કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા દેશમાં પ્રથમવાર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ના ત્રણ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરાયું છે. વીજ માગ જ્યારે ખૂબ વધી જાય ત્યારે આ પ્રોજેક્ટ થકી વીજ વિતરણ કંપનીઓને ઓન ડિમાન્ડ ધોરણે વીજ પુરવઠો પૂરો પડાશે. આ માટે GUVNL દ્વારા અબડાસાના ભાચુંડા, અમદાવાદ નજીક આવેલા સાણંદ અને અમરેલી ખાતે ૪૦૦ કેવીના ત્રણ સબ સ્ટેશન સ્થપાશે. ત્રણે સબ સ્ટેશન ગેટકોની ગ્રીડથી સંકલિત હશે. લૉડ ડિસ્પેચ સેન્ટરોની જરૂરિયાત મુજબ ગ્રીડથી વીજ પુરવઠો પૂરો પડાશે. GUVNLના એમડી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે જરૂર પડ્યે સરપ્લસ રીન્યૂએબલ એનર્જીના સ્ટોરેજ અને સપ્લાય માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ખૂબ મદદરૂપ બની રહેશે. હાલ આ અભિનવ પ્રોજેક્ટ અંતર્ગત ૭૫૦ અને ૧૫૦૦ મેગાવોટના પ્રોજેક્ટ શરૂ કરવા ગેન્સોલ અને ઈન્ડિયાગ્રીડ નામની બે કંપનીને લેટર ઑફ ઈન્ટેન્ટ પણ અપાઈ ચૂક્યાં છે.
Share it on
|