ઝુરા ગામે દેશી દારૂનો અડ્ડા પર જનતા રેઈડ છતાં પોલીસ FIR નથી નોંધતી હોવાનો આરોપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ગુજરાતભરમાં ગામે ગામ ખુલ્લેઆમ વેચાતાં દેશી વિદેશી દારૂની અડ્ડાઓ અને ડ્રગ્સના પોઈન્ટ પર જનતા રેઈડ કરવાની જાગૃત જનતાને હાકલ કરી છે.
Video :
જેના પગલે ગુજરાતભરના વિવિધ શહેરો ગામના લોકો દારૂના અડ્ડાઓ, બૂટલેગરોના નામ, પોલીસની હપ્તાખોરી અંગેના આરોપ કરતાં વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.
આજે ભુજ તાલુકાના ઝુરા ગામે આંગણવાડી પાસે ચાલતા સરુપાજી નામના બૂટલેગરના અડ્ડા પર પરોઢે પાંચ વાગ્યે સંગીતા નામની યુવતીએ ત્રાટકીને દેશી દારૂના વેચાણ સેવનનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ કર્યો છે.
વીડિયોમાં યુવતી અને બૂટલેગરની વાતચીત એ બાબતનો સ્પષ્ટ ખુલાસો આપી રહી છે કે અહીં બિન્ધાસ્ત રીતે દેશી દારૂનું વેચાણ થાય છે.
વીડિયો રેકોર્ડ કર્યાં બાદ યુવતી કોંગ્રેસના કાર્યકરો સાથે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગઈ હતી. કોંગ્રેસના કિસાન મોરચાના હોદ્દેદાર યોગેશ પોકારે આરોપ કર્યો કે કલાકો વીતવા છતાં પોલીસ બૂટલેગર સામે ફરિયાદ દાખલ કરતી નથી.
કચ્છમાં સૌથી વધુ અડ્ડા માધાપરમાં ચાલે છેઃ કોંગ્રેસ
થોડાંક સમય અગાઉ માધાપરમાં દારૂ વેચતાં બૂટલેગરોની એક યાદી સોશિયલ મીડિયા પર ફરતી થયેલી.
કારીમોરી પાસે મહેન્દ્રા નામના બૂટલેગરનો દેશી દારૂનો અડ્ડો પણ બિન્ધાસ્ત રીતે ધમધમે છે. આ બૂટલેગરે છેલ્લાં એક વરસથી ઘરાકોને શાંતિથી પીવા માટે ઉપર શેડવાળો અને ચોતરફ કંપાઉન્ડ વૉલવાળો મોટો અડ્ડો ચાલું કર્યો છે. અહીં પીવાવાળાઓ માટે પીવા સાથે ચખણાંની પણ સુવિધા ઉપલબ્ધ છે.
રોજ રાત પડે ને તેની ભઠ્ઠીઓ ધમધમે છે. એ જ રીતે, પોલીસ સ્ટેશન નજીક પણ એક કુખ્યાત બૂટલેગરનો અડ્ડો ધમધમે છે. કારીમોરી તળાવને અડીને આવેલા બગીચામાં પણ આખો દિવસ ઈંગ્લિશનું વેચાણ થતો હોવાનો વીડિયો પણ અગાઉ વાયરલ થયેલો. યોગેશ પોકારે આરોપ કર્યો છે કચ્છમાં સૌથી વધુ માધાપરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ પોલીસ કોઈ પગલાં ભરતી નથી.