|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રીઢા માણસો માટે ગુજરાતીમાં કહેવાય છે કે ‘વાંદરો ભલે ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ના ભૂલે’ અથવા ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ આ કહેવત એટલા માટે ટાંકી છે કે પત્રકારના નામે તોડબાજી કરવા બદલ વિવિધ ગંભીર ગુનાઓમાં ફીટ થયેલો એક કહેવાતો તોડબાજ પત્રકાર જામીન પર છૂટીને પણ હજુ સુધર્યો નથી. ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે શરૂ થયેલી રાજનીતિ અને કોંગ્રેસના જનતા રેઈડના એલાન વચ્ચે આ તોડબાજ પત્રકાર ભુજના એક બૂટલેગરના અડ્ડા પર સ્ટીંગ ઓપરેશન કરીને ઊઘરાણું કરવા જતાં બરાબરનો ખોખરો થઈ ગયો છે અને શરીરના બધાં નટ, બોલ્ટ, ચાકી ઢીલાં થઈ ગયાં છે!
થોડાંક દિવસો અગાઉ કહેવાતી ગંઢેચા ગેંગનો આ પત્રકાર ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સામે આવેલી એક વસાહત કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ સહિતના દેવતાઓ જેવા સજ્જનો ભેગાં મળીને રહે છે તે કોલોનીમાં એક બૂટલેગરના ઈંગ્લિશના પોઈન્ટ પર મોબાઈલ ચાલું રાખીને સ્ટિંગ ઓપરેશન કરવા પહોંચી ગયેલો.
જો કે, તોડબાજીના કેસોના પગલે પોલીસે જારી કરેલી પ્રેસનોટો, ફોટા અને વીડિયોથી કુખ્યાત થઈ ગયેલાં આ લુખ્ખેશભાઈના ચહેરાંને ઓળખી ગયેલાં બૂટલેગરના માણસોએ તેને ઘેરી લઈને, એક ઓરડીમાં લઈ જઈને સરખો કૂટી નાખ્યો હતો. દારૂબંધીની રાજનીતિની વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા આવા કહેવાતા તોડબાજ પત્રકારો અને કથિત જાગૃત નાગરિકો સક્રિય થઈ જતાં બૂટલેગરો પણ ડબલ એલર્ટ થઈ ગયાં છે!
Share it on
|