કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં છેલ્લાં 22 વર્ષથી સસ્તાં સોનાના નામે ચીટીંગ, હત્યાના પ્રયાસ, લૂંટ, પોક્સો, એટ્રોસીટી, લેન્ડ ગ્રેબિંગ સહિતના 19 જેટલા ગુનાઓમાં સંડોવાયેલાં નામીચા કકલબંધુઓની ત્રિપુટી પર પોલીસે વધુ એક નવું શસ્ત્ર ઉગામ્યું છે. ત્રણે ભાઈઓએ સંગઠિત ગુનાઓ આચરીને આવકની તુલનાએ 1 કરોડ 23 લાખ 76 હજાર રૂપિયાના મૂલ્યની ચલ અને અચલ સંપત્તિ વસાવી હોવા સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 (6) અને 54 હેઠળ ગુનો નોંધીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક જણની ધરપકડ કરી લીધી છે. ભુજના એરપોર્ટ રોડ પર રુદ્ર રેસિડેન્સીમાં રહેતા જુસબ વલીમામદ કકલ સામે સસ્તાં સોનાના નામે ઠગાઈ સહિત લેન્ડગ્રેબિંગ, પોક્સો, લૂંટ અને હત્યાના પ્રયાસના બે ગુના સહિત આઠ ગુના નોંધાયેલાં છે. પોલીસે જણાવ્યું કે જુસબે પોતાની વાર્ષિક આવક 3 લાખ જણાવી છે.
જુસબ, તેની પત્ની સલમા, પુત્ર નિઝામ, પુત્રી સીમ્મી વગેરેના નામે ભુજની ઓધવ વંદના-2 સોસાયટીમાં બે મકાનો, બે પ્લોટ સહિત કુલ 12 મકાનો-પ્લોટ જેવી અચલ સંપત્તિ સબ રજિસ્ટ્રારના ચોપડે બોલે છે. એ જ રીતે, આરટીઓના ચોપડે સ્કોર્પિયો, આઈ ટ્વેન્ટી જેવી બે કાર અને બે દ્વિચક્રી વાહનો નોંધાયેલાં છે.
♦ જુસબની કથિતપણે જમીન દલાલ તરીકેની વાર્ષિક આવક માત્ર 3 લાખની હોવા છતાં 26-02-2014થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન તેણે ગુનાખોરી આચરીને 55 લાખ 28 હજાર 800 રૂપિયાની વધુ મિલકત વસાવી હોવાનું બહાર આવ્યું છે.
♦જુસબના ભાઈ હુસેન સામે પણ ચાર ગુના નોંધાયેલાં છે અને તેણે પોતાની વાર્ષિક આવક 6 લાખની તુલનાએ 67.87 લાખ રૂપિયાની વધુ સ્થાવર અને જંગમ મિલકત ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. હુસેન પોતે 36 ગાયો ભેંસો ધરાવે છે અને તેના દૂધના વેચાણમાંથી 6 લાખની આવક થતી હોવાનું જણાવે છે. જો કે, આ 36 ગાયો ભેંસો કઈ આવકમાંથી ખરીદી હતી તે જાહેર નથી થયું.
♦એ જ રીતે, દિલાવર કકલ પણ ભાભીના નામે મકાન સહિત 60 હજારની વધુ મિલકત ધરાવતો હોવાનું સ્પષ્ટ થયું છે.
પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપીઓ કોઈ ઈન્કમટેક્સ રીટર્ન ભરતાં નથી.
હુસેનની પત્ની શકીલાના નામે બે પ્લોટ ઉપરાંત સંતાનોના નામે સ્કોર્પિયો, ક્રેટા, વર્ના, વેન્યૂ જેવી મોંઘીદાટ પાંચ કાર સહિતના વાહનો નોંધાયેલાં છે.
પીઆઈ એસ.એન. ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર. જેઠીએ ત્રણે રીઢાં આરોપી બંધુઓ વિરુધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ રજિસ્ટર થયાના થોડાંક કલાકો બાદ એલસીબીએ હુસેન કકલ (રહે. ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ)ને નિરોણા વિસ્તારમાંથી કાર સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસ અત્યારસુધી આવી ટોળકીઓ સામે માત્ર ગેંગ એક્ટની કલમો હેઠળ નવો ગુનો નોંધતી હતી. પરંતુ ગુનાઓ આચરીને તેમાંથી આવકની તુલનાએ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની ફરિયાદ પહેલીવાર દાખલ કરતાં રીઢા ચીટરો અને અપરાધીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Share it on
|