કચ્છખબરડૉટકોમ, ભુજઃ દક્ષિણ રાજસ્થાનથી લઈ ઉત્તર ગુજરાતને આવરી લેતું હવાના હળવું દબાણ (લૉ પ્રેશર) હવે વેલ માર્ક લૉ પ્રેશર બની ગયું છે અને આ લૉ પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે. આ સિસ્ટમના પગલે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આવતીકાલ રવિવાર અને સોમવાર માટે કચ્છ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે અત્યાધિક વરસાદ વરસવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રેડ એલર્ટ, અત્યાધિક વર્ષાની અધિક શક્યતા એટલે શું?
રેડ એલર્ટનો મતબલ ભારેથી અતિ ભારે અને ક્યાંક ક્યાંક અત્યાધિક વરસાદની ચેતવણી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં ક્યાંક ક્યાંક અત્યાધિક ભારે વર્ષા (Extremely Heavy Rain Fall) થવાની અધિક શક્યતા (Very Likely એટલે કે આગાહી સાચી ઠરવાની ૭૫ ટકા સુધીની શક્યતા) છે. હવામાન વિભાગની આગાહી અને આંકડાના વિશ્લેષણ મુજબ અત્યાધિક વર્ષા એટલે ગણતરીના કલાકોમાં ૮ ઈંચ સુધીનો (૨૦૪ મિ.મી.) વરસાદ. ભારેથી અતિ ભારે વરસાદ એટલે ૪થી ૮ ઈંચ સુધીનો (૧૧૫ મિ.મી.થી ૨૦૪ મિ.મી.) અને ભારે વરસાદ એટલે ૩થી ૪ ઈંચ (૬૪.૫ મિ.મી.થી ૧૧૫.૫ મિ.મી.) વરસાદ.
કચ્છમાં દોઢથી ચાર ઈંચ સુધી વરસાદ
આમ તો છેલ્લાં બે દિવસથી કચ્છમાં લૉ પ્રેશરની અસર હેઠળ રાત્રે વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. ધીમે ધીમે તેની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે. સરકારી આંકડા મુજબ ગત મધરાત્રે બાર વાગ્યાથી લઈ આજે પરોઢે છ વાગ્યા સુધીમાં રાપરમાં ૬૦ મિ.મી., ભચાઉમાં ૩૧ મિ.મી., અંજારમાં ૩૯ મિ.મી., ભુજમાં ૨૫ મિ.મી., માંડવીમાં ૭ મિ.મી., મુંદરામાં ૧૪ મિ.મી. અને ગાંધીધામમાં ૩૨ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
સવારે ૬થી અત્યારે રાત્રિના ૧૦ સુધીમાં રાપરમાં વધુ ૪૬ મિ.મી., ભચાઉમાં ૬૬ મિ.મી., અંજારમાં ૧૩ મિ.મી., ભુજમાં ૧૫ મિ.મી., મુંદરામાં ૪ મિ.મી. અને ગાંધીધામમાં ૧૯ મિ.મી. વરસાદ વરસ્યો છે.
વેલ માર્ક લૉ પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ તરફ મૂવ થઈ રહ્યું છે તે જોતાં આગામી બે દિવસ વરસાદની તીવ્રતા વધવા સાથે તે આફતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી દહેશત છે. ગુજરાત અને કચ્છનું વહીવટી તંત્ર સજાગ છે. તંત્રએ જરૂરી સૂચનાઓ જારી કરવા સાથે જરૂર પડ્યે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ સજ્જ કરી છે.
મેળાઓના રંગમાં ભંગઃ હમીરસર છલકાશે?
વરસાદના લીધે માધાપર, નખત્રાણામાં યોજાઈ રહેલા નાના અને મોટા યક્ષના લોકમેળા, ભુજ નજીક ભેડ માતાજીના મેળા, રાપરના ખડીર પાસે યોજાયેલા સાંગવારી માતાજીના મેળા સહિતના લોકમેળાઓના રંગમાં ભંગ પડ્યો છે. બીજી તરફ, ભુજવાસીઓના હૈયે વધુ એકવાર હમીરસર છલકાઈ જાય તેવા ઓરતા જાગ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી છલકાઈ રહેલું હમીરસર હવે આ ચોથા વર્ષે પણ છલકાય છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.
Share it on
|