કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) મુંદરામાં ૧ લાખની લાંચ લેતાં ઝડપાયેલાં કસ્ટમ વિભાગના બે સુપરિન્ટેન્ડેન્ટ વિરુધ્ધ કાર્યવાહી કરવા કસ્ટમ તંત્રએ મંજૂરી ના આપતાં બેઉ સુપરિન્ટેન્ડેન્ટને ભુજની વિશેષ ACB કૉર્ટે જામીન પર છોડી મૂક્યાં છે. ગત ૨૬ ફેબ્રુઆરીના રોજ ભુજસ્થિત પશ્ચિમ કચ્છ ACB પોલીસે મુંદરામાં ટ્રેપ ગોઠવીને બેઉ અધિકારી અને એક વચેટિયો મળી ત્રણ જણને લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યાં હતાં. ચાઈનાથી આવેલા હેન્ડબેગના એક કન્ટેઈનરને સરળતાથી ક્લિયરન્સ આપવાની અવેજમાં લાંચ લેતાં કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ શૈલેષ મનસુખ ગંગદેવ (રહે. મૂળ રાજકોટ) અને આલોકકુમાર શ્રીલક્ષ્મીકાન્ત દુબે (રહે. મૂળ યુપી)ને વચેટિયા રમેશ ગઢવી સાથે ACBએ ઝડપ્યાં હતાં. ધરપકડ બાદ પોલીસે શૈલેષ ગંગદેવના મુંદરાના બારોઈસ્થિત નિવાસસ્થાનમાંથી બિનહિસાબી ૧૪.૭૮ લાખ રોકડાં રૂપિયા તથા રાજકોટસ્થિત બેન્કના લૉકરમાંથી વધુ ૮.૯૭ લાખ રોકડાં અને ૬.૪૨ લાખના મૂલ્યનું સોનાનું બિસ્કિટ જપ્ત કર્યું હતું.
કસ્ટમે ચાર્જશીટ માટે ACBને ટલ્લે ચઢાવી
ત્રણે સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. રીમાન્ડ અવધિ પૂર્ણ થયાં બાદ આરોપીઓને કૉર્ટે પાલારા જેલ મોકલી આપ્યાં હતાં. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૯ મુજબ કેન્દ્ર સરકારના કોઈ કર્મચારી વિરુધ્ધ ભ્રષ્ટાચારના ગુનાની તપાસ કરીને કૉર્ટમાં તહોમતનામું દાખલ કરતાં પૂર્વે સંબંધિત વિભાગ કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની પૂર્વમંજૂરી લેવી ફરજિયાત છે.
ACBએ આ માટે કસ્ટમ તંત્રની મંજૂરી માંગી હતી પરંતુ કસ્ટમ તંત્રએ રાજ્ય સરકારની હકુમત હેઠળ આવતા ACBને સીબીઆઈ મારફતે મંજૂરી લેવા જણાવી કેસને ટલ્લે ચઢાવ્યો છે. ACBએ તપાસ પૂર્ણ કરીને પૂર્વ મંજૂરીની અપેક્ષાએ ત્રણે સામે ભુજ ACB કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
જો કે, પૂર્વમંજૂરી વગર ચાર્જશીટ દાખલ કરવાનો કૉર્ટે ઈન્કાર કરીને તે પરત કરી છે. એટલું જ નહીં, ધરપકડ થયાના ૬૦ દિવસની અંદર ચાર્જશીટ દાખલ ના થઈ હોઈ આરોપીઓ ટેકનિકલી ડિફોલ્ટ બેઈલ મેળવવા હક્કદાર હોવાનું જણાવી કૉર્ટે વચેટિયા સહિત બેઉ સુપરિન્ટેન્ડેન્ટને જામીન પર છોડી મૂક્યાં છે. વચેટિયા રમેશ ગોપાલ ગઢવીની જામીન અરજી મંજૂર કરતાં કૉર્ટે જણાવ્યું કે અરજદાર આમપ્રજાજન છે અને તેના કેસ પૂરતી કોઈ સરકારી વિભાગની પૂર્વમંજૂરી લેવી આવશ્યક નથી. પરંતુ, ACBએ આરોપીઓ સામે દાખલ કરેલી સંયુક્ત ચાર્જશીટ કૉર્ટે સ્વિકારી નથી ત્યારે તે પણ ડિફોલ્ટ બેઈલ માટે હક્કદાર છે.
ભ્રષ્ટાચાર હટાવવાના પોકળ દાવા વચ્ચે જાણો હકીકત
ભ્રષ્ટાચાર હટાવવાના દાવા કરીને મોદી સરકાર ભલે દસ વર્ષથી દિલ્હીની ગાદી પર બેઠી હોય પરંતુ હકીકત એ છે કે કસ્ટમ સહિતના અન્ય કેન્દ્રીય વિભાગોના કર્મચારી કે અધિકારીઓને રાજ્યસ્તરની ACB જેવી એજન્સી નાણાંકીય ભ્રષ્ટાચાર કરતાં કે લાંચ લેતાં પકડે તો કાયદાની ટેકનિકાલિટીને આગળ ધરીને સંબંધિત વિભાગો ‘પોતાના’ ભ્રષ્ટ કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા મંજૂરી આપતાં નથી! બિનજરૂરી પત્રવ્યવહાર કરીને મામલો ટલ્લે ચઢાવે છે, જેથી ACB જેવી એજન્સીઓનું મોરલ તૂટે છે.
અગાઉ આ જ કારણે કસ્ટમ ઈન્સ્પેક્ટર છૂટી ગયેલો
વર્ષ ૨૦૧૫માં ACBએ મુંદરામાં કસ્ટમ ચેકપોસ્ટ પરથી કન્ટેઈનર ટ્રકોને સરળતાથી પસાર કરી દેવાની અવેજમાં ઉઘરાણાં કરતાં કસ્ટમના સિપાઈ પુનાભાઈ મોગજીભાઈ બારૈયા અને કસ્ટમ ઈન્સ્પેક્ટર કનૈયા શંકરપ્રસાદ કુમારને પચાસ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. તે કેસમાં કસ્ટમ તંત્રએ ઈન્સ્પેક્ટર વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી ના આપતાં અંતે ૫ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ ACBને કૉર્ટેમાં આરોપી સામે સમરી રીપોર્ટ રજૂ કરવો પડ્યો હતો અને કૉર્ટે તેને બાઈજ્જત છોડી મૂક્યો હતો.
જો વારંવાર આવું જ થતું રહે તો ACB કઈ રીતે કેન્દ્ર સરકાર હેઠળ આવતા વિભાગોના ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ વિરુધ્ધ પગલાં ભરવાની હિંમત કરશે તે વિચારવા જેવો મુદ્દો છે.
Share it on
|