કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરહદી ખાવડા પંથકના ભીરંડિયારા નજીક વાછરડાની કતલ કરીને તેનું માંસ લઈને અલ્ટો કારમાં ખાવડા તરફ જઈ રહેલાં ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે ખાવડા પોલીસે વૉચ ગોઠવી ત્રિપુટીને ઝડપી ગાડીની તલાશી લેતાં કોથળાઓમાંથી ત્રણ હજારની કિંમતનું ૩૦ કિલો ગૌવંશ માંસ મળી આવ્યું હતું. પોલીસને જોઈને ત્રિપુટીએ ગાડી રીવર્સ કરતાં પોલીસે પીછો કરી તેમને પકડ્યાં હતાં. પોલીસે ઝડપેલાં શખ્સોમાં કારચાલક મૌલાના અબ્દુલ સત્તાર હાસમ સમા, સુલતના નુરમામદ જુસબ સમા અને હુસેન ઉમર જુણસ સમા (રહે. ત્રણેય મોટા, ખાવડા)નો સમાવેશ થાય છે. આરોપીઓએ ભીરંડિયારા નજીક રણ વિલેજ રીસોર્ટ સામે આવેલી બાવળની ઝાડીમાં વાછરડાંની કતલ કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને કતલ કરાયેલાં વાછરડાના અવશેષોને ખાડો કરીને દાટી દેવડાવ્યાં હતાં. ખાવડા પીએસઆઈ એમ.બી. ચાવડાએ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Share it on
|