click here to go to advertiser's link
Visitors :  
26-Aug-2026, Wednesday
Home -> Bhuj -> Gujarat HC suspends sentence of POCSO convict and grants bail
Wednesday, 06-May-2026 - Bhuj 56773 views
પોક્સો કેસમાં પાંચ વર્ષની સજા મેળવનાર સુમરાસરના યુવકને હાઈકૉર્ટે આપી રાહત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અનુસૂચિત જાતિની ૧૧ વર્ષની બાળા પર નિર્લજ્જ હુમલો કરી, શારીરિક અડપલાં કરવાના બનાવમાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે જેને પાંચ વર્ષની સજા ફટકારેલી તે શખ્સને હાઈકૉર્ટે રાહત આપી છે. હાઈકૉર્ટે જ્યાં સુધી અપીલનો નિર્ણય ના આવે ત્યાં સુધી સજા મોકૂફ રાખી જામીન પર મુક્ત કર્યો છે.
જાણો, શો હતો બનાવ

૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ભુજના સુમરાસર ગામે બાળા ઘર બહાર સાયકલથી રમતી હતી ત્યારે અઝીઝ સુલેમાન શેખ (ઉ.વ. ૩૧, રહે. સુમરાસર શેખ ગામ, ભુજ) મોટર સાયકલ લઈને નીકળ્યો હતો. ‘તું સાયકલની ઘંટડી કેમ વગાડે છે? મારું માથું ફરે છે’ કહીને અઝીઝે બાળાને ગાળો ભાંડી, છાતી પર હાથ ફેરવેલો. બાળાની બૂમાબૂમના પગલે તેની માતા ઘર બહાર દોડી આવી અઝીઝને ઠપકો આપવા માંડી ત્યારે ઉગ્ર થઈને અઝીઝ બાળાના કપડાં ફાડવા માંડેલો. માતા દીકરીને છોડાવવા જતા અઝીઝે માતાને ધક્કો મારીને નીચે પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપેલી. બનાવ અંગે માધાપર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા, પોક્સો અને એટ્રોસીટી એક્ટ તળે ફરિયાદ નોંધાવાઈ હતી.

ભુજની પોક્સો કૉર્ટે પાંચ વર્ષની સજા ફટકારેલી

આ કેસમાં ૧૦-૦૯-૨૦૨૫ના રોજ ભુજની પોક્સો કૉર્ટે અઝીઝને દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ સાથે દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એ જ રીતે, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૨) અને ૩૫૧ (૨) હેઠળ  ૬-૬ માસની સાદી કેદ અને ૧-૧ હજાર રૂપિયા દંડ, એટ્રોસીટી એક્ટની કલમ ૩ (૧) (W) (૧) હેઠળ ૬ માસની સાદી કેદ અને ૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

હાઈકૉર્ટમાં આ મુદ્દે દલીલ કરાઈ

પોક્સો કૉર્ટના ચુકાદા સામે અઝીઝે હાઈકૉર્ટમાં અપીલ કરેલી. અરજદારના વકીલે કૉર્ટમાં રજૂઆત કરેલી કે બનાવ સાંજના સમયે રહેણાક વિસ્તારમાં અનેક લોકોની હાજરીમાં બન્યો હતો પરંતુ ટ્રાયલ કૉર્ટ સમક્ષ કોઈપણ સ્વતંત્ર સાક્ષીની તપાસ કરવામાં આવી નહોતી.

પીડિત બાળા અને ફરિયાદી માતાની જુબાનીમાં વિરોધાભાસ છે.

માતાને આઈ વીટનેસ તરીકે રજૂ કરાયેલી પરંતુ ટ્રાયલ દરમિયાન રેકર્ડ પર આવેલું કે બનાવ બન્યા બાદ તે સ્થળ પર પહોંચેલી અને પોતાની દીકરીને અઝીઝ ધક્કો મારતો હોવાનું નજરે જોયેલું. ફરિયાદમાં જણાવાયું છે કે બાળા સાયકલથી રમતી હતી અને તેને થયેલી ઈજાઓ પડી જવાથી થઈ હોવાનો મેડિકલ ઑફિસરે અભિપ્રાય આપેલો.

હાઈકૉર્ટે અપીલનો નિર્ણય ના આવે ત્યાં સુધી આપી રાહત

હાઈકૉર્ટના જસ્ટિસ એસ.વી. પિન્ટોએ અપીલ વિચારણા માગી લે તેવી હોવાનું જણાવી, કેસના ગુણદોષમાં પડ્યાં વગર જ્યાં સુધી અપીલ પર ફેંસલો ના થાય ત્યાં સુધી અરજદારની સજા મોકૂફ રાખી ૨૫ હજારના જાતમુચરકા પર જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. અરજદાર વતી હાઈકૉર્ટમાં એડવોકેટ કવન પટેલે દલીલો કરેલી. ભુજના એડવોકેટ સચિન ઠક્કર સહયોગી બન્યાં હતા.

Share it on
   

Recent News  
મહારાષ્ટ્રથી કેમિકલ લાવી આદિપુરમાં ઈંગ્લિશ દારૂ બનાવાયો! વેચાણ પૂર્વે બે ઝડપાયાં
 
લાકડાં ભરીને જતા વાહનોના પાસ પર સહી સિક્કા બદલ ઊઘરાણાંઃ લાંચિયો વનરક્ષક ઝબ્બે
 
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસઃ ૬ વર્ષના બાળકના મોત બાદ રિપોર્ટ આવ્યો