કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઘણાં સમય બાદ દેશના સામાન્ય રેલપ્રવાસીઓ માટે થોડી રાહતના સમાચાર આવ્યાં છે. કમ્મરતોડ ઊંચા ભાડાં વસૂલીને દોડતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનોની સંખ્યા વધારીને વિકાસની આભાસી ચમકદમક દેખાડતી કેન્દ્ર સરકારે હવે આમજનતા જેમાં પ્રવાસ કરે છે તે જનરલ ડબ્બા વધારવાનો નિર્ણય કર્યો છે. લાંબા અંતરની ટ્રેનોમાં ઓવરક્રાઉડીંગ (વધુ પડતી ભીડ)ની સમસ્યાને નિવારવા ભારતીય રેલવેએ ૪૬ ટ્રેનોમાં વધારાના ૯૨ જનરલ કમ્પાર્ટમેન્ટ દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત કચ્છથી મુંબઈ વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેસ અને બાંદ્રા ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં વધારાના જનરલ ડબ્બા જોડવામાં આવ્યાં છે. ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ તથા વેરાવળ બાંદ્રા વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં પણ વધારાના જનરલ કોચ જોડવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી કેન્દ્ર સરકાર અચાનક વધુ સ્પીડ અને સુવિધાસજ્જ વંદે ભારત એક્સપ્રેસને પ્રોત્સાહન આપવા માંડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છાશવારે કોઈને કોઈ શહેરમાં આ ટ્રેનનું પ્રસ્થાન કરાવવા માટે હાથમાં લીલી ઝંડી બતાડતાં દેખાય છે.
બીજી તરફ, કોરોના બાદ ટ્રેનોમાં સિનિયર સીટીઝનોને મળતી ભાડાની રાહતો પરત ખેંચાઈ ગઈ છે. ભયંકર મોંઘવારી અને બેકારીના કારણે દેશનો ગરીબ જ નહીં મધ્યમવર્ગ પણ કમ્મરતોડ ભાડાં ચૂકવવાના બદલે ‘સસ્તું ભાડું ને સિધ્ધપુરની જાત્રા’ની કહેવતની જેમ નછૂટકે જનરલ ડબ્બામાં પ્રવાસ કરવા માંડ્યો છે. જગ્યા ના મળે તો લોકો આરક્ષિત એસી કોચમાં ઘૂસીને ધરાર મુસાફરી કરવા માંડ્યાં હતાં.
ઓવરક્રાઉડીંગની સમસ્યા અંગેના સેંકડો વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થતાં હતા પરંતુ આઠસો કરોડના પ્લેનમાં ઉડતાં વડાપ્રધાન મોદી અને આભાસી ચમકદમકમાં પડેલી ‘સૂટ બૂટ’ની સરકારને તેની સુધ જ નહોતી.
દેશની શાણી જનતાએ ચારસો પારના નારા પોકારતા ભાજપને ૨૪૦ સીટની મર્યાદામાં લાવી દીધો તે પછી મોદી સરકારને સરકારી અનાજ ખાઈને જીવતી એંસી કરોડ જનતાને ડગલે ને પગલે પડતી બેહાલીની વાસ્તવિક પરિસ્થિતિનું કદાચ ભાન થયું છે. હજુ વધુ ૨૨ ટ્રેનોમાં પણ વધારાના જનરલ ડબ્બા જોડવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે.
Share it on
|