click here to go to advertiser's link
Visitors :  
04-Aug-2026, Tuesday
Home -> Bhuj -> Bhuj Sessions Court set aside A summary and remand back case of fatal accident
Monday, 03-Aug-2026 - Bhuj 1014 views
ભુજના શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઠોકી ગાંધીધામના વેપારીએ ખરેખર આપઘાત કરેલો?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચાલું કારે ‘મેં સુસાઈડ કરને જા રહા હૂં’ તેવી કબૂલાત આપતો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા બાદ રોડ પર આગળ ઊભેલી ટ્રક પાછળ કાર ઠોકી મૃત્યુ પામનાર ગાંધીધામના દિવંગત આધેડ વેપારીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. મૃતકના પુત્રએ ટ્રકચાલક સામે નોંધાવેલી ફરિયાદની તપાસમાં પોલીસે ટ્રક ડ્રાઈવરને ક્લિનચીટ આપી, વેપારીએ આપઘાત કર્યો હોવાના તપાસ રિપોર્ટના આધારે લૉઅર કૉર્ટે મંજૂર કરેલી ‘એ સમરી’ને સેશન્સ કૉર્ટે રદ્દબાતલ ઠેરવી ફરી ટ્રાયલ ચલાવવા હુકમ કર્યો છે.
मैं सुसाइड करने जा रहा हूँ

૧૫-૧૨-૨૦૨૫ના રોજ બપોરે ૩.૪૫ના અરસામાં ભુજના શેખપીર ત્રણ રસ્તા નજીક અંજાર તરફ જતા રોડ પર પાર્ક થયેલી GJ-12 AU-8227 નંબરની ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ૫૬ વર્ષિય કારચાલક નરેશ ધરમદાસ ચંદનાની (રહે. ગાંધીધામ)નું માથાં સહિતના અંગોમાં ગંભીર ઈજાથી મૃત્યુ થયેલું. મરતાં અગાઉ નરેશભાઈએ ચાલતી કારે પોતાના મોબાઈલ ફોનમાં ૭ મિનિટ ૪૪ સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરેલો.

વીડિયોમાં તેમણે मैं जिंदगी से तंग हो गया हूँ और मैं सुसाइड करने जा रहा हूँ तो मेहरबानी कर के मेरे को न्याय दिलाओ, मेरे बच्चों को न्याय दिलाओ.. इन्होने मेरे को बहुत परेशान किया हैं और मेरा जीना हराम कर दिया है.. मेरे को करोडो रुपये का नुकसान गया है तो प्लीज मेरे को न्याय दिलाओ તેવું  વિસ્તૃત નિવેદન આપતો વીડિયો રેકોર્ડ કરેલો.

જેમાં તેમણે પોતાની સાથે દુકાન અને પ્લોટના નામે કેટલાં લોકોએ કેવી રીતે કરોડોની છેતરપિંડી આચરી અને ધાક-ધમકી કરી, લેન્ડગ્રેબિંગના ખોટાં કેસમાં ફસાવવા પ્રયાસ કર્યો તેનું રેકોર્ડીંગ કર્યું હતું. રેકોર્ડીંગના તુરંત બાદ તેમની કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી ગયેલી અને તેમનું મૃત્યુ નીપજેલું. તેમના નિવેદનનો  વીડિયો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થયેલો.

૨૫મા દિવસે પુત્રએ ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવેલી

ઘટનાના ૨૫મા દિવસે ૦૯-૦૧-૨૦૨૬ના રોજ નરેશભાઈના પુત્ર નિખિલે પધ્ધર પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવરે જાહેર રોડ પર કોઈપણ પાર્કિંગ લાઈટ્સ વગર ખોટી રીતે ટ્રક પાર્ક કરીને બેદરકારી દાખવતાં પિતાની કાર તેની ટ્રક પાછળ ટકરાઈ જતાં પિતાનું મોત નીપજ્યું હોવા સબબના આરોપ હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬ (૧) અને ૨૮૩ તથા મોટર વેહિકલ એક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ તળે સંબંધિત નંબરવાળી ટ્રકના અજાણ્યા ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવેલી.

આ કેસમાં પોલીસે મૃતકના પત્ની, પુત્ર અને ભાઈના નિવેદન લઈને ૩૦-૦૪-૨૦૨૬ના ભુજના બીજા અધિક જ્યુ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં ફાઈનલ રિપોર્ટ સાથે એ સમરી રજૂ કરેલી.

જેમાં મૃતક નરેશ ચંદનાની મિલકતના વિવાદને લઈને માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું અને મરતાં પૂર્વે આપઘાત કરતા હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો હોવાના તારણો રજૂ કરેલાં. જેના આધારે કૉર્ટે એ સમરી (એબેટેડ સમરી) ભરીને કેસનો નિકાલ કરી દીધો હતો (જ્યારે આરોપીનું અવસાન થવાથી ન્યાયીક કાર્યવાહી થઈ શકે તેમ ના હોય ત્યારે પૂર્ણ ટ્રાયલ ચલાવ્યા વગર જ કેસનું કરાતું સમાપન).

નીચલી કૉર્ટે ૬ઠ્ઠી જૂલાઈના રોજ એ સમરીને મંજૂર કરી દીધી હતી.

મૃતકના પુત્ર નિખિલે નીચલી કૉર્ટના હુકમને પડકારતી રીવિઝન અરજી સેશન્સ કૉર્ટમાં દાખલ કરેલી. જેમાં રજૂઆત કરાયેલી કે પોલીસ સમક્ષ આપેલા નિવેદનોમાં સૌએ ટ્રક ડ્રાઈવરની બેદરકારીના લીધે એક્સિડેન્ટ થયો હોવાનું અને કારને પણ ભારે નુકસાન થયું હોવાનું લખાવેલું. છતાં ફરિયાદી કે અન્યોને રજૂઆતની તક આપ્યા વગર તપાસકર્તા અમલદારે કૉર્ટમાં ફાઈનલ રિપોર્ટ રજૂ કરીને એ સમરી માગેલી.

માહિતિ અધિકાર તળે પણ પધ્ધર પોલીસ પાસે કેસ પેપર્સ માગેલા છે પરંતુ પોલીસે આજ દિન સુધી તે આપ્યાં નથી. મેજિસ્ટ્રેટે અરજદાર (ફરિયાદી)ને સાંભળ્યા વગર જ એ સમરીને મંજૂર કરી દીધી છે.

ચોથા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ નીચલી કૉર્ટે મંજૂર કરેલી એ સમરીનો હુકમ કાયદાની નજરે ઉચિત નથી તેમ જણાવી કહ્યું કે ટ્રાયલ કૉર્ટે મૂળ ફરિયાદીને નોટિસ આપ્યા વગર એટલે કે તેનો પક્ષ યા રજૂઆત સાંભળ્યા વગર જ હુકમ કર્યો છે. વળી, આ હુકમ કયા કારણોસર કર્યો છે તે કારણો પણ નથી જણાવ્યાં. સેશન્સ કૉર્ટે હુકમને રદ્દબાતલ ઠેરવી, નવેસરથી ટ્રાયલ ચલાવી, બેઉ પક્ષને સાંભળીને કાયદા મુજબ નિર્ણય લેવા કેસને ફરી નીચલી કૉર્ટમાં મોકલી આપ્યો છે.

જૂનો અહેવાલ વાંચવા સર્ચ બોક્સમાં ટાઈપ કરો crashing-car

Share it on
   

Recent News  
મુંદરા અદાણી પોર્ટનો નેશનલ રેકોર્ડઃ એક જ જહાજ પર ૨૧,૦૮૫ કન્ટેઈનર હેન્ડલ કર્યાં