કચ્છખબરડૉટકોમ, ભુજઃ વિવિધ ૬ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં દાઉદ ફકીરમામદ પઢિયાર નામના શખ્સે અબડાસાના મોથાળા ગામની સીમમાં વન વિભાગની જમીન પર કરેલા ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. અબડાસાના નુંધાતડ ગામના દાઉદ પઢિયારે વન વિભાગની જમીન પર આંબાની વાડી બનાવીને ચોતરફ તાર ફેન્સિંગ કરી અન્ય જમીન પર પણ દબાણ કર્યા હતા. આજે ત્રણ જેસીબી અને પાંચ ટ્રેક્ટરની મદદથી આ દબાણ હટાવાયું છે. વન વિભાગે ૩૪.૬૮ લાખની કિંમતની ૨૩ હજાર ૪૦૦ ચોરસ મીટર જમીન, તેના પર વાવેલા ત્રણ લાખના આંબા તથા દસ લાખનું તાર ફેન્સિંગ તોડી પાડીને જમીન ખુલ્લી કરી દીધી છે.
કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદિપકુમાર અને પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરના માર્ગદર્શન તળે નલિયા ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઑફિસર એ.એચ. સોલંકીએ પશ્ચિમ કચ્છ પોલીસની મદદથી આ દબાણ દૂર કરાવ્યું છે. કામગીરીમાં નલિયાના પીઆઈ સાથે કોઠારા, વાયોર અને જખૌના પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓનો સ્ટાફ જોડાયો હતો.
મથલ બસ સ્ટેન્ડ પાસે ગેરકાયદે દબાણ દૂર
નખત્રાણા પોલીસે મથલ ગામે બસ સ્ટેશન પાસે ૫૪૦ ફૂટની શેરડી રસની પાકી ઓરડી, ૩૬૦ ફૂટની ભાડે અપાયેલી પતરાંવાળી દુકાન અને ૨૧૦૦ ફૂટની રહેણાકની દિવાલનું ગેરકાયદે દબાણ દૂર કર્યું છે.
અંદાજે ૩૫ લાખના મૂલ્યની જમીન ખુલ્લી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દબાણ મથલના ફકીરમામદ રમજુ સમેજાએ કરેલું.
ફકીરમામદ વિરુધ્ધ અગાઉ કોરોના વખતે જાહેરનામા ભંગનો ગુનો અને ૨૦૨૪માં દારૂબંધીનો અન્ય એક ગુનો નોંધાયેલો છે. પોલીસે તેને અસામાજિક તત્વ ગણાવીને આ દબાણ દૂર કરવા સાથે ગેરકાયદે વીજ જોડાણ પણ કટ કરાવ્યું છે. નખત્રાણા પીઆઈ એ.એમ. મકવાણા અને સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.
Share it on
|