કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસ સહિતના સુરક્ષા દળો અપ્રિય ઘટના સમયે તેમની સજ્જતા ચકાસવા માટે અવારનવાર મોક ડ્રીલ યોજતાં રહે છે. જે અંતર્ગત આજે સાંજે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સંકુલમાં ચેતક કમાન્ડો અને એસઓજીએ સંયુક્ત મોક ડ્રીલ યોજી હતી. બંદૂક સાથે ઘૂસી ગયેલાં ચાર ત્રાસવાદીઓએ હોસ્પિટલના પાંચ કર્મચારીને બંધ બનાવીને હુમલો કરેલો. હુમલાના પગલે ચેતક કમાન્ડો સહિતની એજન્સીઓએ તત્કાળ હોસ્પિટલને ઘેરી લઈને પાંચ કલાક સુધી જવાબી કાર્યવાહી કરી હતી.
ચારે ત્રાસવાદીઓને ઠાર મરાઈને બંધકોને સહીસલામત બચાવી હુમલાને નાકામ કરાયો હતો. ત્રાસવાદી હુમલાની જાણ થતાં હોસ્પિટલના સિક્યોરીટી સ્ટાફે ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તત્કાળ અસરથી ક્વિક રિસપોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગૃપને મોકલી ગણતરીના સમયમાં જી.કે જનરલ હોસ્પિટલને ઘેરી લીધી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ, મરીન ટાસ્ક ફોર્સ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત - બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઇ હતી.
આંતકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વહીવટી તંત્ર સમક્ષ ૨૦૦ કરોડ રૂપિયા રોકડાં, નાસી જવા માટે હેલિકોપ્ટર અને સાબરમતી જેલમાં બંધ ૩ આંતકવાદીઓને મુકત કરવા સહિતની માંગણી મૂકી હતી.
અધિકારીઓએ આંતકવાદીઓ પાસે વાટાઘાટો કરીને તેમનો વિશ્વાસ સંપાદન કરી ચેતક કમાન્ડો ફોર્સના આગમન સુધીનો સમય પસાર કર્યો હતો. હુમલાના દોઢ કલાકમાં એરકાફ્રટમાં ભુજ પહોંચેલા ચેતક કમાન્ડો ફોર્સે હુમલાને નાકામ બનાવવા ઇન્સિડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરી હતી. બે ડીવાયએસપી, ૩ પી.આઇ. સાથે ૫૫ જવાનો સાથેની ચેતક કમાન્ડો ફોર્સે અત્યંત ચપળતાથી જવાબી કાર્યવાહી કરી હતી. મોકડ્રીલમાં તમામ સુરક્ષા એજન્સીઓ, પોલીસ વિભાગ, હોસ્પિટલ સિકયોરીટી, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોક ડ્રીલથી અજાણ હોસ્પિટલના દર્દી બરદાસીઓમાં પ્રારંભે થોડોક ગભરાટ ફેલાયો હતો જો કે મોક ડ્રીલ હોવાનું જાણીને તેમને હાશ થઈ હતી.
Share it on
|