click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Bhuj -> Four officers including former IAS Sharma gets 5 years in jail in corruption case
Saturday, 19-Apr-2025 - Bhuj 19861 views
જિન્દાલ જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર શર્મા સહિત ૪ અધિકારીને પાંચ વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના સમાઘોઘા ખાતે એક ઔદ્યોગિક એકમને ગેરકાયદે જમીન ફાળવણી કરવાના ગુનામાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ એન. શર્મા સહિત ચાર અધિકારીને દોષી ઠેરવી ભુજની લૉઅર કૉર્ટે પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

સજા સાથે તમામને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સજા પામનારાં અન્ય અધિકારીઓમાં તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ એમ. ઝાલા, ભુજના તત્કાલિન ટાઉન પ્લાનર નટુભાઈ એમ. દેસાઈ અને તત્કાલિન નાયબ મામલતદાર નરેન્દ્ર પી. પ્રજાપતિનો સમાવેશ થાય છે.

શર્મા સહિતના ચારે અધિકારીઓ પર મુંદરાના સમાઘોઘા ખાતે જિન્દાલ સો પાઈપ્સ લિમિટેડ નામના ઔદ્યોગિક એકમને સત્તાની ઉપરવટ જઈ, એકમેકની મિલિભગતમાં કાવતરું ઘડીને સરકારને નુકસાન અને કંપનીને આર્થિક ફાયદો પહોંચાડવાનો આરોપ હતો.આ કેસમાં સરકાર તરફે દલીલો કરનારા વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી. જાડેજાએ જણાવ્યું કે આ કૌભાંડમાં શર્મા સહિતના અધિકારીઓ વિરુધ્ધ વર્ષ ૨૦૧૧માં સીઆઈડી ક્રાઈમ, રાજકોટ ઝોન પોલીસ મથકે ઈપીકો કલમ ૨૧૭, ૪૦૯, ૧૨૦ (બી) હેઠળ ગુનો દાખલ થયો હતો.

અધિકારીઓએ આ રીતે ભ્રષ્ટાચાર કરેલો

રાજ્ય સરકારના નિયમ મુજબ કોઈપણ કલેક્ટર ઔદ્યોગિક હેતુ માટે મહત્તમ ૧૫ લાખના મૂલ્યની બે હેક્ટર સુધીની જમીનની ફાળવણી કરી શકે. પરંતુ, શર્માએ અન્ય અધિકારીઓ સાથે મેળાપીપણું આચરીને જિન્દાલ સો પાઈપ્સ લિમિટેડને ૪૭ હજાર ૧૭૩ ચોરસ મીટર જમીન ફાળવી દીધી હતી.

મહેસુલ વિભાગના પરીપત્ર મુજબ જ્યારે એક જ ગામની જમીન માટે, જુદાં જુદાં સર્વે નંબર માટે, એક જ દિવસે એક જ હેતુ માટે એક જ એકમે જમીન માંગણીની અરજી કરી હોય તો આવી બધી અરજીઓ સંકલિત કરીને સાથે ચલાવી, એક જ હુકમથી જમીન ફાળવણી બાબતે નિર્ણય કરવો જોઈએ.

શર્માએ આ નિયમો જોગવાઈઓનો ભંગ કરીને ૨૫-૦૩-૨૦૦૪ના રોજ અરજદાર કંપનીને એક સાથે એક જ દિવસે ૪૭ હજાર ૧૭૩ ચોરસ મીટર જમીન ફાળવી સત્તાથી ઉપરવટ જઈને ૨૭ હજાર ૧૭૩ ચો.મી. જમીન વધુ ફાળવી હતી. આરોપીઓએ કંપનીને આર્થિક રીતે ફાયદો કરાવી આપવાના એકમાત્ર બદઈરાદે આ ગુનો આચરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તમામ આરોપીઓએ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં અરસપરસના મેળાપીપણામાં ગુનાહિત માનસથી કાવતરું રચીને આ નિર્ણય કર્યો હતો.

વેલસ્પન કેસમાં સજા ભોગવ્યાં બાદ આ સજાનો થશે અમલ

આ કેસમાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૫૨ દસ્તાવેજી પૂરાવા અને ૧૮ સાક્ષીઓને તપાસી આજે ભુજના ચોથા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ જે.વી. બુધ્ધે ચારે જણને ઈપીકો કલમ ૪૦૯ અને ૧૨૦ (બી) હેઠળ દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૨૧૭ હેઠળ ત્રણ માસની સાદી કેદની સજા કરી છે.

ઉલ્લેખનીય છે કે, અંજારની વેલસ્પન કંપનીને પણ શર્માએ જિન્દાલની જેમ સત્તાની ઉપરવટ જઈને મોટાપાયે જમીન ફાળવી હતી.

આ મામલે એસીબીમાં દાખલ થયેલી ફરિયાદની તપાસમાં શર્માના મોબાઈલનું બિલ કંપની ભરતી હોવાનું અને કંપનીએ શર્માના પત્નીને સબસીડીયરી કંપનીમાં પાર્ટનર બનાવીને ૨૯ લાખ રૂપિયા ખટાવ્યાં હોવાનું ખૂલતાં વધુ બે ગુના દાખલ થયેલાં. વિદેશ વસતી પત્નીને હવાલાથી નાણાં મોકલ્યાં હોવાના આરોપ સબબ શર્મા સામે ઈડીએ મની લૉન્ડરિંગનો ગુનો દાખલ કરતાં આ કેસો અમદાવાદની ઈડી કૉર્ટમાં ટ્રાન્સફર થયેલાં. આ ત્રણે ગુનામાં વિશેષ ઈડી કૉર્ટે શર્માને ૨૦-૦૧-૨૦૨૫ના રોજ ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૭૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. શર્મા વેલસ્પનના કેસમાં સજા ભોગવી લે ત્યારબાદ જિન્દાલના કેસની સજાનો અમલ શરૂ કરવા જ્યુ. મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે. આ કેસમાં સીઆઈડી વતી વિશેષ સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યાં હતાં.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં