કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૫ વર્ષની બાળાને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને લઈ જઈ શારીરિક સંબંધ બાંધવા બદલ ભુજની ખાસ પોક્સો કૉર્ટે માંડવી પાસે આવેલા બાગ ગામના યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અપહરણ દુષ્કર્મનો બનાવ ૧૬-૦૫-૨૦૨૪ના રોજ બન્યો હતો.ગુનાનો ભોગ બનનાર ૧૪ વર્ષ ૧૧ માસની બાળા તેના સંબંધીઓ સાથે માંડવીની શેરીઓમાં સફાઈ કરતી હતી ત્યારે બાગ ગામનો રઝાક સિધિક સુમરા (ઉ.વ. ૨૦) તેના મામાનું બાઈક લઈને આવેલો. બાળાને લલચાવીને બાઈક પર બેસાડીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયેલો. ત્યારબાદ બાળાને બાઈક પર માંડવી બીચ, ધ્રબુડી વગેરે જગ્યાએ લઈ ગયેલો. રાત્રે સલાયા મસ્કા વિસ્તારમાં એક ખેતરમાં બાળા જોડે લગ્ન કરવાની લાલચ આપીને શરીર સંબંધ બાંધેલો.
આ રીતે બે ત્રણ દિવસ સુધી રઝાકે બાળાને પોતાની સાથે ફેરવી હતી અને તેને લઈ મુંદરા તરફ જવાની પેરવી કરતો હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.
ઘટના અંગે ૧૯-૦૫-૨૦૨૪ના રોજ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ થયેલો.
આ ગુનામાં આજે પોક્સો કૉર્ટના વિશેષ જજ જે.એ. ઠક્કરે રઝાકને દોષી ઠેરવી ઈપીકો કલમ ૩૭૬ (૩) (૧૬ વર્ષથી નીચેની બાળા સાથે શરીર સંબંધ બાંધવો) હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૫૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
કૉર્ટે ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ અને ૩૬૬ હેઠળ પાંચ વર્ષની સજા પણ ફટકારી હતી. ગુનાનો ભોગ બનનાર બાળા અનુસૂચિત જાતિની હોઈ એટ્રોસીટી એક્ટની કલમ પણ લાગી હતી. જો કે, પોક્સો એક્ટની કલમ ૪૨ની જોગવાઈ મુજબ કૉર્ટે પોક્સો અને એટ્રોસીટી એક્ટ તળે અલગથી કોઈ સજા ફટકારી નથી.
કૉર્ટે ભોગ બનનાર બાળાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ જિલ્લા કાનૂની સેવા મંડળને હુકમ કર્યો છે.
આ કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ફરિયાદ પક્ષ વતી દલીલો કરી હતી.
Share it on
|