click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Bhuj -> Financial Dispute Turns Fatal Jain Charity Trust Head Killed in Cold Blood at Bhuj Home
Thursday, 09-Apr-2026 - Bhuj 18523 views
ભુજની જૈન સેવાભાવી સંસ્થાના વૃધ્ધ સંચાલકની મધરાત્રે ઘરમાં ઘાતકી હત્યા
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ગરીબ અને જરૂરતમંદ પરિવારોને માત્ર પાંચસો રૂપિયાના રાહતદરે રાશનકીટનું વિતરણ કરતી સાધર્મિક ચેરિટેબલ ટ્રસ્ટના વૃધ્ધ સંચાલકનું નાણાંની લેતી દેતીમાં ઉશ્કેરાઈને દુકાનદારે ખૂન કરી નાખતા ચકચાર મચી ગઈ છે. ભુજના વાણિયાવાડમાં એકલવાયું જીવન જીવતાં અપરિણીત એવા ૭૧ વર્ષિય રશ્મિકુમાર કનકલાલ શાહ (ભુલાણી)નું ગત રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં તેમના ઘરમાં ખૂન કરીને અનાજ કરિયાણાનો દુકાનદાર નિલેશ હસમુખલાલ શાહ સામેથી પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.
સાહેબ, મેં ખૂન કર્યું છેઃ આરોપી સામેથી હાજર થયો

ભુજ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ મધરાત્રે સવા બેના અરસામાં નિરાંત કરીને બેઠો હતો ત્યાં અચાનક ૪૮ વર્ષના એક શખ્સે પોલીસ પાસે આવીને જાહેર કરેલું કે ‘મેં રશ્મિભાઈનું ખૂન કરી નાખ્યું છે’ તેની ચોંકાવનારી વાત સાંભળીને પોલીસ સ્ટાફની ઊંઘ ઊડી ગઈ હતી. પોલીસ આગળ કબૂલાત કરનાર શખ્સ હતો ભુજની મુંદરા રીલોકેશન સાઈટમાં આવેલા પ્રમુખ સ્વામીનગરમાં રહેતો નિલેશ હસમુખલાલ શાહ.

નાણાંની લેતી-દેતીમાં ઉશ્કેરાઈને કરી હત્યા

પોલીસે પૂછપરછ કરતાં નિલેશે જણાવેલું કે રશ્મિભાઈ શાહ તેની રસકસની દુકાનેથી સંસ્થા માટે રાશનની ખરીદી કરતા હતા. રાત્રે સાડા નવ વાગ્યે તે રાશનના નાણાં લેવા રશ્મિભાઈના ઘરે આવેલો. નાણાંની લેતી દેતી મુદ્દે બેઉ વચ્ચે ઝઘડો થયેલો.

ઉશ્કેરાઈને નિલેશે રશ્મિભાઈના માથામાં પાણીની મેટલની બોટલનો પ્રહાર કર્યો હતો. બેડરૂમમાં રશ્મિભાઈ ઈજાથી જમીન પર ફસડાઈ પડેલાં. ત્યારબાદ તેણે ઘરમાં પડેલાં દસ્તાથી રશ્મિભાઈના માથામાં વાર કર્યા હતા.

રશ્મિભાઈનું મોત નીપજ્યાં બાદ તે ત્યાંથી નાસી ગયેલો. ચાર કલાક બાદ પોલીસ મથકે સામેથી આત્મસમર્પણ કરી દીધેલું.

બેડરૂમમાં જમીન પર પડ્યો હતો મૃતદેહ

નિલેશની કબૂલાત બાદ પોલીસ વાણિયાવાડની પાંજરાપોળ શેરીમાં આવેલી અષ્ટાપદ બિલ્ડીંગના બીજા માળે ફ્લેટ નંબર ત્રણ પર પહોંચી હતી. ઘરના બેડરૂમમાં રશ્મિભાઈનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. બનાવ અંગે ત્રણ વાગ્યે પોલીસે ભુજની નાગરિક સોસાયટીમાં રહેતા મૃતકના નાના ભાઈ પંકજભાઈ શાહને જાણ કરતાં તેઓ ત્યાં દોડી આવ્યાં હતા.

CCTV કેમેરાનું DVR કાઢી લીધુઃ ૪ કલાક શું કર્યું?

પંકજભાઈ શાહે નિલેશ વિરુધ્ધ હત્યાની કલમો તળે નોંધાવેલી ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે ઘરમાં રાખેલા CCTV કેમેરાનું DVR નિલેશે કાઢી લીધું છે. લાશ ઘરના બેડરૂમમાં નીચે પડેલી. ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો. હત્યા અંદાજે દસ વાગ્યાની આસપાસ થયેલી. ત્યારબાદ મધરાત્રે સવા બે વાગ્યે હત્યારો નિલેશે સામેથી પોલીસ મથકે હાજર થઈ ગુનાની કબૂલાત અને જાહેરાત કરેલી. ત્યારે, આ ચાર કલાક દરમિયાન નિલેશે શું કર્યું, DVR ક્યાં છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નિલેશે ડીવીઆર અને મોબાઈલ હમિરસરમાં ફેંકી દીધા હોવાનું જણાવ્યું છે અને પોલીસે તે રીકવર કરવા પ્રયાસો આદર્યાં છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો