કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છીમાડુઓની મેઘતૃપ્તિના પ્રતીક સમાન કચ્છના પાટનગર ભુજમાં આવેલું ઐતિહાસિક હમીરસર સરોવર છલકાઈ જતા સર્વત્ર આનંદોત્સવ છવાઈ ગયો છે. ડીપ ડીપ્રેશનના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી થઈ ત્યારે જ સૌના અંતરમાં હમીરસર ઓગનવાની આશાઓ ઓરતાં જાગી ઉઠ્યાં હતા. જે આજે સાંજે ૬.૧૬ કલાકે સાર્થક થયાં છે. હમીરસર એ કચ્છની મેઘતૃપ્તિનું પ્રતીક
હમીરસરનું છલકાવું એ કચ્છીમાડુની મેઘતૃપ્તિનું પ્રતીક છે. હમીરસર ના છલકાય ત્યાં સુધી સૌના હૃદયમાં એક છૂપો વસવસો રહે છે.
છલકાય ત્યારે મુંબઈથી લઈ યુરોપ આફ્રિકામાં સ્થાયી થયેલાં કચ્છીઓ ઘેર લાપસીના આંધણ મૂકે છે.
કચ્છ સદીઓથી વરસાદના અભાવવાળો મુલક રહ્યો છે. એટલે જ અહીં જ્યારે સારાં વરસાદથી ગામના તળાવો છલકાઈ જાય ત્યારે ગામના સરપંચ અને આગેવાનો ઢોલના તાલે વાજતે ગાજતે વરુણદેવની મહેરના વધામણાં કરવા જાય છે.
૧૯૫૩થી હમીરસરના વધામણાંનો છે ઈતિહાસ
હમીરસરના વધામણાં કરવાની પરંપરા રાજાશાહીથી ચાલી આવે છે. જો કે, આઝાદી બાદ પાલિકા પ્રમુખના હસ્તે સરોવરના વધામણાં કરવાની પ્રથાનો પ્રારંભ ૧૯૫૩થી શરૂ થયો હતો. ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકીયાના હસ્તે ૧૯૫૩માં પહેલીવાર હમીરસરના નીરના વધામણાં કરાયાં હતા.
ભુજ શહેરમાં કાલે રજા સાથે વાજતેગાજતે વધામણાં
૫૩ એકરમાં ફેલાયેલું ૪૫૦ વરસ જૂનું હમીરસર તળાવ છલકાઈ જાય એટલે નગરપાલિકા પ્રમુખના હસ્તે શાસ્ત્રોક્ત રીતે પૂજા કરાય છે. પાલિકા શહેરના પ્રબુધ્ધ વરિષ્ઠ આગેવાનોને આમંત્રીને મેઘલાડુનું જમણ કરાવી મેઘોત્સવ મનાવે છે. ભુજ શહેર પુરતી સરકારી કચેરીઓ અને શાળાઓમાં જાહેર રજા કરાય છે.
જાણો, હમીરસરના વધામણાંનો રોચક ઈતિહાસ
૧૯૫૩થી આજ દિન સુધી હમીરસર ૨૯ વખત છલકાયું છે. બહુધા જૂલાઈ અને ઑગસ્ટ માસમાં હમીરસર છલકાયેલું છે પણ ૧૯૮૦માં જૂન માસમાં, ૧૯૮૧માં નવેમ્બર માસમાં અને ૧૯૯૮માં ઓક્ટોબર માસમાં નગરપતિઓને વધામણાંની તક મળેલી છે.
સતત ચોથા વર્ષે ઓગનવાનો સર્જાયો વિક્રમ
૧૯૭૯, ૧૯૮૦ અને ૧૯૮૧ એમ સળંગ ત્રણ વર્ષ દર વર્ષે હમીરસર છલકાયેલું જે અત્યારસુધી વિક્રમ બની રહ્યો હતો. પરંતુ આ વખતે ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ બાદ સળંગ ચોથા વર્ષે હમીરસર છલકાતાં એક નવો જ ઐતિહાસિક વિક્રમ સર્જાયો છે. કારણ કે, સળંગ ચોથા વર્ષે હમીરસર છલકાવાની આ પહેલી ઘટના છે.
આ અગાઉ ૧૬-૦૯-૨૦૨૨, ૧૦-૦૭-૨૦૨૩ અને ૨૮-૦૮-૨૦૨૪ના રોજ હમીરસર છલકાયું હતું.
ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીને સતત બીજા વર્ષે હમીરસરના વધામણાં કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આ અગાઉ ૨૦૧૩ અને ૨૦૧૫માં હમીરસરના વધામણાંનું સૌભાગ્ય હેમલતાબેન ગોરને મળ્યું હતું. સતત બે વખત હમીરસરના વધામણાં કરવાનું સૌભાગ્ય બહાદુરસિંહ જાડેજા, હિરજી મમુ ઠક્કર, અરૂણભાઈ વચ્છરાજાની, વહીવટદાર મનુભાઈ ગજ્જર, બાપાલાલ જાડેજા અને ઘનશ્યામભાઈ ઠક્કરને પ્રાપ્ત થઈ ચૂકેલું છે.
Share it on
|