કચ્છખબરડૉટકોમ, ભુજઃ કડકડતી ઠંડી વચ્ચે સરહદી ખાવડા ગામે તંત્રએ લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશે દબાણકારોની ઠંડી ઉડાડી દીધી છે.
Video :
નેશનલ હાઈવે ઑથોરીટી દ્વારા સૂચિત માર્ગ વિસ્તરણ અંતર્ગત ખાવડાથી ઈન્ડિયા બ્રિજ તરફ જતાં માર્ગની બેઉ બાજુ કરી દેવાયેલાં કાચાં-પાકાં ૩૫ જેટલાં દબાણો તોડી પાડવા આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન કામગીરી શરૂ કરાઈ છે.
દબાણોમાં ચા-નાસ્તાની હોટેલો અને દુકાનો સહિતના કોમર્સિયલ દબાણોનો સમાવેશ થાય છે. ભુજના પ્રાંત અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું કે નેશનલ હાઈવે ઑથોરીટી બે લેનનો રોડ ફોર લેનમાં પરિવર્તિત કરવાની હોઈ દબાણકારોને અગાઉ ત્રણવાર નોટીસો પાઠવાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરડો સફેદ રણમાં G-20ના કાર્યક્રમોનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં સમગ્ર બન્ની પચ્છમમાં દબાણ હટાવ ઝુંબેશ જારી રહેશે.
આજથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે આજથી લઈ આગામી રવિવાર ૨૨ જાન્યુઆરી સુધીના એક સપ્તાહ દરમિયાન CrPC કલમ ૧૪૪ અંતર્ગત સમગ્ર તાલુકામાં ક્યાંય પણ અનધિકૃત રીતે મંડળી બનાવીને એકઠાં થવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યાએ જાહેરનામું પ્રગટ કરી પ્રતિબંધ ફરમાવી દીધો છે. દરમિયાન, ભુજ (ગ્રામ્ય) મામલતદારે ધ્રોબાણાના કાદીવાંઢમાં સરકારી પડતર જમીન સર્વે નંબર ૫૪ પર ખડાં કરી દેવાયેલાં ગેરકાયદે ધાર્મિક દબાણને ૪૮ કલાકમાં તત્કાળ દૂર કરવા ૧૩-૦૧-૨૦૨૨ના રોજ નોટીસ પાઠવી ૧૫-૦૧-૨૦૨૨ સુધીમાં જગ્યાનો કબ્જો સુપ્રત કરવા સૂચના આપેલી. આગામી રવિવાર સુધીમાં આ ધાર્મિક દબાણ સહિતના અન્ય દબાણોને પણ તોડી પાડવામાં આવે તેવી શક્યતા છે.