં આવા દરોડા પોલીસની પોતાની ચામડી બચાવવાની કવાયત્ વધુ હોય તેમ સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે.
આટ-આટલો શરાબ ઝડપાતો હોવા છતાં મુખ્ય મથક ભુજ સહિત પશ્ચિમ કચ્છના તદ્દન અંતરિયાળ વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડની શરાબની બાટલી પ્યાસીઓને તો અડધી રાતે પણ તરત મળી જાય છે!!
Share it on
|