કચ્છખબરડૉટકોમ, ભુજઃ મોબાઈલ ઈન્ટરનેટના યુગમાં ‘ઈ કૉમર્સ’ જેટલું સુલભ છે તેટલું જ જોખમી પણ બન્યું છે. માધાપરમાં ઘેરબેઠાં કમિશનથી કાજુનો ધંધો કરતા યુવક જોડે સાયબર ચીટરોએ ત્રણ લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. માધાપરની વૃંદાવન સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષિય આશુતોષ વ્યાસ ખાનગી લેબમાં ટેકનિશિયન તરીકે નોકરી કરવા સાથે ઘેરબેઠાં કાજુની લે-વેચનો ધંધો કરે છે. આશુતોષ સામાન્ય રીતે ‘ઈન્ડિયા માર્ટ’ વેબસાઈટ પર કાજુની ખરીદી માટે ઓનલાઈન ઈન્ક્વાયરી નાખે છે. ઈન્ક્વાયરીના જવાબમાં વિવિધ કંપનીઓ તેને ભાવ ઑફર કરે છે અને જે કંપનીનો માલ સસ્તો અને સારો હોય તે કંપનીને ઓર્ડર આપીને કાજુ ખરીદી કમિશન પર ગ્રાહકને માલ ડિલિવર કરે છે. ગત જૂલાઈ માસમાં તેણે કાજુ ખરીદી માટે આવી જ એક ઓનલાઈન ઈન્ક્વાયરી નાખેલી અને તામિલનાડુની GKB કેશ્યૂઝ નામની કંપનીના પ્રતિનિધિએ તેને સસ્તામાં સારો માલ આપવાની ઑફર કરતાં તેણે ૯૬૦૦ રૂપિયામાં ૨૦ કિલો કાજુનો ઓર્ડર આપીને માલ ખરીદી ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું.
અઠવાડિયા અગાઉ આશુતોષે આ કંપનીના પ્રતિનિધિ ભાગવત ભારથીને ફરી ૬૦૦ કિલો કાજુનો ઓર્ડર આપેલો.
ભાગવતે તેને આંગડિયાથી ત્રણ લાખ રૂપિયા રોકડાં મોકલી આપવા જણાવતા ફરિયાદીએ મુંબઈની જે પાર્ટીએ કાજુ મોકલવા ઓર્ડર આપેલો તેની પાસેથી અંજારની આંગડિયા પેઢીમાં ત્રણ લાખ રૂપિયા મગાવીને બારોબાર તે ત્રણ લાખ રૂપિયા ભાગવતને જયપુર ખાતે મોકલી આપ્યા હતા.
રૂપિયા મોકલ્યા પરંતુ માલ મળ્યો નહોતો. ભાગવતનો સાદો વોઈસ ફોન બંધ થઈ ગયેલો.
તેના વોટસએપ પરથી બિલ્ટીની રિસિપ્ટ આવેલી. રિસિપ્ટના આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ફોન કરતા તે નંબર પણ બંધ આવતો હતો. આખરે ઓનલાઈન સર્ચ કરીને તામિલનાડુની GKB કેશ્યૂઝ નામની કંપનીનો બીજો નંબર મેળવી ફોન કરતા કંપનીના અસલી માલિક ભાગવત ભારથીએ તેને જણાવ્યું હતું કે ‘અમારી કંપનીને આવો કોઈ ઓર્ડર જ મળ્યો નથી. આવો કોઈ ચીટર તેમની કંપનીના નામે માર્કેટમાં ચીટીંગ કરતો ફરતો હોવાના અગાઉ પણ બનાવ બનેલાં છે’ માધાપર પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|