કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ગોલ્ડ ચીટર ટોળકીએ તેની જૂની અને જાણીતી મોડસ ઓપરેન્ડી મુજબ બનાસકાંઠાના ધાનેરાના સોનીને સસ્તાં સોનાની જાળમાં ફસાવીને ૫.૪૪ લાખની છેતરપિંડી કરી છે. માનકૂવા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને એક ચીટરને દબોચી લીધો છે. ધાનેરામાં જ્વેલરી શોપ ધરાવતા ૩૦ વર્ષિય દેવાભાઈ ચૌધરીને સોમવારે તેના મિત્ર લક્ષ્મણ ચૌધરીએ ફોન કરી જણાવ્યું હતું કે કચ્છના માંડવીના ઈમરાન નામના શખ્સે તેને ફોન કરેલો અને પોતે માર્કેટ રેટ કરતાં વીસ ટકા ઓછી કિંમતે સોનુ વેચે છે તેમ જણાવેલું. દેવાભાઈ અને લક્ષ્મણ બેઉ જણ બીજા દિવસે માંડવી આવી પહોંચ્યાં હતાં. ઈમરાનને ફોન કરતાં તેણે પોતે ભુજમાં હોવાનું જણાવી બેઉને ભુજમાં હિલગાર્ડન પાસે બોલાવ્યાં હતાં.
સુખપર રતિયા રોડના ફાર્મ હાઉસમાં સોદો
અહીં ઈમરાન અને એક અજાણ્યો શખ્સ એક્ટિવાથી આવ્યાં હતાં. ઈમરાને પોતાની ઓળખાણ આપીને સ્વિફ્ટ કાર મગાવી બેઉને પોતાની કારમાં બેસાડીને સુખપર રતિયા રોડ પર આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. અહીં હાજર બે ચીટર પૈકી સિકંદર નામના ચીટરે દેવાભાઈને ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કીટ બતાડી તેનો ભાવ ૬.૨૦ લાખ રૂપિયા કહ્યો હતો. એક લાખ રૂપિયા એડવાન્સ આપીને બિસ્કીટનું વજન અને પરીક્ષણ કરાવી લેવા જણાવેલું.
દેવાભાઈએ મિત્ર મારફતે ઓનલાઈન ૧ લાખ રૂપિયા પેમેન્ટ કરાવીને બિસ્કીટ લઈ આવી ભુજના ભીડનાકે આવેલા રાજેશ્વરી હોલમાર્ક સેન્ટરમાં પરીક્ષણ કરાવ્યું હતું. પરીક્ષણમાં બિસ્કીટ સાચું હોવાનું સાબિત થયેલું.
જેથી દેવાભાઈને ચીટરો પર ભરોસો બેસી ગયો હતો અને બીજા દિવસે ૧૨.૪૦ લાખ રૂપિયામાં બે બિસ્કીટ ખરીદવાનું નક્કી કરી ભુજમાં જ રોકાઈ ગયેલાં.
પોલીસનો ડર બતાવી બેઉને ડીસા પહોંચાડી દીધાં
બુધવારે આંગડિયા, યુપીઆઈ અને બેન્કમાંથી કુલ ૫.૪૪ લાખ રૂપિયાનો જોગ કરીને દેવાભાઈએ બાકીના ૭ લાખ રૂપિયા ગુરુવારે ધાનેરા પહોંચીને આંગડિયા મારફતે મોકલી આપવાની ખાતરી આપીને બે બિસ્કીટનો સોદો કરેલો. રૂપિયા મળ્યાં બાદ ચીટરોએ પોલીસનો ડર બતાવીને બેઉને ભચાઉમાં બિસ્કીટની ડિલિવરી આપવાનું કહી તેમની આગળ ગાડી લઈને ભચાઉ નીકળ્યાં હતાં.
ટ્રાફિકમાં ચીટરો અલોપ થઈ ગયાં હતાં. ઈમરાનને ફોન કરતાં તેણે સામખિયાળી પહોંચવા જણાવેલું અને ત્યાં પહોંચ્યા બાદ ચીટરોએ તેમને ડીસા પહોંચીને ડિલિવરી આપવાનું જણાવેલું. ડીસા પહોંચ્યાં બાદ બિસ્કીટ મળ્યાં નહોતાં અને ચીટરોના ફોન બંધ થઈ ગયેલાં.
જેથી બેઉ જણ આજે ફરી ભુજ આવી સીધાં ઈમરાનના ફાર્મ હાઉસ પર પહોંચ્યાં હતાં. ઈમરાને તેમને ફોન પર રાજસ્થાન બોર્ડરના ગામે બોલાવીને રૂપિયા પરત આપી દેવાનું આશ્વાસન આપેલું પરંતુ ચીટીંગની ગંધ આવી જતાં દેવાભાઈ તેમના મિત્ર લક્ષ્મણ જોડે સીધા માનકૂવા પોલીસ મથકે પહોંચ્યાં હતાં. માનકૂવા પોલીસે આ ગુનામાં સિદ્દીક સાલેમામદ ફકીર (રહે. કલ્યાણપર ગામ, ભુજ)ની અટક કરી લીધી છે.
Share it on
|