કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના કચ્છ કલા રોડ પર આવેલા વધુ એક સ્પામાં દરોડો પાડી પોલીસે કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ‘કિંગ સ્પા’ નામથી ચાલતાં કુટણખાના પર દરોડો પાડી બે યુવકોને પકડી તેમની વિરુધ્ધ અનૈતિક પ્રવૃત્તિ બદલ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સ્પાની આડમાં મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતાં હોવાનો દરોડા સમયે પર્દાફાશ થયો હતો. ઝડપાયેલાં બે આરોપીમાં પરેશ મહેશભાઈ પરમાર (રહે. મહેસાણાનગર, સામખિયાળી) અને ઈરફાન શેરમામદ સિંધી (લાકડીયા, ભચાઉ)નો સમાવેશ થાય છે.
પશ્ચિમ કચ્છમાં દેખાડા પૂરતી પણ કાર્યવાહી નહીં
ગાંધીધામ આદિપુરમાં અવારનવાર પોલીસ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા જુદાં જુદાં સ્પામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરાય છે. આ કાર્યવાહી નામપૂરતી કે દેખાડો કરવા પૂરતી હોવાનો ઘણાં જાણકાર સૂત્રો દાવો કરે છે. ભલે દેખાડા ખાતર તો દેખાડા ખાતર, પણ કાર્યવાહી તો થાય છે! તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ પશ્ચિમ કચ્છમાં પ્રવર્તે છે. જિલ્લા મુખ્ય મથક ભુજ, ભુજને અડીને આવેલા માધાપર, મિરજાપર, માનકૂવા, સુખપર, નખત્રાણા, માંડવી, મુંદરા સહિતના શહેરો-ગામોમાં દિવસ ઉગે ને એકાદ સ્પા સેન્ટર શરૂ થઈ જાય છે. મોટાભાગના સ્પામાં મસાજના નામે હજાર પંદરસોથી લઈ પાંચ હજાર રૂપિયા વસૂલી ગ્રાહકને તમામ પ્રકારની સુખ-સુવિધા પૂરી પડાય છે. આ સ્પા સેન્ટરો સામે સ્થાનિક પોલીસ કે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ યા સ્પેશિયલ બ્રાન્ચ વગેરે વગેરે દ્વારા ધરાર કોઈ જ પગલાં લેવાતાં નથી. દેખાડા પૂરતું પણ ચેકીંગ કરાતું નથી!
પરપ્રાંતીય યુવકે સ્પાના નામે ચેઈન શરૂ કરી
ગાંધીધામમાં સ્પાના નામે કુટણખાના ચલાવીને ‘તરી’ ગયેલાં એક પરપ્રાંતીય યુવકે ગાંધીધામ ઉપરાંત માધાપર, ભુજ, નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં ઠેર ઠેર સ્પા અને હોટેલના નામે કુટણખાનાની રીતસર ચેઈન શરૂ કરી છે. તેના નેટવર્કમાં આરટીઓ કચેરીમાં જોવા મળતાં કેટલાંક તોડબાજ પત્રકારો, પોલીસ કર્મચારીઓ પે રોલ પર ફરજ બજાવી રહ્યાં છે. માધાપરમાં મુખ્ય હાઈવે પર આવેલી કેટલીક હોટેલોમાં પણ મસાજના નામે કુટણખાના શરૂ થઈ ગયાં છે. રૂપલલનાઓના લોહીના રૂપિયા વસૂલી ખાતાં કેટલીક હોટેલના સંચાલકો પાછાં પોતાને રાજકીય સામાજિક આગેવાન ગણાવે છે!
ખાદીધારીની નોટોની ચમક સામે ‘ખાખી’નો રંગ ઝાંખો
ખાદીધારી ગાંધીબાપુની છાપવાળાં ગુલાબી કાગળોની ચમક આગળ ‘ખાખી’ રંગની ચમક ઝાંખી પડી જતી હોઈ કહેવાતાં પ્રામાણિક અધિકારીઓ પણ અંજાઈ ગયાં છે. થોડાંક દિવસો અગાઉ આ લખનારે માધાપર પોલીસની મદદથી સ્પાની ચેઈન શરૂ કરનાર પરપ્રાંતીય યુવકના સ્પામાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કરવા ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવેલું પરંતુ હપ્તા ખાતાં ખાખીધારીઓએ જ ટ્રેપની માહિતી લીક કરી દેતાં છટકું નિષ્ફળ ગયું હતું. આ બાબત દર્શાવે છે કે કેટલી હદે દેહવ્યાપારના ધંધાનું દૂષણ અને નેટવર્ક વિસ્તરી ગયું છે!
Share it on
|