કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેશી ગાયના શુધ્ધ ઘીના નામે કલાપૂર્ણ બ્રાન્ડથી ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી ભુજની ફેક્ટરીમાં દરોડો પાડીને ફૂડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલ વિભાગે ૧૨.૩૬ લાખની કિંમતના ૨ હજાર ૨૪૯ લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ભુજના નાગોર રેલવે ક્રોસીંગ પાસે આવેલી કલાપૂર્ણ ઘીની ફેક્ટરીમાં ભુજના ફૂડ સેફ્ટી ઑફિસરોની ટીમે તપાસ હાથ ધરી હતી. ફેક્ટરીમાં હાજર ઈરફાન અસગરઅલી રાયમા નામનો શખ્સ શંકાસ્પદ રીતે ઘી બનાવતો હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકા ગયેલી.
જેથી, ફૂડ વિભાગે ફેક્ટરીમાં રહેલો ઘીનો લૂઝ અને પેક્ડ જથ્થો માનવ વપરાશમાં ના આવે તે હેતુથી સ્થળ પર સીઝ કર્યો છે. ફેક્ટરીનો માલિક ભુજનો નિલેશ રસિકલાલ ત્રેવાડિયા છે.
આ કંપનીના સોશિયલ મીડિયા પરની પોસ્ટ જોતા જણાય છે કે કચ્છના અસ્સલ દેશી ઘીના નામે મુંબઈમાં મોટાપાયે માર્કેટીંગ વેચાણ કરાય છે.
ફૂડ વિભાગે ઘીના નમુના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે. લાંબા સમય બાદ કચ્છમાં ફૂડ વિભાગે દિવાળી ટાણે આળસ મરડીને એક મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
Share it on
|