કચ્છખબરડૉટકોમ, ભુજઃ નર્મદાની દુધઈ સબ બ્રાન્ચ કેનાલ અને વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલના નિર્માણની મંથર ગતિ, નજીવા વળતરે થતાં જમીન સંપાદન સહિત ખેડૂતોને નડતાં વિવિધ પ્રશ્નો મુદ્દે આજે ભારતીય કિસાન સંઘે ભુજમાં વિશાળ વિરોધ સંમેલન યોજ્યું હતું. દુધઈ સબ બ્રાન્ચ કેનાલ બાબતે છેલ્લાં પોણા બે વર્ષથી વાટાઘાટો ચાલી રહી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. કિસાનોની માંગણી છે કે મૂળ આયોજન મુજબ ૬૮ કિલોમીટર ઉપર ૩૧.૮૪ ક્યુમેક મુજબ સબ બ્રાન્ચ કેનાલનું નિર્માણ થાય. આનાથી બન્નીના સરહદી વિસ્તારના ગામો કે જ્યાં પીવા કે ખેતી માટે પાણીની કોઈ સુવિધા નથી તેમને લાભ પહોંચશે. આ ગામડાં સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. તેથી થોડો ખર્ચ કદાચ વધુ આવે તો પણ કેનાલ ૧૫ ક્યુમેકની બનાવવી જરૂરી છે.
ભચાઉ તાલુકામાંથી નીકળતી વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલનું કામ લાંબા સમયથી મંદ ગતિએ ચાલે છે તેમાં તાત્કાલિક ધોરણે નાણાં ફાળવી કામમાં ગતિ લાવવી જોઈએ.
નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી કચ્છને ફાળવાયા છે તેમાંથી નોર્ધન લીંક કેનાલ, સધર્ન લીંક કેનાલ અને સારણના કામો ચાલું છે પણ હાઈ કન્ટુર કેનાલ તથા અબડાસા લીન્ક કેનાલની વહીવટી મંજૂરી આપી નથી. જે મંજૂરી તાત્કાલિક આપો. કારણ કે, બંને કેનાલ પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોને લાગુ પડે છે. પાણી ના હોતાં લોકો સ્થળાંતર કરી રહ્યાં છે અને સરહદો સૂની પડી રહી છે. જે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છે.
વિવિધ કંપનીઓ દ્વારા ખેતરોમાંથી પસાર કરાતી વીજ ટાવરની લાઈનો, ગેસ લાઈનો, પાણીની લાઈનો વખતે ખેડૂતોની જમીનોનું બજાર ભાવ કરતાં જંત્રી દરે સંપાદન વળતર આપવામાં આવે છે, તે અપૂરતું છે. આ જ ખેડૂતો જ્યારે કૂવા કે બોર માટે બે ગુંઠા જમીનની માગણી કરે ત્યારે તેમની પાસેથી બજારભાવ મુજબ કિંમત વસૂલ કરાય છે.
આ બેધારી નીતિ દૂર કરવી જોઈએ. જમીનની નવી માપણી થઈ છે તેવા ગામોના પ્રમોલ્ગેશનની કામગીરીમાં અસંખ્ય ક્ષતિઓ છે તેને તાત્કાલિક દૂર કરવી. ખેડૂતો એક ખેતરમાંથી બીજા ખેતરમાં કાંપ-માટી લઈ જાય ત્યારે ખનિજ તંત્રના નામે કનડગત કરાય છે તે દૂર થવી જોઈએ. વર્ષોથી શ્રીસરકાર થયેલી જે જમીનો ખેડૂતો ખેડે છે અને માલિકી હક્ક ધરાવે છે તેવી જમીનો ખેડૂતોના નામે રેગ્યુલર કરી આપવામાં આવે.
ભચાઉ તાલુકાના ચોબારી અને મનફરા ગામે વર્ષ ૨૦૧૧માં નર્મદા કેનાલ માટે ખેડૂતોની જમીન સંપાદિત થઈ હતી. જે-તે અધિકારીઓના કારણે જંત્રીના ભાવમાં વિસંગતતા હોતા આજ દિવસ સુધી ૧૦૦ જેટલા ખેડૂતોને કેનાલ બની ગયા બાદ પણ જમીનનું વળતર અપાયું નથી.
આ માટે રાજકીય લોકોએ જવાબદારી સ્વિકારી હતી પણ તેમણે આપેલી ખાતરી મુજબ હજુ સુધી વળતર આપવા માટે કોઈ પગલાં લેવાયાં નથી. ગૌચર અને તળાવો કંપનીઓને આપી દેવામાં આવે છે તે યોગ્ય નથી. તેનાથી પશુઓના ચરિયાણ માટે પ્રશ્નો ઊભાં થઈ રહ્યાં છે. ભુજના ટીનસીટી ગ્રાઉન્ડમાં વિશાળ સંમેલન બાદ ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી કૂચ કરી કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
Share it on
|