કચ્છખબરડૉટકોમ, ભુજઃ છેલ્લાં ૧૧ વર્ષથી કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને વિવિધ ખાસ કેસ યા કૉર્ટોમાં વિશેષ સરકારી વકીલ તરીકે સેવા આપી રહેલાં કલ્પેશ સી. ગોસ્વામીની આજે ગુજસીટોકના સ્પે. પી.પી. તરીકેની સેવાઓ સમાપ્ત કરી દેવાઈ છે. ગોસ્વામીના સ્થાને ઈન્ચાર્જ DGP એચ.બી. જાડેજાની ગુજસીટોક કૉર્ટના સ્પે. પી.પી. તરીકે નિમણૂક કરાઈ છે. ૨૬-૧૧-૨૦૨૦ના રોજ ગોસ્વામીની ગુજસીટોકના પી.પી. તરીકે નિમણૂક કરાઈ હતી. ૨૦ દિવસમાં એક પછી એક કેસની સેવાઓ સમાપ્ત
ગત ૯ નવેમ્બરના રોજ ગોસ્વામીની પ્રદીપ શર્મા સામેના બે કેસમાંથી સ્પે. પી.પી. તરીકે ગોસ્વામીની સેવાઓ સમાપ્ત કરવાથી શરૂ થયેલા સિલસિલા અંતર્ગત છેલ્લાં ૨૦ દિવસમાં રાજ્ય સરકારે તેમને ચકચારી નલિયાકાંડ, કેડીસીસી બેન્કના કૌભાંડ અંગે સીઆઈડીએ કરેલાં આઠ કેસના સ્પે. પી.પી. તરીકે દૂર કરી દીધા છે, DGP તરીકેની સેવા સમાપ્ત કરી દેવાઈ છે. આ નિર્ણયો કચ્છની વકીલ આલમ જ નહીં જિલ્લાની સુજ્ઞ જનતામાં પણ તરેહ તરેહની અટકળો અને ચર્ચા જગાવી રહ્યાં છે.
ગોસ્વામીએ તેમની કારકિર્દીનો પ્રારંભ કચ્છના વિદ્વાન વકીલ રત્નાકરભાઈ ધોળકીયાના મદદનીશ વકીલ તરીકે શરૂ કર્યો હતો. રત્નાકરભાઈ પાસેથી તેમને ઘણું શીખવા મળ્યું હતું.
ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીથી લઈને ભાજપના લિગલ સેલ સાથે જોડાયેલાં ગોસ્વામીની મુખ્ય સરકારી વકીલ તરીકે નિમણૂક બાદ તેમની કારકિર્દીનો ગ્રાફ સડસડાટ ઊંચે ચઢ્યો હતો. પ્રદીપ શર્મા સામે અમદાવાદની કૉર્ટમાં ચાલતાં મની લોન્ડરિંગના કેસમાં પણ તેઓ નિમણૂક પામ્યાં હતાં.
જે રીતે એક પછી એક કેસમાંથી ગોસ્વામીની સેવાઓ સમાપ્ત કરી દેવાઈ રહી છે તેની પાછળ આંતરિક રાજકારણ હોવાની સંભાવના ખુદ ભાજપના જ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.
Share it on
|