|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચોખાની નિકાસ માટે વિદેશમાંથી કસદાર પાર્ટીઓ શોધી આપી સારી ડીલ કરાવી આપતી પેઢીના નામે દિલ્હીના ઠગોએ ભુજમાં રહેતા વેપારીને ૨ કરોડ ૧૫ લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે ભુજના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જુદાં જુદાં નામ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટધારકો મળી ૧૫ સામે એકસંપ થઈને, ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી કરવાની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભુજના જ્યુબિલી સર્કલ પાસે આઈયા એપાર્ટમેન્ટમાં રહેતા ૪૭ વર્ષિય વેપારી મહેશ ચત્રભુજ મોતા (મૂળ રહે. નેત્રા, નખત્રાણા) અનાજ મસાલા જેવી ખેતપેદાશો વિદેશમાં એક્સપોર્ટ કરવા ઈચ્છતાં હોઈ ગૂગલમાં તેને લગતી વિગતોને સર્ચ કરતાં રહેતા હતા.
દિલ્હીની યુવતીએ વેબસાઈટ બનાવવા સૂચન કરેલું
અચાનક એક દિવસ પ્રિયંકા નામની યુવતીનો ફોન આવેલો. પ્રિયંકાએ તેમને જણાવેલું કે તેમની કંપની માલની આયાત નિકાસ કરતાં વેપારીઓ માટે ખાસ વેબસાઈટ બનાવી આપે છે. વેબસાઈટ પર તમે જે ચીજવસ્તુની આયાત નિકાસ કરવા ઈચ્છતાં હો તેના ફોટોગ્રાફ, વર્ણન, કિંમત અને નામ સરનામું, કોન્ટેક્ટ નંબરની વિગતો પોસ્ટ કરતાં રહો એટલે દેશ વિદેશની પાર્ટીઓ સીધી તમારો સંપર્ક કરશે. પ્રિયંકાની વાત જાણી સમજીને મહેશભાઈએ પોતાની પેઢીની ખાસ વેબસાઈટ બનાવીને તેમાં ચોખા, ઘઉં, દાડમ, ચણા, તલ વગેરેના ફોટો, ભાવ વગેરેના વર્ણન સાથેની વિગતો પોસ્ટ કરવાનું શરૂ કરેલું.
વેબસાઈટ પરથી ગઠિયા ગેંગે કોન્ટેક્ટ કર્યો
મહેશભાઈની વેબસાઈટમાં આપેલા મોબાઈલ નંબરના આધારે દિલ્હીના ઠગો એક્ટિવ થયેલાં. સપ્ટેમ્બર ૨૦૨૫માં એક દિવસ તેમને અજાણી યુવતીનો ફોન આવેલો. યુવતીએ પોતે દિલ્હીની એકાંશ ગ્લૉબલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી બોલતી હોવાનું જણાવીને તેમની કંપની દેશ વિદેશના એક્સપોર્ટર ઈમ્પોર્ટર વચ્ચે સંકલનનું કામ કરીને સારી ડીલ કરાવી આપતી હોવાનું જણાવીને કંપનીની ૩૫૦૦ રૂપિયામાં મેમ્બરશીપ લેવા ઑફર કરેલી.
મહેશભાઈએ તેમાં ગુગલ પેથી ઓનલાઈન નાણાં ભરીને મેમ્બરશીપ લીધી તેના બીજા દિવસે આકાંક્ષા નામની યુવતીનો ફોન આવેલો.
આકાંક્ષાએ ફરિયાદીને જણાવેલું કે તેમની પેઢીને સારી ડીલ કરાવી આપવા માટે કંપનીએ તેને પ્રતિનિધિત્વ સોંપ્યું છે. આકાંક્ષાએ કસદાર વિદેશી પાર્ટી જોડે સારો નફો થાય તેવી ડીલ કરાવી આપવાની વાતો કરેલી.
થોડાં દિવસ બાદ પ્રિયા નામની યુવતીએ ફરિયાદીને ફોન કરીને જે વેબસાઈટ બનાવેલી છે તે બરાબર નથી તેમ જણાવીને નવી વેબસાઈટ બનાવી આપવાનું જણાવેલું. ફરિયાદીએ સંમતિ આપતાં લલિત નામના યુવકે નવી વેબસાઈટ બનાવી આપેલી.
યુએસની પાર્ટી જોડે પહેલી ડીલ નક્કી કરાવી
દિલ્હીના ઠગોએ અમેરિકાની પાર્ટી જોડે ચોખાના એક્સપોર્ટની ડીલના નામે પહેલો ખેલ પાડેલો. ૧ ટન ચોખાની કિંમત ૧૬૪૭.૭૨ ડૉલરમાં નક્કી કરાઈને ફરિયાદીને ૬૪ ટન ચોખાનો ઓર્ડર અપાયેલો. ઓર્ડર આપ્યા બાદ ગઠિયાઓએ ક્વૉલિટી સર્ટીફિકેટ, ટેક્સ, ડોક્યુમેન્ટેશન, બેન્ક ક્લિયરન્સ, પ્રોસેસના નામે વિવિધ ચાર્જ જણાવી વેપારી પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવેલાં. જો કે, પાર્ટી તરફથી પેમેન્ટ નહોતું આપ્યું. એકાંશ લિમિટેડના ડાયરેક્ટર રણવીરસિંઘ અને યશપાલ તેમને એમ કહી બહાના કર્યા હતા કે ‘યુએસની પાર્ટી ઈન્ડિયા આવીને બાયો મેટ્રિક કરાવશે એટલે પેમેન્ટ મળી જશે’
ડેન્માર્કની પાર્ટી જોડે ૪૦૦ ટન ચોખાની ડીલ કરાઈ
યુએસ ડીલ પૂરી થઈ નહોતી ત્યાં ગઠિયાઓએ ડેન્માર્કની પાર્ટી જોડે ડીલ કરવાની ઑફર કરીને પેમેન્ટ ઝડપથી મળી જશે તેવી લાલચ આપેલી. ફરિયાદીને વિશ્વાસમાં લેવા ડેન્માર્કની પાર્ટી જોડે અમદાવાદની એરપોર્ટ ઈન હોટેલમાં રૂબરૂ બેઠક યોજેલી. ઓક્ટોબર ૨૦૨૫માં ફરિયાદી અમદાવાદ ગયેલો ત્યારે હોટેલમાં આકાંક્ષા, રણવીરની પત્ની જ્યોતિ, ડેન્માર્કની પાર્ટીની પત્ની અને તેનો પાર્ટનરે રૂબરૂ બેઠક કરેલી. જેમાં ૪૦૦ ટન ચોખાના એક્સપોર્ટની ડીલ ફાઈનલ થયેલી.
ફરિયાદી અમેરિકાની પાર્ટીના પેમેન્ટ અંગે વાત કરતો ત્યારે કંપનીના ડાયરેક્ટર સહિતના લોકો ઈરાન અમેરિકા વૉરના બહાના કાઢતાં.
દરમિયાન, ડેન્માર્કની પેઢીએ એડવાન્સ પેમેન્ટ મોકલવાના નામે બેન્ક અધિકારીના નામે ફરિયાદી જોડે ફોન પર વાતો કરાવીને ફરિયાદીને વોટસએપ પર વિવિધ પરચેઝ ઓર્ડર અને રિસિપ્ટની નકલો મોકલી આપેલી. એટલું જ નહીં, ડેન્માર્ક એમ્બેસીના કર્મચારીના નામે ફરિયાદીને એમ કહી વિશ્વાસમાં લેવાયેલો કે ડેન્માર્કમાંથી પેમેન્ટ આવી ગયું છે પરંતુ પેમેન્ટ રિલીઝ કરવા માટે જરૂર ડોક્યુમેન્ટેશન કરવું પડશે.
ગઠિયાઓએ ફરિયાદીને ૧૫ લાખ રોકડાં આપી દઈશું તો કોઈ ડોક્યુમેન્ટશન અને પ્રોસેસની જરૂર નહીં પડે તેમ કહીને ફરિયાદીને નાણાં પહોંચાડવા અમદાવાદ મોકલેલો. જ્યાં એક અજાણી બુરખાધારી મહિલા રોકડાં રૂપિયા લઈ ગયેલી.
આ જ સમયે તેને અમેરિકન એમ્બેસીમાંથી પણ પેમેન્ટ અન્વયે ફોન આવવાનું શરૂ થયેલું. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે કાનપુરની એક ડોમેસ્ટિક પાર્ટી જોડે બે લાખના ચોખાની ડીલ કરાવીને ૧.૩૫ લાખનું પેમેન્ટ પણ જમા કરાવ્યું હતું.
પૂર્વ મહિલા કર્મચારીએ ફોન કરીને ભાંડો ફોડ્યો
ફરિયાદી કદાચ હજુ છેતરાતો જ રહ્યો હોત પરંતુ ૨૮ જૂન ૨૦૨૬ના રોજ અચાનક તેને દિલ્હીથી પૂજા નામની યુવતીનો ફોન આવેલો. પૂજાએ ફરિયાદીને જણાવેલું કે તે અગાઉ એકાંશ ગ્લોબલમાં નોકરી કરતી હતી અને હાલ તેણે નોકરી છોડી દીધી છે. આ લોકો તમારી જોડે ચીટીંગ કરે છે. પૂજાએ આરોપીઓના અસલી નામ ફોટોને લગતી વિગતો પણ મોકલી આપી હતી.
પૂજાના ફોન બાદ એલર્ટ થઈ ગયેલા ફરિયાદીએ વિગતો તપાસતાં તેને અમેરિકન અને ડેન્માર્ક એમ્બેસીના કર્મચારીના નામે આવેલા ફોન નંબર પણ બોગસ હોવાનું સ્પષ્ટ થયેલું.
આકાંક્ષાનું અસલી નામ સારુ યાદવ હોવાનું તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિન્ક પરથી સ્પષ્ટ થયું છે. એ જ રીતે, અન્ય લોકોએ પણ ખોટાં નામ ઓળખ ધારણ કર્યાં હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે ગુનો નોંધી ગહન તપાસ શરૂ કરી છે.
Share it on
|