|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચૂંટણીઓ ટાણે કચ્છ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ પોલીસે ભાજપ કાર્યકરોની માફક કામ કર્યું હોવાના આરોપો- અખબારી અહેવાલો વચ્ચે ભુજમાં પોલીસે કોંગ્રેસ કાર્યકરો પર ફરિયાદ નોંધતા જાણે બળતામાં ઘી હોમાયું છે! ગઈકાલે ભુજ તાલુકા પંચાયતની સુખપર- ૨ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ભુડીયા ફોર્મ પરત ખેંચવા આવેલાં. તે સમયે કોંગ્રેસ કાર્યકરોએ બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ જોડે ધક્કામુક્કી કરેલી. ‘લોકશાહીની હત્યા બંધ કરો‘ તેવા નારા પોકારી શાંતિનો ભંગ કરીને એક મહિલા પોલીસ કર્મીને ધક્કો મારી નીચે પાડી દઈ ઈજાગ્રસ્ત કરી હોવાનો ફરિયાદમાં આરોપ કરાયો છે.
ભુજની લેડી કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ
ભુજ એ ડિવિઝનના પોલીસ કર્મચારી ઉર્વશી રાજગોરે કોંગ્રેસના હરીશ આહીર, એચ.એસ. આહીર, નરેન્દ્રસિંહ જાડેજા, રમેશ ગરવા, લાખાજી સોઢા, લાલીબેન આહીવાલ, રસિકબા જાડેજા અને અન્ય પંદર વીસ કોંગ્રેસ કાર્યકરો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
કોંગી કાર્યકરોએ પૂર્વઆયોજીત રીતે ગેરકાયદેસર રીતે ટોળું બનાવીને પોલીસ કર્મીઓ જોડે ધક્કામુક્કી કરી હોવાનું તેમજ લાલીબેન અને રસિકબાએ ત્યાં હાજર કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન કેરાઈને ધક્કો મારી નીચે પાડી દઈને કમરના ભાગે ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આરોપ કર્યો છે કે તેમના ઉમેદવાર પુષ્પાબેન ભુડીયાનું અપહરણ કરાયેલું અને તેમનું મકાન તોડી પાડવાની ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરાયેલાં. તે સમયે પોલીસે ભાજપ કાર્યકરોની જેમ ગેરવર્તાવ કરીને કોંગ્રેસ કાર્યકરોને દૂર રાખવા પ્રયાસ કર્યાં હતા.
હવે એકમેકને કાપવા પેંતરાબાજી, ભડાશ નીકળે છે!
ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જો કે, હજુ પણ સામેવાળાને પાડી દેવા બેઉ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો અંદરખાને પૂરજોશમાં મહેનત કરી રહ્યાં છે. હવે ટેકો જાહેર કરી દેવા માટેના પ્રપંચો શરૂ થયાં છે.
જેને ટિકિટ મળી નથી અથવા પક્ષમાં પોતાના જ પ્રતિસ્પર્ધી હોય તેવા લોકોનું વજન વધતાં નારાજ કાર્યકરો અને હોદ્દેદારો હવે છૂપી રીતે કે ખૂલીને મનફાવે તેવી આરોપબાજી કરી વિરોધના નામે ભડાશ કાઢવા માંડ્યાં છે.
નનામા પત્રોના લખાણને કોઈ ગંભીરતાથી લેતું ના હોઈ અમુક લોકો નાનાં મોટાં કાર્યકરોને આગળ કરીને વિરોધ પ્રદર્શિત કરવા માંડ્યાં છે. ખાસ કરીને, આંતરિક લોકશાહી ધરાવતી કોંગ્રેસમાં વિરોધ કરનારા કાર્યકરો સામે ભાગ્યે જ કડક એક્શન લેવાતાં હોઈ ત્યાં આવું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. કંઈક મળવાની લાલચે મળતિયાઓ પણ આવા વિરોધમાં હવા ભરવા હવાતિયાં મારતાં નજરે ચઢી રહ્યાં છે!
Share it on
|