કચ્છખબરડૉટકોમ, ભુજઃ સસ્તાં સોનાના નામે દેશભરના લોકો સાથે ઠગાઈ કરતી ભુજની ચીટર ગેંગે કર્ણાટકના યુવક જોડે ૨૮.૭૫ લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. કર્ણાટકમાં વજનકાંટા રીપેરીંગનું કામ કરતા ૩૬ વર્ષિય નિઝામુદ્દીન સાબે ફ્રોડ અંગે નવાબ હયાત કકલ અને ઈકબાલ મામદ ચૌહાણ નામની ઠગબેલડી સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નવાબે કૃણાલ જોશી નામથી ફેસબૂક એકાઉન્ટ બનાવીને નિઝામુદ્દીનનો સંપર્ક કરી માર્કેટ રેટ કરતાં પંદર ટકા ઓછાં ભાવે સોનુ ખરીદી તેનો બિઝનેસ કરવા ઑફર કરેલી.
ફરિયાદી પહેલીવાર ભુજ આવ્યો ત્યારે તેની પાસેથી રૂપિયા લઈને અસલી ગોલ્ડનું ૧૦૦ ગ્રામનું બિસ્કીટ આપીને વિશ્વાસ કેળવેલો. બાદમાં બેઉ જણે પોત પ્રકાશીને જુદાં જુદાં બહાને કુલ ૫૩.૫૫ લાખ રૂપિયા મેળવી લઈને સોનુ નહોતું આપ્યું.
ફરિયાદીની વારંવાર માંગણીને કારણે ડિસેમ્બરમાં ઈકબાલ ચૌહાણ અને ફેબ્રુઆરીમાં નવાબે કેટલાંક રૂપિયા પરત આપીને બાકીના ૨૮.૭૫ લાખની ટોપી પહેરાવેલી. એટલું જ નહીં ફરિયાદીએ પોલીસ ફરિયાદની ચીમકી આપતાં બેઉ જણે તેને મારીને ક્યાંય ફેંકી દેવાની અને કોઈને ખબર પણ નહીં તેવી ધમકી આપેલી. ઈકબાલે ઈમરાન ચૌહાણ અને કસ્ટમ ઑફિસરનો સ્વાંગ રચીને ગુનો આચર્યો હતો. નિઝામુદ્દીને પત્નીના દાગીના વેચી, મકાનના પ્લોટ વેચીને, મિત્રો પાસેથી ઉછીના અને વ્યાજે નાણાં લઈ બેઉ ઠગને આપ્યા હતા અને હવે રાતા પાણીએ રડી રહ્યો છે.
ભુજની ફરાર બંટી બબલીની જોડી છત્રાલથી પકડાઈ
પશ્ચિમ કચ્છ પોલીસે દસ દિવસ અગાઉ જ સસ્તાં સોનાના નામે ચીટીંગ કરતા ભુજના સિકંદર ઊર્ફે સિકલો જુસબ ઈસ્માઈલ સોઢા, મહમદ હનીફ ઊર્ફે મીઠીયો નુરમામદ સોઢા તથા તેના બે પુત્રો ઝાકીર અને અમીન સામે ગુજસીટોકની ફરિયાદ નોંધી ચારેને અંદર કરી દીધાં છે. પરંતુ, આવી અનેક ગેંગો હજુ પણ બિન્ધાસ્ત રીતે ભુજમાં ઓપરેટ કરી રહી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચે સ્વરોજગાર માટે કુટિર ઉદ્યોગ યોજનાની સબસીડીવાળી લોન મેળવી આપવાના બહાને ભુજ, અંજાર અને ગાંધીધામમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ‘બંટી બબલી’ની ધરપકડ કરી છે.
પોલીસે ૨૦૨૪માં ભુજમાં ત્રણ અને ગાંધીધામના ગુનામાં નાસતાં ફરતાં જૂની બકાલી કોલોનીના અક્રમ અનવર હુસેન સુમરા અને તેની પત્ની નૌસિનની કડી તાલકાના છત્રાલની એક સોસાયટીમાંથી ધરપકડ કરી છે. ૨૦૨૩માં અક્રમ સામે ભુજમાં ચીટીંગના ત્રણ અને જુગારધારાના બે ગુના નોંધાયેલાં.
ઉલ્લેખનીય છે કે અંજારમાં કેટલીક મહિલાઓ સાથે લોનના નામે ચીટીંગ કરવા જતાં ૦૧-૦૮-૨૦૨૪ના રોજ અંજારના વીડી નજીક કેટલાંક લોકોએ અક્રમને પકડીને લુગડાં કાઢી સરખો કૂટી નાખ્યો હતો.
તેની ધોલાઈનો વીડિયો વાયરલ થતાં પોલીસે દોડધામ કરીને તેને વધુ કૂટ ખાતો બચાવ્યો હતો.
કોમ્બિંગ દરમિયાન કારમાંથી મળ્યો મોટો દલ્લો
ભુજમાં મંગળવારે રાત્રે પોલીસે હાથ ધરેલાં સંયુક્ત કોમ્બિંગ દરમિયાન ચીટીંગના ગુનાના આરોપીની માલિકીની બિનવારસી હાલતમાં પડેલી સ્કોર્પિયો કારમાંથી પોલીસને ૬.૯૦ લાખ રોકડાં, ૨૪.૩૧ લાખના સોના ચાંદીના દાગીના અને સ્ટીલનું મોટું ધારિયું, સ્ટીલની નાની મોટી ચાર તલવારો, બે લોખંડના પાઈપ, ભાલો વગેરે મળી આઠ હથિયારો મળી આવ્યાં હતાં.
સ્કોર્પિયો કાર રહીમનગરમાં ઉસ્માની મસ્જિદ પાસે પડી હતી. આ કાર નજીકમાં રહેતા સમીર અબ્દુલ કાદર સોઢાની માલિકીની છે.
સમીર સામે ચીટીંગ, ગેરકાયદે હથિયાર રાખવા અને અપહરણના ત્રણ ગુના નોંધાયેલાં છે. પોલીસે પાંચ લાખની કાર મળી પાંચ લાખની કાર મળી કુલ ૩૬.૨૧ લાખનો મુદ્દામાલ શંકાસ્પદ મુદ્દામાલ તરીકે કબજે કર્યો છે.
Share it on
|