કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર તાલુકાના ભીમાસર ગામે રેલવે સ્ટેશનવાળા રસ્તા પર ગળું કાપેલી હાલતમાં ૩૨ વર્ષના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે સરકાર તરફે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આજે પરોઢે પોણા સાત વાગ્યા પહેલાં ગમે તે સમયે અજાણ્યા શખ્સે ગુનાને અંજામ આપ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. મરણ જનાર અરુણકુમાર દેવ શાહુ મૂળ બિહારનો વતની હતો. જ્યાંથી તેની લાશ મળી ત્યાં નજીકમાં આવેલી માધવ હોટેલમાં મજૂરી કરતો હતો. અરુણ સ્થાનિકે તેની પત્ની રેખા સાથે રહેતો હતો. પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. અરુણની હત્યા કોણે કરી છે અને શા માટે તેનો ભેદ ઉકેલવા પોલીસે ચારે દિશામાં તપાસના ઘોડા દોડાવવાનું શરૂ કરી દીધું છે.
Share it on
|