કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ૧૩ વર્ષ ૫ મહિનાની તરુણીને લલચાવી, ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપનયન કરી પોતાની જોડે લઈ જઈ, વારંવાર શારીરિક સંબંધો બાંધનાર ૨૭ વર્ષિય યુવકને ભચાઉની પોક્સો કૉર્ટે દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ભચાઉના જડસા ગામનો ભરત હમીરભાઈ કોલી નામનો યુવક ભચાઉમાં રહેતી તરુણીને ૨૪-૦૮-૨૦૨૩ની રાત્રે ભગાડીને બાઈક પર લઈ ગયો હતો. બનાવ અંગે તરુણીના પિતાએ ભરત વિરુધ્ધ ૨૬-૦૮-૨૦૨૩ના રોજ કિશોર વયની દીકરીના અપહરણ-અપનયન, પોક્સોની કલમો તળે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી. મેડિકલ તપાસમાં તરુણી સાથે ભરતે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે દુષ્કર્મની કલમોનો ઉમેરો કર્યો હતો.
આ ગુનામાં આજે ૧૫ સાક્ષીઓની જુબાની, ૩૧ દસ્તાવેજી આધાર પુરાવા તથા બંને પક્ષના વકીલોની દલીલોની ધ્યાને રાખીને ભચાઉની ખાસ પોક્સો કૉર્ટના જજ અંદલીપ તિવારીએ ભરતને દોષી ઠેરવ્યો હતો.
ગુનાનો ભોગ બનનાર તરુણ વયની અને નાસમજ હોવાનું જાણવા છતાં ભરતે તેની સાથે ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું જણાવી સરકારી વકીલોએ આ ગુનો બાળકો વિરુધ્ધનો, સમાજ વિરુધ્ધનો અને નૈતિક્તા વિરુધ્ધનો હોવાનું જણાવી ભરતને મહત્તમ સજા કરવા કૉર્ટને અનુરોધ કર્યો હતો. કૉર્ટે ભરતને ઈપીકો કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ પાંચ પાંચ વર્ષની સખ્ત કેદ અને પાંચ પાંચ હજારનો દંડ, ઈપીકો કલમ ૩૭૬ (૨) અને (૩) હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદ અને પાંચ હજારનો દંડ, પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ અને પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
પીડિતાને દંડની રકમ ઉપરાંત પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ
કૉર્ટે ૨૦ હજાર રૂપિયાના દંડ રકમ વસૂલ થયે ભોગ બનનારને ચૂકવવા ઉપરાંત વિક્ટિમ કોમ્પેન્સેસન સ્કિમ અન્વયે પાંચ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને હુકમ કર્યો છે. આ કેસમાં ભચાઉના તત્કાલિન પીઆઈ એસ.જી. ખાંભલાએ તપાસ કરેલી અને સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને મહેન્દ્રસિંહ આર. જાડેજાએ પેરવી કરી હતી.
નોંધનીય છે કે એપીપી ધર્મેન્દ્રસિંહ તેમની સરકારી વકીલ તરીકેની સેવા દરમિયાન આજના ૨૬મા કેસમાં આરોપીને દોષી ઠેરવી સજા અપાવવામાં સફળ રહ્યાં છે.
અત્યારસુધીમાં તે પોક્સો એક્ટ હેઠળના ૬, એટ્રોસિટી એક્ટ હેઠળના ૫ અને હત્યા સહિતના સેશન્સ ટ્રાયેબલ અન્ય ૧૫ ગુનાઓના આરોપીઓને સજા અપાવી ચૂક્યાં છે.
Share it on
|