|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ડિજિટલ અરેસ્ટના ઢગલાબંધ બનાવો છતાં ગુનો આચરનારા બેફામ છે, અનેક વૃધ્ધો ગુનાનો ભોગ બનીને મરણમૂડી ગુમાવી રહ્યાં છે. લંડનથી માદરે વતન ભુજના કેરા ગામે આવેલા ૭૧ વર્ષિય પટેલ વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ ૧ કરોડ ૧૧ લાખ જેવી માતબર રકમ મેળવી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. મૂળ ભુજ તાલુકાના કેરા ગામના વતની અને વર્ષોથી પરિવાર સાથે લંડનના હેરો સીટીમાં સ્થાયી થયેલાં મનજી રામજી પટેલ દર વર્ષે ડિસેમ્બરમાં એક મહિનો વતનમાં આંટો મારી જાય છે.
આ વર્ષે તેઓ વતન આવ્યા ત્યારે ૨૯ ડિસેમ્બરના રોજ મનજીભાઈને તેમના ભારતીય સીમ કાર્ડવાળા નંબર પર અજાણી સ્ત્રીનો ફોન આવેલો.
‘તમારું સીમ કાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું છે અને થોડીવારમાં સીમ કાર્ડ બંધ જઈ જશે’ તેમ જણાવી વધુ વિગતો જાણવા માટે કોલાબા પોલીસ સ્ટેશનમાં ફોન ડાયવર્ટ કરી દીધેલો. ત્યારબાદ કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીના નામે ગઠિયાએ તેમની સાથે વાત કરીને તેમને તત્કાળ કોલોબા પોલીસ મથકે આવી જવા જણાવેલું.
CBI, ED, TRAIના નામે આ રીતે ડરાવ્યાં
થોડીકવાર બાદ સીબીઆઈ ઑફિસર અને કોલાબા પોલીસના નામે વોટસએપ પર ગૃપ વીડિયો કૉલ આવેલો. ગઠિયાઓએ ‘તમારા નામનું એટીએમ કાર્ડ મુખ્ય આરોપી નરેશ ગોયલના ઘરેથી મળેલું છે, મની લોન્ડરીંગનો કેસ થયેલો છે’ તેમ કહી ડરાવીને ‘હાઉસ અરેસ્ટ’ કરેલાં. ફરિયાદીને ડરાવવા માટે તેમના નામે ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરીટી ઑફ ઈન્ડિયા (ટ્રાઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ઈસ્યૂ ઓર્ડર મોકલેલાં. ડરી ગયેલાં વૃધ્ધને સંપત્તિની વિગતો આપવી પડશે તેમ કહીને સાયબર માફિયાઓએ તેમની ફિક્સ ડિપોઝીટ તથા બેન્ક ખાતામાં રહેલાં નાણાંની વિગતો જાણીને પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધાં હતા.
સળંગ ૯ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા
સાયબર માફિયાઓએ ફોન સતત ચાલુ રાખેલાં. વૃધ્ધ બેન્કમાં ગયા ત્યારે પણ ફોન ચાલુ રાખેલા. ડરથી ફફડતાં મનજીભાઈએ છઠ્ઠી, સાતમી અને આઠમી જાન્યુઆરીના રોજ ટુકડે ટુકડે ૫૦ લાખ, ૨૭ લાખ, ૧૬ લાખ અને ૧૮ લાખ એમ મળી કુલ ૧.૧૧ કરોડ રૂપિયા ગઠિયાઓએ જણાવેલાં જુદા જુદાં ત્રણ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. ગઠિયાઓએ તેમને ૨૯-૧૨-૨૦૨૫થી ૭-૦૧-૨૦૨૬ એમ કુલ ૯ દિવસ સુધી સતત ડિજિટલ અરેસ્ટ કરી રાખ્યા હતા.
ભાણેજે મામાને ડિજિટલ અરેસ્ટથી મુક્ત કરાવ્યાં
સમગ્ર બનાવ અંગે મનજીભાઈએ તેમના ભાણેજને વાત કરતા તેણે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાવી મામાને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર લક્ષ્મણસિંહ પી. બોડાણાએ આઈટી એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Share it on
|