કચ્છખબરડૉટકોમ, ભુજઃ પહેલગામના આતંકીઓ જોડે કનેક્શન હોવાનું જણાવી, પોલીસ એટીએસના નામે ડરાવીને સાયબર માફિયાઓએ ભુજમાં રહેતા ૬૮ વર્ષિય વૃધ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને ૧૭.૪૪ લાખ રૂપિયા પડાવી લીધા છે. શહેરના નાગર ચકલામાં આવેલા સુખસાગર એપાર્ટમેન્ટમાં રહેતા રસિકલાલ સાકરચંદ શાહે બનાવ અંગે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રસિકલાલ તેમના વૃધ્ધ પત્ની સાથે નિવૃત્તિમય જીવન ગાળે છે. આતંકી હુમલામાં કનેક્શનની વાત સાંભળી ડરી ગયાં
૨૪ ઑગસ્ટની સવારે રસિકલાલને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર રણજીતકુમાર તરીકે આપીને જણાવેલું કે ‘જમ્મુ કાશ્મિરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ પકડાયા છે, આતંકવાદીઓ જોડે તમારું કનેક્શન હોવાની માહિતી મળી છે. તમારો કેસ પુના ટ્રાન્સફર કરીએ છીએ, પુના એટીએસ ખાતે તમારે હાજર થવાનું છે’ આતંકવાદી હુમલામાં પોતાની સંડોવણીની વાત સાંભળીને જ રસિકલાલના મોતિયા મરી ગયા હતા.
ડિજિટલ અરેસ્ટ કરી સતત ડરાવ્યા કર્યાં
થોડીવાર બાદ પુના એટીએસના નામે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને તાત્કાલિક હાજર થવા કહેલું. ફરિયાદીએ આનાકાની કરતા તમારો કેસ અમે દિલ્હી ટ્રાન્સફર કરીએ છીએ તેમ કહેવાયેલું. ત્યારબાદ પ્રેમકુમાર નામના શખ્સે તેમને ફોન કરીને તમારા બેન્ક ખાતામાં ૭૫ લાખ જમા થયા હોવાની માહિતી મળી છે કહીને તપાસના બહાને બેન્ક ખાતા વિશે માહિતી માગેલી.
તમને અરેસ્ટ કર્યા છે તેમ જણાવી વોટસએપ પર અરેસ્ટ વૉરન્ટ તથા એસેટ્સ સીઝર ઓર્ડર મોકલ્યો હતો.
ત્યારબાદ તેમને કેટલાંક લોકોના ફોટોગ્રાફ મોકલાયેલાં અને આમાંથી કોને કોને ઓળખો છો તેવી પૂછપરછ કરેલી. અમે ૧૨૧ લોકોને અરેસ્ટ કર્યા છે તેમ જણાવી ગઠિયાઓએ તમારી લિન્ક એમપી યુપીથી અમને મળે છે તેવો દમ મારીને ડરાવ્યા હતા.
બે દિવસમાં ૧૭.૪૪ લાખ ટ્રાન્સફર કરાવ્યા
બીજા દિવસે સાયબર માફિયાઓએ તેમને બેન્કમાં મોકલીને ખાતામાં રહેલી રકમ ટ્રાન્સફર કરવા જણાવેલું. રસિકલાલે તેમના ખાતામાં રહેલા ૪.૯૭ લાખ રૂપિયા સાવલિયા કિરાના મંદસૌર, મધ્યપ્રદેશ નામના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
ફરિયાદીને સતત ભયમાં રાખવા આરોપીઓએ દર કલાકે ‘તેઓ સેફ છે, ઓકે છે’ તેવો મેસેજ વોટસએપ પર મોકલતાં રહેવા જણાવેલું.
૨૬ ઑગસ્ટના ત્રીજા દિવસે ગઠિયાઓએ તેમના પીપીએફ એકાઉન્ટમાં રહેલા ૧૨.૪૭ લાખ રૂપિયા યસ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ભત્રીજાને જાણ કરતા ખબર પડી ફ્રોડ થયું છે
૨૮ ઑગસ્ટના રોજ સાયબર ગઠિયાઓએ રસિકલાલને તેમની પાસે રહેલા બધા શેર વેચીને રૂપિયા જમા કરાવી દેવા અને નુકસાન થશે તો ડિપાર્ટમેન્ટ રીકવર કરી આપશે તેમ કહીને તેના નાણાં પણ જમા કરાવવા કહેલું. જેથી રસિકલાલે તેમના ભત્રીજા કૌશિક શાહને આ અંગે વાત કરતા કૌશિકે તેમની જોડે સાયબર ફ્રોડ થયું હોવાનું સમજાવીને સાયબર પોલીસ મથકે લઈ આવ્યો હતો.
Share it on
|