કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છ લોકસભા બેઠક પર મંગળવારે યોજાયેલા મતદાનનો અંતિમ આંકડો ૫૬.૧૪ ટકા પર પહોંચ્યો છે. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ ૬૨.૫૯ ટકા મતદાન માંડવી સંસદીય મતક્ષેત્રમાં જ્યારે સૌથી ઓછું ૪૮.૨૦ ટકા મતદાન રાપર મતક્ષેત્રમાં નોંધાયું છે. અબડાસામાં ૫૮.૨૮ ટકા, અંજારમાં ૫૯.૬૨ ટકા, ભુજમાં ૫૭.૧૩ ટકા, ગાંધીધામમાં ૪૯.૩૮ ટકા અને મોરબીમાં ૫૮.૨૬ ટકા મતદાન નોંધાયું છે.
ચૂંટણી પૂર્ણ થતાં તંત્ર, પાર્ટીઓ, પોલીસને મળ્યો બ્રેક
છેલ્લાં એક દોઢ મહિનાથી કાળઝાળ ગરમી વચ્ચે સતત પ્રચાર, મિટીંગો, આયોજનોમાં વ્યસ્ત રહેલાં રાજકીય પક્ષોના ઉમેદવારો અને કાર્યકરોને હવે થાક ઉતારવાનો અવસર મળ્યો છે. જો કે, ભાજપ કોંગ્રેસના મોટાં નેતાઓ હજુ બુથવાઈઝ મતદાનના આંકડાની ગણતરીઓ માંડીને પોતાની ભાવિ હાર-જીતના આકલન કરવામાં વ્યસ્ત રહ્યાં છે પરંતુ કાર્યકરો અને નાનાં-મોટાં નેતાઓને હવે હાશ થઈ ગઈ છે. ચૂંટણીના કારણે સતત બંદોબસ્તમાં ખડે પગે રહેલાં પોલીસ તંત્રને પણ પલાંઠી વાળી પોરો ખાવાની તક મળી છે. એ જ રીતે, ચૂંટણીના મહાપર્વને સફળ બનાવવા અવિરતપણે દોડી રહેલાં વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને પણ હાશ થઈ છે. હવે ચાર જૂને યોજાનારી મતગણતરીના દિવસ સુધી સૌને મોટો બ્રેક મળી ગયો છે.
Share it on
|