|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસની મહેરબાનીથી દારૂ વેચતાં બૂટલેગરોના નામની યાદી સાથે તેમની સામે કાર્યવાહી કરવા અરજીઓ કરનારા ભુજના કહેવાતા જાગૃત નાગરિક સલીમ મામદ કુંભાર અને તેના સાગરીત ગુલામ હુસેન શેખ સામે માધાપરમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. માધાપરના એક યુવકને દારૂ વેચતો હોવાનો દમ મારીને ૨૫ હજાર પડાવ્યાં હોવાની ફરિયાદ નોંધાઈ છે. વક્રતા એ છે કે ફરિયાદી હાર્દિક ઉમેદગર ગુંસાઈ પોતે એક લિસ્ટેડ બૂટલેગર છે અને તેના પર બૂટલેગર તરીકે અગણિત ગુના નોંધાયેલાં છે. પોતે હાલ દારૂ વેચતો ના હોવાનું અને છૂટક ડ્રાઈવીંગ કરતો હોવાનું ફરિયાદી હાર્દિકે એલસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ હિતેશ જેઠી સમક્ષ જાહેર કર્યું છે. હાર્દિકે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને ઉદ્દેશીને આપેલી અરજીના આધારે આ ગુનો દાખલ થયો છે.
અરજીમાંથી નામ કઢાવવા ૨૫ માગ્યા- મેળવ્યાં
ફરિયાદમાં હાર્દિકે દાવો કર્યો છે કે પોતે ભૂતકાળમાં દારૂ વેચતો હતો પરંતુ ઘણાં સમયથી દારૂ વેચવાનું બંધ કરી દીધું છે. તેમ છતાં સલીમ કુંભારે તેના સહિત અન્ય લોકોના નામ સાથેની અરજી પોલીસ ખાતામાં કરીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી. પોતે દારૂનો ધંધો ના કરતો હોવા છતાં પોતાનું નામ જોઈને તેણે સલીમને ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહોતો.
પાછળથી તેના પત્રકાર સાગરીત ગુલામ શેખે વળતો ફોન કરીને હું પ્રેસમાં છું, અરજીમાંથી નામ કઢાવવું હોય તો પચાસ હજાર રૂપિયા આપવા પડશે, મને સલીમભાઈનો ફોન આવેલો તેમ કહીને રૂપિયા માગેલા.
હાર્દિકે રૂપિયા ઓછાં કરવા જણાવતાં ૨૫ હજારમાં ડીલ ફાઈનલ થયેલી. ફરિયાદીએ સલીમના ખાતામાં ઓનલાઈન ૨૫ હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલાં. પરંતુ, સલીમે આ રૂપિયા પોતે પરત મોકલતો હોવાનું જણાવી તે નાણાં ગુલામના ખાતામાં મોકલવાનું કહીને ‘હવે તારું નામ અરજીમાંથી નીકળી જશે, તું ચિંતા ના કરીશ’ તેમ જણાવેલું.
હવે દર મહિને ૨૫ હજાર આપવા પડશે તેવી ધમકી
સલીમે કરેલી બીજી અરજીમાં બૂટલેગરોની યાદીમાંથી ફરિયાદીનું નામ નીકળી ગયું હતું. જો કે, એક મહિના બાદ સલીમે તેને વોટસએપ પર કૉલ કરીને તારે દર મહિને ૨૫ હજાર આપવા પડશે તેવી માંગણી કરીને રૂપિયા ના મળે તો ફરી તેના નામની અરજી કરી, દરોડા પડાવીને પાસામાં અંદર કરાવી દેવાની ધમકી આપેલી. હાર્દિકની અરજી અંગે એલસીબી પીઆઈ હાર્દિક જેઠીએ તપાસ કરીને માધાપર પોલીસ મથકે સલીમ અને ગુલામ સામે ખંડણી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
સલીમે બૂટલેગરો અને LCBની સાંઠગાંઠ પર ગંભીર આરોપ કરેલાં
જેની વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે તે સલીમે અગાઉ ખાવડાના મગુભા જાડેજા કે જેના મોબાઈલ પોઈન્ટ પર બે દિવસ અગાઉ જ જનતા રેઈડ થયેલી તેના નામ સહિત નવ બૂટલેગરોના નામ સાથે રેન્જ આઈજી સહિતના અધિકારીઓને કાર્યવાહી કરવા રજૂઆત કરેલી. જેમાં તેણે આરોપ કરેલો કે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ જેઠીને દારૂ વેચાણ અંગે રજૂઆત કરીએ તો તે જગ્યા બતાડવા અને દારૂ વેચાણની પ્રવૃત્તિનો વીડિયો ઉતારીને મોકલવા જણાવે છે.
એલસીબી આ બૂટલેગરો પર કાર્યવાહી કરતી નથી અને એલસીબીનો વહીવટદાર મયૂરસિંહ ટીકે કોઈ કેસ થવા દેતો નથી.
દસ નવેમ્બરના રોજ સલીમે કરેલી બીજી અરજીમાં એલસીબીના વહીવટદાર મયૂરસિંહને મહિને સવા કરોડનો હપ્તો મળતો હોવા સહિતના ગંભીર આરોપ કરેલાં છે.
જો સલીમ દૂધે ધોયેલો નથી તો ફરિયાદી હાર્દિક ગોસ્વામી ક્યારથી દારૂના બદલે ડ્રાઈવીંગ કરવા માંડ્યો તે મુદ્દો પણ જાણકારોમાં રમૂજ સાથે ચર્ચાવા માંડ્યો છે.
Share it on
|