કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ હાલે મુંબઈમાં રહેતા માધાપરના ગઠિયાએ આદિપુરમાં રીયલ એસ્ટેટ ડેવલોપરનો સ્વાંગ ધરીને ચાર ડુપ્લેક્સ બનાવવાના નામે ચાર જણાં સાથે અઢી કરોડથી વધુ રકમનું ‘કરી’ નાખ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. માધાપરના ઓધવબાગ-2ના વતની અને હાલે મુંબઈમાં રહેતા જગદીશ હરીલાલ બારમેડા નામના ચીટર વિરુધ્ધ ચાર લોકો વતી એક જણે ચારસો વીસીની ફરિયાદ નોંધાવી છે. જગા બારમેડાએ આદિપુરના વૉર્ડ 2-બીમાં 778 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં ડુપ્લેક્સનું નિર્માણ કરતો હોવાની કચ્છના સ્વઘોષિત લોકપ્રિય છાપામાં જાહેરાત આપીને ઠગાઈની જાળ બીછાવી હતી.
જગલાની જાળમાં ફરિયાદી વિનાયક આનંદાની, પ્રવિણસિંહ ગજુભા જાડેજા, રોહતાઝ સૈની અને અમિત સુગવાની ફસાઈ ગયાં હતાં. જગલાએ ડુપ્લેક્સની કિંમત પોણાથી એક કરોડ જણાવેલી. બુકિંગ કરાવનારાઓને તેમનું જૂનું વર્તમાન રહેણાક મકાન જમા કરવાની ઑફર આપીને નવા મકાન પેટે બાકીના રૂપિયા જ ચૂકવવાના દાણાં નાખેલાં.
તેની જાળમાં ફસાઈને વિનાયક આનંદાનીએ ૯૮.૦૬ લાખ, રોહતાઝ સૈનીએ ૭૦.૧૧ લાખ, પ્રવિણે ૪૨ લાખ અને અમિતે ૪૦.૫૧ લાખ રૂપિયા બુકિંગ પેટે આપ્યાં હતા. જગલાએ રોહતાઝ સૈનીનું જૂનું મકાન ૭૦ લાખમાં જમા કરીને તે મકાન બીજાને બારોબાર વેચી માર્યું છે. તો, અમિત સુગવાનીના પ્લોટને જમા લઈ તેના પર એલઆઈસીમાંથી ૭૮.૭૫ લાખની લોન લઈને તે ભરી નથી અને પ્લોટ બારોબાર બીજાને વેચી ખાધો છે.
રોહતાઝ સૈનીએ જગદીશ બારમેડા અને જીતેન ભૂપેન્દ્ર ઠક્કર જોડે નવા મકાન માટે સાટા કરાર કરેલા તો અમિતે જગલાના કહેવાથી તેની હાજરીમાં સુરેશ નેહલાણી નામના શખ્સને રૂપિયા આપ્યા હતા.
ફરિયાદીઓને ના રૂપિયા પાછાં આપતો ના રહેવા માટે ડુપ્લેક્સ મળતા હતા. જગલાએ માર્ચ સુધી બધાને ખોટાં વાયદા કરેલા અને પછી ધમકી આપવા માંડેલો કે ‘મારો તો આ જ ધંધો છે, અગાઉ આવા ઘણાં કાંડ કરી ચૂક્યો છું. ફરિયાદ નોંધાવી તો બધાને પૂરાં કરી દઈશ’ પોલીસે ફરિયાદ રજિસ્ટર કરી જગલા બારમેડાને પાતાળમાંથી પકડી લાવવા પ્રયાસો આદર્યાં છે.
Share it on
|