કચ્છખબરડૉટકોમ, ભુજઃ દારુ, જુગાર, ખનિજ ચોરી, નિર્દોષ લોકો પર હુમલા અને દાદાગીરી કરતાં હોય તેવા અસામાજિક ગુંડા તત્વોની યાદી પોલીસ સ્ટેશનદીઠ ૧૦૦ કલાકમાં તૈયાર કરીને તેમની સામે એક્શન લેવા રાજ્ય પોલીસ વડાએ રવિવારે હુકમ આપ્યો હતો. જેના પગલે પૂર્વ કચ્છમાં પોલીસે આવા ગુંડાતત્વો સામે પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. આ હુકમ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલે પૂર્વ અને પશ્ચિમ કચ્છના SPઓ આ ગુંડાતત્વોની યાદી સાર્વજનિક કરે તેવી રજૂઆત કરી છે. હુંબલે જણાવ્યું કે આ ગુંડાઓની યાદી મીડિયા અને સોશિયલ મીડિયા પર જાહેર કરવી જોઈએ જેથી કચ્છની જનતાને ખોટા ધંધા કરતાં લોકોની જાણકારી મળે. પોલીસ ફક્ત ‘સિલેક્ટેડ’ ગુંડાઓની યાદી બનાવશે તેવી આશંકા દર્શાવીને હુંબલે જણાવ્યું છે કે જો આ યાદી જાહેર કરાય તો જેમના નામ યાદીમાં ના હોય તેવા અસામાજિક તત્વોના નામ જનતા પણ પોલીસને આપીને મદદરૂપ બની શકશે.
કેવળ દેખાડો કરવા ખાતર કાર્યવાહી થઈ રહી છે
કચ્છમાં મોટી સંખ્યામાં લિસ્ટેડ બૂટલેગરો પોલીસ રેકર્ડ પર છે ત્યારે આવા બૂટલેગરોની યાદી જાહેર કરવામાં પોલીસને શો વાંધો હોય? ખરેખર તો કચ્છમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યાં છે, જેમના ઉપર મોટી રકમના દંડ થયેલાં છે. આવા અનેક ખનિજ માફિયા ભાજપ સાથે સીધી રીતે સંકળાયેલાં છે અથવા ભાજપ આવા ગુનેગારોને છાવરે છે તેવો દાવો કરીને હુંબલે માત્ર દેખાડા ખાતર આ કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું છે.
SMCની રેઈડ પછી પણ કોઈનો વાળ વાંક થતો નથી
પોલીસ ખાતામાં ચાલતાં ભયંકર ભ્રષ્ટાચાર અંગે નિર્દેશ આપતાં હુંબલે જણાવ્યું કે કચ્છમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અવારનવાર દરોડા પાડવામાં આવે છે પરંતુ દરોડા બાદ સંબંધિત પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. બૂટલેગરો પાસેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી દર મહિને હપ્તા પહોંચતા હોવાનો પણ તેમણે આરોપ કર્યો છે.
Share it on
|