click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2026, Saturday
Home -> Bhuj -> Lady trio involved in multiple honey trap crime arrested in big housebreak case
Friday, 17-Apr-2026 - Bhuj 2161 views
શોખીન પુરુષોને ફસાવી પોલીસ પત્રકારના નામે તોડ કરતી મહિલા ગેંગે મોટી ચોરી કરેલી!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પરસ્ત્રીસંગના શોખીન પુરુષોને ટાર્ગેટ કરીને હની ટ્રેપમાં ફસાવી પોલીસ પત્રકાર બનીને તોડ કરવા માટે કુખ્યાત ભુજની ત્રણ બાઈઓને ભુજ બી ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી પાડી છે. ફેબ્રુઆરી માસમાં ભુજના કેમ્પ વિસ્તારમાં પવનચક્કી પાસે રહેતા નિવૃત્ત સરકારી શિક્ષક સબ્જાઅલી ખોજાના રહેણાક મકાનમાં રાખેલી તિજોરીમાંથી ભેદી સંજોગોમાં સાડા ૭ તોલાના સોનાના દાગીના અને કેટલીક રોકડ રકમ ચોરાઈ ગયેલી.

બનાવ અંગે પાંચ માર્ચે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી. શિક્ષકના પુત્રી પુત્ર દેશ વિદેશ સ્થાયી થયેલાં છે. તેમના પત્ની દિલશાદબેન ઘર પાસે બ્યૂટી પાર્લર ચલાવે છે. બી ડિવિઝન પોલીસે ઘણી શોધખોળ કરી પરંતુ આરોપીઓનો કોઈ અતોપત્તો મળ્યો નહોતો.

કેબલ ચોરી, ભંગાર ચોરી, વાહન ચોરી સહિતના ચોક્કસ ગુનાઓમાં કથિત રીતે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જશ ખાટવાના મેનેજમેન્ટમાં પાવરધી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ હવામાં બાચકાં ભરતી હતી.

પાપનો ઘડો ફૂટ્યાં વગર રહેતો નથી. પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં બહાર આવેલું કે દિલશાદબેનના બ્યૂટી પાર્લરમાં કુસુમ નારણભાઈ વરસાણી (પટેલ) નામની મહિલા અવારનવાર આવતી જતી રહેતી હતી. ઘણીવાર કુસુમ સાથે જાનકી પ્રદીપભાઈ ચાવડા (બંને રહે. ઉમેદનગર કોલોની, ભુજ) અને મુમતાઝ ઊર્ફે રઝીયા લિયાકત ઉન્નડ (જૂની બકાલી કોલોની, ભુજ) મેક અપ કરાવવા આવતા હતા.

ત્રણે મહિલાઓ ભુજ, માનકૂવા, ગાંધીધામ સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલાં હની ટ્રેપ અને ખંડણીના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલી છે. ત્રણેના નામ સાંભળીને ચકોર પોલીસ કર્મચારીઓના કાન સરવા થઈ ગયેલાં.

તેમણે ખાનગી રાહે તપાસ આદરી અને તેમનો શક સાચો ઠર્યો. પોલીસે જણાવ્યું કે મેકઅપ કરાવવા આવેલી કુસુમે દિલશાદબેન કાનમાં સોનાના બુટિયાં જોયાં નહોતાં. વાત-વાતમાં ખબર પડી કે તેમણે પૈસા અને દર-દાગીના ઘરમાં સંતાડીને રાખી દીધાં છે.

કુસુમે યુક્તિપૂર્વક ઘરમાં ઘૂસી ચોરીનો પ્લાન બનાવેલો

ગુનાહિત માનસિક્તા ધરાવતી કુસુમ પટેલે તેમના ઘરમાં હાથ મારવાનો પ્લાન બનાવીને મુમતાઝ અને જાનકીને સામેલ કરેલાં. પ્લાન એવો બનાવેલો કે એક જણી મેકઅપ કરાવતી હોય ત્યારે બાકીની બે જણી દિલશાદબેનનું ધ્યાન ચૂકાવીને યુક્તિપૂર્વક ઘરમાં ઘૂસીને ઘરેણાં ચોરી લે. તેમનો આ પ્લાન સફળ રહેલો અને મોટો હાથ મારીને ત્રણે જણી ફરાર થઈ ગયેલી.

ભુજ બી ડિવિઝનમાં મૂકાયેલાં નવોદિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ખંતપૂર્વકની તપાસે બે માસમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પોલીસે ત્રણે બાઈઓની ધરપકડ કરીને ૮.૨૪ લાખના મૂલ્યની ૭૪.૭૪૦ ગ્રામની સોનાની લગડી અને ૫૧ હજાર રોકડાં મળીને ૮.૭૫ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.

પકડાયેલી મહિલા ત્રિપુટી હની ટ્રેપની અનુભવી ખેલાડીઓ

પોલીસ રેકોર્ડ મુજબ જાનકી ચાવડા અને કુસુમ વરસાણી બેઉ હની ટ્રેપના ગોરખધંધાની જૂની ખેલાડી છે. જાનકીએ ૨૦૧૭માં ભુજના ઓધવપાર્ક ૦૨માં નજીકના મકાનમાં ફિરોઝ અને ઈમરાન નામના બે સાગરીતો સાથે મળીને આંગણામાં પડેલી ચાવીથી તાળું ખોલીને ૨૫ હજાર રોકડાં અને ૩૦ હજારના દાગીના મળી ૫૫ હજારની ચોરી કરેલી. જે અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ૦૭-૦૩-૨૦૧૭ના રોજ ત્રણે સામે ફરિયાદ નોંધાઈ હતી.

૨૦૨૨માં જાનકીએ પાંચ સાગરીતો સાથે મળીને મુંદરાના બારોઈના યુવકને ભુજના સંસ્કારનગરના મકાનમાં લઈ જઈને હની ટ્રેપ કરી, માર મારી, પતાવટ માટે અઢી લાખ રૂપિયાની માંગણી કરેલી. જે અંગે ૨૪-૦૫-૨૦૨૨ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલી. આ ગુનાના ત્રણ માસ અગાઉ જાનકીએ કુસુમ વરસાણી સાથે મળીને સુખપરના એક યુવકને આ જ રીતે શરીર સુખ માણવાની લાલચ આપી બોલાવીને હની ટ્રેપ કરી નકલી પોલીસના નામે રેઈડ પડાવી ૧૨.૧૬ લાખ રૂપિયા પડાવ્યાં હતાં.

કુસુમ અને જાનકીની જોડીએ ગાંધીધામમાં કંડલા પોર્ટના નોકરિયાતને નિશાન બનાવી, વીડિયો વાયરલ કરવાની તથા રેપની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી બ્લેકમેઈલ કરીને અન્ય સાગરીતો સાથે મળીને ટુકડે ટુકડે ૨૩ લાખ પડાવેલાં. જે અંગે ૨૧-૧૨-૨૦૨૪ના રોજ ગાંધીધામ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાયેલી.

માંડવીના યુવાન સંતને પણ ટાર્ગેટ કરેલો

કુસુમે ભુજના એક તોડબાજ પત્રકાર સાથે મળીને બે ત્રણ વર્ષ અગાઉ માંડવી નજીક આવેલા ગુરુકુળના યુવાન સંતને હની ટ્રેપ કરી, ફોન સેક્સની ક્લિપના આધારે ખંડણી માંગેલી. તે અંગે કચ્છખબરે પર્દાફાશ કરતાં કુસુમ અને તોડબાજ પત્રકાર બેઉ ફફડી ગયેલાં. પોલીસે પણ તપાસ શરૂ કરતાં બેઉ જણે માફામાફી કરીને વીડિયો ડિલિટ કરી દઈને ફરિયાદથી બચી ગયાં હતાં. આ તોડબાજે તાજેતરમાં અન્ય એક સંતને પણ હની ટ્રેપ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મુમતાઝ સામે પણ ૨૦૧૭માં માનકૂવા પોલીસ મથક અને ૨૦૨૨માં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આવી ફરિયાદો નોંધાયેલી છે. ભુજ બી ડિવિઝન પીઆઈ એ.એમ. હેરમા અને પીએસઆઈ એચ.એમ. પટેલ, ઝેડ.એમ. મલેક સહિતની ટીમની મહેનત રંગ લાવી છે.

Share it on
   

Recent News  
૪ કરોડના દારૂના કેસમાં વોન્ટેડ બૂટલેગરના માધાપરમાં ઈંગ્લિશના પોઈન્ટ શરૂ!
 
કચ્છ જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ જીવા શેઠનું ટ્રેનની ટક્કરે મૃત્યુ નીપજતાં આઘાત
 
અંજારઃ જેના લીધે પત્નીને તલાક આપવા પડ્યાં તે પ્રેમીને પૂર્વ પતિએ પતાવી દીધો