click here to go to advertiser's link
Visitors :  
12-Nov-2025, Wednesday
Home -> Other -> SC appointed panel recommends two dedicated power corridors for GIB conservation in Kutch
Wednesday, 30-Jul-2025 - Delhi 45354 views
ઘોરાડ બચાવવા કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરીડોર બનાવવા સમિતિની સુપ્રીમને દરખાસ્ત
કચ્છખબરડૉટકોમ, દિલ્હીઃ લુપ્ત થવાના આરે રહેલા ઘોરાડ પંખીની વસાહતોમાંથી સોલાર/ પવનચક્કીઓની હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર કરવા સામે સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહેલા કેસમાં મોટું ડેવલોપમેન્ટ સામે આવ્યું છે. આ ડેવલોપમેન્ટથી પાવર કંપનીઓ ઉચાટમાં મૂકાઈ છે. વિકાસની સમાંતર ઘોરાડનું પણ સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુ અભ્યાસ કરીને ભલામણો કરવા સુપ્રીમ કૉર્ટે રચેલી સાત નિષ્ણાતોની સમિતિએ કેટલીક મહત્વપૂર્ણ દરખાસ્તો સાથેનો અહેવાલ સુપ્રીમ કૉર્ટમાં રજૂ કર્યો છે.
કચ્છ માટે સમિતિએ કરી આ મહત્વની ભલામણો

એક્સપર્ટ કમિટીએ ઘોરાડના સંરક્ષણ માટે કચ્છ અને રાજસ્થાનમાં ડેડીકેટેડ પાવર કોરિડોર બનાવવા, કેટલીક વર્તમાન પાવર લાઈન્સ અંડરગ્રાઉન્ડ કરવા અને કેટલીક જગ્યાએ આ પાવર લાઈન્સનો રુટ બદલવા સહિતની ભલામણો કરી છે. સમિતિના અહેવાલ પર આગામી મહિને સુનાવણી થાય તેવી શક્યતા છે.

એક્સપર્ટ સમિતિએ કચ્છમાં બે ડેડીકેટેડ પાવર કોરિડોર બનાવવા ભલામણ કરી છે. એક પાવર કોરીડોરમાં કચ્છના સમુદ્રી કાંઠાળ પટ્ટમાંથી વીજ લાઈનો પસાર કરવા સૂચવાયું છે.

જ્યારે અન્ય એક પાવર કોરીડોર કે જેમાં ચારસો વૉલ્ટની હાઈ વૉલ્ટેજ પાવર લાઈન્સ હોય તે ઘોરાડ વસાહતની ઉત્તર તરફના વિસ્તારમાંથી પસાર કરવા ભલામણ કરી છે. સમિતિએ કચ્છમાં વર્તમાન પાંચસો ચોરસ કિલોમીટરના ‘પ્રાયોરીટી એરિયા’ની સમીક્ષા કરીને તેને ૭૪૦ ચોરસ કિલોમીટરમાં વિસ્તારવા ભલામણ કરી છે.

જાણો શો છે આખો કેસ

વજનમાં સૌથી ભારેખમ પંખી ગણાતાં ઘોરાડ (ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) પંખીની ગણીગાંઠી વસાહત મુખ્યત્વે કચ્છ અને રાજસ્થાનમાં બચી છે. ૨૦૧૯ના વર્ષમાં કેટલાંક પર્યાવરણવિદ્દ અને પક્ષીપ્રેમીઓએ ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન હેતુ તેની રક્ષિત વસાહતોમાંથી વીજ લાઈનો પસાર કરવા મુદ્દે ઉગ્ર વાંધા દર્શાવ્યાં હતા.

વીજલાઈનો સાથે અથડાઈને ઘોરાડ મૃત્યુ પામતાં હોઈ વીજ લાઈનો પસાર કરવી જ હોય તો અંડરગ્રાઉન્ડ કરવા રજૂઆત કરાઈ હતી. ભારેખમ શરીર અને નબળી દ્રષ્ટિના કારણે ઘોરાડ પંખીઓ વીજ લાઈનો સાથે ટકરાઈને મૃત્યુ પામી રહ્યાં છે.

ઘોરાડ વસાહતોમાં વધી રહેલી માનવ ખલેલ, વસાહતોનો થઈ રહેલો નાશ સાથે ઘોરાડ કુદરતી રીતે નીચો પ્રજનન દર ધરાવતું હોવાનું જણાવી કચ્છ અને રાજસ્થાનમાં માંડ દોઢસો જેટલાં ઘોરાડ બચ્યાં હોવાનું જણાવાયું હતું. કચ્છના અબડાસામાં આવેલા લાલા અભયારણ્યમાં તો માંડ ત્રણેક ઘોરાડ બચ્યાં છે. વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ દર વર્ષે ચારથી પાંચ ઘોરાડના વીજ કરંટના લીધે મૃત્યુ થતાં રહે તો આગામી વીસ વર્ષમાં ઘોરાડની વસતિ વિલુપ્ત થઈ જવાનો અંદાજ રજૂ કર્યો હતો.

૨૦૨૪માં વ્યવહારુ રસ્તો શોધવા સુપ્રીમે સમિતિ રચાયેલી

પિટિશનના પગલે ૨૦૨૧માં સુપ્રીમ કૉર્ટે કચ્છ અને રાજસ્થાનના થારના રણમાં ઘોરાડ વસાહતના ૮૦ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઑવરહેડ વીજલાઈનોને અંડરગ્રાઉન્ડ કરવા અને નવી લાઈનો પસાર કરવા પર પ્રતિબંધ ફરમાવતા નિર્દેશ જારી કર્યા હતા. આ પ્રતિબંધમાં છૂટછાટ આપવા માર્ચ ૨૦૨૪માં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગતા રજૂઆત કરી હતી કે જે વિસ્તારમાં પ્રતિબંધ લગાવાયો છે ત્યાં ઘોરાડની નેવું ટકા વસાહત નષ્ટ થઈ ગઈ છે. આ વિસ્તારમાંથી વિન્ડ અને સોલાર ટ્રાન્સમિશન વીજ લાઈનો નાખવી જરૂરી હોઈ અગાઉના પ્રતિબંધ મુદ્દે કૉર્ટ કોઈ મધ્યમ અને વ્યવહારુ માર્ગ કાઢે તે જરૂરી છે.

સુપ્રીમના તત્કાલિન ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કેસની સુનાવણી કરેલી. 

આ ખંડપીઠે સરકારની દલીલને ગ્રાહ્ય રાખી પર્યાવરણીય સંરક્ષણ અને વીજ માગ વચ્ચે સંતુલન રહે તે જરૂરી હોવાનું જણાવી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને હિતધારકોના પ્રતિનિધિઓને સમાવતી સાત સદસ્યોની એક એક્સપર્ટ કમિટી રચી હતી. આ કમિટીએ ગત ડિસેમ્બર માસમાં કચ્છનો પ્રવાસ કર્યો હતો.

Share it on
   

Recent News  
અંજારમાં ડ્રાઈવરોને ‘ફોડી’ ટ્રકોમાંથી TMT સળિયાની ચોરી: ૪.૪૬ લાખના સળિયા જપ્ત
 
આદિપુરમાં ધોળા દિવસે રહેણાક મકાનમાંથી સોનાના ઘરેણાં અને રોકડ મળી ૭.૪૦ લાખની ચોરી
 
ધો. ૬ની બાળકી સાથે શારીરિક અડપલાં કરનારા ૬૫ વર્ષિય લંપટ ગુરુને પાંચ વર્ષની કેદ