કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સ્ટેશન રોડ પર બૂટ ચંપલનો દુકાનદાર મેફેડ્રોન ડ્રગ્ઝ સાથે ઝડપાયો છે. સ્ટેશન રોડ પર એસબીઆઈની મેઈન બ્રાન્ચ પાસે આવેલી રીયલ ફૂટવેર નામની દુકાનમાં એમડી ડ્રગ્ઝ હોવાની એસઓજીને બાતમી મળેલી. જેના પગલે ગત મોડી રાત્રે ૧૧ કલાકે પોલીસે દુકાન પર ધસી જઈને દરોડો પાડ્યો હતો. દુકાનદાર અબ્દુલ ગની ઊર્ફે ગની અકબરઅલી મેમણ (ઉ.વ. ૨૯, રહે. રોયલસીટી, સુરલભીટ રોડ, ભુજ)એ બૂટના બોક્સ વચ્ચે ડ્રગ્ઝની પડિકીઓ છૂપાવી રાખી હતી. બૂટના બોક્સ વચ્ચે રાખેલી એક માચિસની અંદરથી એક પડિકી મળી આવેલી. તો, બૂટના અન્ય એક બોક્સમાંથી ઝીપ લૉકવાળા પ્લાસ્ટિકના છ પારદર્શક પાઉચ મળી કુલ સાડા સાત ગ્રામ એમડી ડ્રગ્ઝનો પાઉડર મળી આવ્યો હતો. જેની બજાર કિંમત ૭૫ હજાર રૂપિયા થાય છે.
પ્રાથમિક પૂછપરછમાં ગનીએ કબૂલ્યું કે બુધવારે સવારે ૨૭ હજાર રૂપિયામાં ૧૧ ગ્રામ ડ્રગ્ઝ શેખ ફળિયામાં રહેતા સલુ શેખડાડા અને ઉમરશા શેખડાડા પાસેથી તેની દુકાન બહાર ખરીદ્યું હતું. અન્ય ડ્રગ્ઝનું તેણે પોતે સેવન કર્યું હતું.
ત્રણે સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવાયો છે અને ગનીની ધરપકડ કરવામાં આવી છે.
Share it on
|