કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરા તાલુકામાં ખનીજ માફિયા બેફામ બન્યા હોવાની વ્યાપક ફરિયાદોના પગલે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વૉડે છેલ્લાં બે દિવસમાં ત્રણ સ્થળે દરોડા પાડી એક્સકેવેટર સહિત ૧.૧૫ કરોડના ૭ વાહનો સીઝ કર્યાં છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્ક્વૉડ મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમે મંગળવારે ઝરપરા સીમમાં દરોડો પાડી સાદી માટીનું ખનન અને વહન કરતા એક લોડર તથા બે ડમ્પર જપ્ત કર્યા હતા. આજે બુધવારે પત્રી ગામની નદીના પટમાં સાદી રેતીનું ખનન અને વહન કરતા એક લોડર તથા બે ડમ્પર જપ્ત કર્યાં છે. એ જ રીતે, મોટા કપાયામાં નદીના પટમાં સાદી રેતીનું ખનન કરતું એક એક્સકેવેટર મશિન જપ્ત કર્યું છે. આમ, બે દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળે દરોડા પાડીને બે લોડર, ચાર ડમ્પર અને એક્સકેવેટર સહિતના ૧.૧૫ કરોડના ૭ વાહનો કબજે કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
Share it on
|