click here to go to advertiser's link
Visitors :  
13-Oct-2025, Monday
Home -> Bhuj -> GoG plans to allocate extra flood water of Narmada to Khadir with cost of Rs 451 Cr
Friday, 10-Oct-2025 - Bhuj 5608 views
ખડીરને નર્મદા નીરથી નવપલ્લવિત કરાશેઃ ૪૫૧ કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના વાગડમાં રણકાંધીએ આવેલા અંતરિયાળ ખડીર વિસ્તારને ૪૫૧ કરોડથી વધુના ખર્ચે નર્મદાના પૂરના વધારાનું પાણી આપવાનો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે. આયોજન મુજબ પાઈપલાઈન વાટે નર્મદાના વધારાના નીરથી ખડીર દ્વિપ વિસ્તારના નાનાં-મોટાં તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ ભરવામાં આવશે.

આ કામગીરી પાછળ ૪૫૧.૬૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. સરહદી ખડીરના નાગરિકો, ખેડૂતો અને પશુધનના હિતમાં રાજ્ય સરકારે આ યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપી હોવાનું જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે.  બાવળિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વ૫રાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ રીતે વધારાના નીર ખડીર પહોંચતા થશે

કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પિંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી, ખડીરના ૧૯૪ તળાવો અને ૬ નાની સિંચાઈ યોજનાઓમાં પાઈપલાઈન મારફતે પાણી ઠાલવવામાં આવશે. આ યોજનામાં કુલ ૨૨ MCM પાણીની જરૂરીયાત રહેશે તેમ તેમણે ઉમેર્યું છે. આ યોજના હેઠળ ખડીર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને યુનેસ્કોના વારસાની યાદીમાં સામેલ એવા ધોળાવીરા ઉપરાંત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ ૧૦ ગામોનો સમાવેશ થાય છે.

૫૪૯૨ હેકટર વિસ્તાર થશે નવપલ્લવિત

આ યોજના અમલી બનવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે ૫૪૯૨ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાથી જમીન નવપલ્લવિત થશે. ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે, પશુધનને પીવાનું પાણી મળી રહેશે અને અછતની પરિસ્થિતિમાં થતા સ્થળાંતરણમાં ઘટાડો થશે. રાજ્યના અન્ય વિસ્તારોની જેમ મા નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ તથા વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે તેવો મંત્રી બાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કરીને આ વિસ્તારના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

Share it on
   

Recent News  
પતિના હત્યા કેસમાં પત્ની રીમાન્ડ પરઃ સોશિયલ મીડિયા શોખીન કૈલાસનું બહોળું સર્કલ
 
૬૦ વર્ષના વિધુર જોડે વિવાહ કરનારી મહિલાએ રૂપિયા ખાતર પતિને જીવતો સળગાવ્યો!
 
૯૭ લાખમાં પાવરનામાથી જમીન ખરીદી ડેવલોપ કરીઃ હવે જમીન માલિક દસ્તાવેજ લખી આપતો નથી