કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના માર્ગો પર દારૂના નશામાં ચુર થઈને ટ્રક ટ્રેલર જેવા ભારેખમ વાહનોને બેફામ હંકારતા ડ્રાઈવરોના લીધે છાશવારે અનેક લોકોનો નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે.
Video :
ભુજથી ખાવડા નેશનલ હાઈવે પર ભીરંડિયારા ચેકપોસ્ટ નજીક દારૂના નશામાં ધુત થઈને ટ્રક હંકારી રહેલા એક ડ્રાઈવરે ગાયોના ધણને ટક્કર મારીને પાંચ ગાયોને રામશરણ કરી દીધી છે. સોમવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં ભીરંડિયારા ટોલ નાકા નજીક દુર્ઘટના ઘટી હતી.
નશામાં ટલ્લી થયેલો ટ્રક ડ્રાઈવર માર્ગ પર સર્પાકારે વાહન હંકારતો હતો અને પાછળ જઈ રહેલી ગાડીના કોઈક ચાલકે ગંભીર દુર્ઘટના સર્જાવાની ભીતિથી તેનો લાઈવ વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરેલું.
થોડીક જ સેકન્ડો બાદ આ ટ્રક ડ્રાઈવરે રોડ પર જઈ રહેલા ગાયોના ધણને ટક્કર મારીને પાંચ ગાયોને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઘટના બાદ ધોરડો પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે GJ-12 BY-5758 નંબરની ગાડીના ડ્રાઈવર મુન્ના યાદવ (કુશીનગર, યુપી) સામે દારૂ પીને વાહન હંકારવા સબબ ફરિયાદ નોંધી હતી. તો, પશુપાલક મામદ રહીમ સમાએ ગાયોને ટક્કર મારીને ૧.૧૮ લાખનું નુકસાન પહોંચાડવા સબબ અન્ય એક ફરિયાદ નોંધાવી છે.