કચ્છખબરડૉટકોમ, ભુજઃ અમદાવાદની શાળામાં સહપાઠીએ કરેલા ખૂનની ઘટના અને ત્યારબાદ ભુજ આદિપુરની શાળા કોલેજમાં બનેલા હિંસાના બનાવોની ચકચાર હજુ શમી નથી. ત્યાં ભુજની ભાગોળે આવેલી સંસ્કાર સ્કુલ એન્ડ કૉલેજમાં ભણતી ૧૯ વર્ષિય વિદ્યાર્થીની અને ૨૨ વર્ષના યુવક પર છરીથી હુમલો થતાં ખળભળાટ મચી ગયો છે. આજે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં કોલેજના ગેટ બહાર હુમલાનો બનાવ બન્યો હતો. કોલેજ સંચાલક કિરીટભાઈ કારિયાએ જણાવ્યું કે ઘાયલ વિદ્યાર્થીની સાક્ષી ખાનિયા ગાંધીધામ બાજુની રહેવાસી છે અને ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહીને તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સાંજે શિક્ષણ કાર્ય પૂરું થઈ ગયાં બાદ તે કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જતી હતી ત્યારે કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બનાવ બન્યો હતો.
કારિયાએ ઉમેર્યું કે પ્રાથમિક રીતે અમને જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીની જેવી કોલેજના ગેટ બહાર નીકળી કે અંજાર બાજુથી બે છોકરાં તેને મળવા આવ્યા હતા. ત્રણે જણ વચ્ચે અંદરોઅંદર કોઈ બાબતને લઈને ચર્ચા થઈ હતી. તે દરમિયાન ઉશ્કેરાઈને એક યુવક છાત્રા અને સાથે રહેલા યુવક પર છરી વડે હુમલો કરી નાસી ગયો હતો.
છાત્રાને ગળા બાજુ ઈજાઓ પહોંચી છે જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના અંગોમાં ઈજા થઈ છે. બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. ઘાયલ યુવક યુવતીને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. ઘટનાસ્થળેથી ઘાયલ યુવકની બાઈક મળી છે. બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ઠાકોર લખેલું છે.
Share it on
|