click here to go to advertiser's link
Visitors :  
31-Jul-2025, Thursday
Home -> Bhuj -> Karate Coach and Assistant sentenced for molesting 14 year old student in Bhuj
Tuesday, 29-Jul-2025 - Bhuj 7463 views
ભુજઃ ૧૪ વર્ષની શિષ્યાની શારીરિક છેડતી કરનાર કરાટે કોચ અને સહાયકને સખ્ત કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોતાની પાસે કરાટે શીખવા આવતી ૧૪ વર્ષની બાળા સાથે શારીરિક અડપલાં કરી ધાક ધમકી કરવાના ૬ વર્ષ જૂના ગુનામાં ભુજની પોક્સો કૉર્ટે કરાટે કોચ અને તેના સહાયકને દોષી ઠેરવ્યાં છે. કૉર્ટે કોચને ૫ અને સહાયકને ૩ વર્ષની કેદ કરી છે. ભુજમાં બાળાઓને કરાટેની તાલીમ આપતા વિનોદ પ્રેમજી પટેલ (મૂળ રહે. નાની અરલ, નખત્રાણા. રહે. હાલ પ્રમુખસ્વામીનગર, ભુજ)એ ૧૪ વર્ષની બાળા જોડે આશાપુરા સ્કુલના કંપાઉન્ડ તથા જાપાનમાં યોજાયેલી કરાટે કોમ્પિટીશન દરમિયાન હોટેલમાં છેડતી કરી હતી.

વિનોદ બાળાના શારીરિક અંગોને સ્પર્શીને અડપલાં કરતો હતો. બે વર્ષના સમયગાળામાં વિનોદ પટેલે અનેકવાર બાળા સાથે આ કરતૂત આચર્યું હતું.

મિત્ર સાથેની અંગત ચેટના સ્ક્રિનશોટ પાડી ધમકાવતાં

વિનોદના સહાયક પવન રામચંદ્ર સરગરા (રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ રહે. પ્રમુખસ્વામીનગર)એ આ બાળાએ ઈન્સ્ટાગ્રામ પર મિત્ર સાથે થયેલી ચેટના સ્ક્રીનશૉટ્સ પાડી દીધેલા. બાદમાં બેઉ જણે આ સ્ક્રીનશોટ્સ બાળાના માતા પિતાને બોલાવી બતાડી દેવાની તથા વાયરલ કરવાની ચીમકી આપીને તેમના કરતૂતો અંગે કોઈને કશું ના કહેવા ધમકી આપેલી.

બાળાએ લખેલી આ ચિઠ્ઠીથી ભાંડો ફૂટેલો

બંનેના કરતૂતથી ત્રસ્ત થયેલી કિશોરીએ વિનોદને ઉદ્દેશીને એક ચિઠ્ઠી લખીને સ્કુલ બેગમાં રાખેલી. જેમાં તેણે પોતાની ઓકાતમાં રહેજે, બહુ થયું અને મારા પપ્પા તને મૂકશે નહીં. અત્યારસુધી તો મારી મમ્મીની તબિયત ખરાબ હતી એટલે મેં સહન કરી લીધું પણ હવે કંઈપણ થયું ને તો હું મારા પપ્પાને કહી દઈશ. બહુ ચાલાકી બતાવીને મને દબાવવાની જરૂર નથી અને જેને પોતાની દીકરી હોય તે બીજી કોઈ છોકરી સાથે આવી હરકત કેમ કરી શકે? તુ જે અમદાવાદ તથા જાપાનમાં કરતો હતો તે મારા પપ્પાને ખબર પડી જશે તો મારા પપ્પા તને મુકશે નહીં’ બાળા આ ચિઠ્ઠી વિનોદને આપી શકી નહોતી પરંતુ સ્કુલબેગમાં રાખી મૂકેલી ચિઠ્ઠી માતાના હાથમાં આવી જતાં સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. ભુજના મહિલા સંગઠનના કાર્યકરની મદદથી પરિવારે બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

કૉર્ટે બંનેને સખ્ત કારાવાસની સજા ફટકારી

આ ગુનામાં આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે વિનોદને પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૩૫૪ (એ) અને ૫૦૬ હેઠળ એક એક વર્ષની કેદ તથા પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

વિનોદના સહાયક પવન સરગરાને પોક્સો એક્ટ હેઠળ ૩ વર્ષની કેદ અને પાંચ હજારનો દંડ તથા ઈપીકો કલમ ૩૫૪ (એ) અને ૫૦૬ હેઠળ ૬-૬ માસની કેદ ફટકારી છે.

આ કેસમાં ૧૪ દસ્તાવેજી આધારો અને ૭ સાક્ષીઓ રજૂ કરી ફરિયાદ પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજા અને મૂળ ફરિયાદીના વકીલ એન.સી. માંકડે સફળ પેરવી કરી હતી. કૉર્ટે ગુનાનો ભોગ બનનાર બાળાને ૧ લાખનું વળતર તથા વસૂલ થયેલ દંડની રકમ ચૂકવી આપવા અને તેના ભવિષ્યના પુનર્વસન માટે બાળ કલ્યાણ માટે કાર્યરત સરકારી એકમોને સૂચના આપી છે.

Share it on
   

Recent News  
માધાપરના જગદીશ બારમેડા નામના ગઠિયાએ બિલ્ડર બની આદિપુરમાં અઢી કરોડનું કરી નાખ્યું
 
ઘોરાડ બચાવવા કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરીડોર બનાવવા સમિતિની સુપ્રીમને દરખાસ્ત
 
ભચાઉ કૉર્ટે ૧૩ વર્ષની તરુણીના અપહરણ દુષ્કર્મના ગુનેગારને ૨૦ વર્ષની સખ્ત કેદ કરી