કચ્છખબરડૉટકોમ, ભુજઃ બે લાખની અસલી ચલણી નોટો સામે ૬ લાખની ‘અસલી જેવી લાગતી નકલી ચલણી નોટો’ મેળવવા જતા ભાવનગરના પાલિતાણાના જૈન મુનિ મહારાજને ભુજના ચીટરો બે લાખનો ચૂનો ચોપડી ગયા છે. નાણાંની લેતી-દેતી કરનાર જૈન મુનિના માંડવી રહેતા ભત્રીજાએ બનાવ અંગે ભુજના પિતા પુત્ર સહિત ચાર જણ સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભુજના પિતા પુત્ર સહિત ચાર સામે ફરિયાદ
માંડવીના બાબાવાડીમાં રહેતો અને ભાવનગરના પાલિતાણામાં ગુણોદય જૈન તીર્થધામના મેનેજર તરીકે નોકરી કરતા ૨૮ વર્ષિય મોક્ષ બિપીનભાઈ ગાલા (જૈન)એ પાલિતાણાના ભરતભાઈ, ભુજના અનવર લાખા, તેના પુત્ર અમન લાખા અને લાખા સાથે રહેલા અન્ય એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.
સેવક ભરતે મુનિને ભેખડે ભરાવેલાં
ફરિયાદી મોક્ષે જણાવ્યું કે તે જ્યાં નોકરી કરે છે તે પાલિતાણા ગુણોદય જૈન તીર્થધામના સ્થાપક તેના સગાં કાકા પ્રિયંકર સાગર મુનિ મહારાજ છે. તેમણે સંસાર ત્યાગી દીધો છે અને આ આશ્રમ ચલાવે છે. પ્રિયંકર સાગર મુનિ જોડે સેવક તરીકે કામ કરતા પાલિતાણાના ભરતે મુનિને જણાવેલું કે ભુજમાં પટેલભાઈ નામના શખ્સને તે ઓળખે છે, પટેલભાઈ ૧૦ લાખ રૂપિયાની અસલી ચલણી નોટો સામે ત્રણ ગણી એટલે ૩૦ લાખ રૂપિયાની અસલી જેવી સેકન્ડ કરન્સી નોટો આપે છે.
ચીટરોએ પહેલાં સેમ્પલરૂપે દસ હજારની નોટો આપેલી
એક સામે ત્રણગણાં રૂપિયા મળવાની માયામાં મુનિવરનું મન ચળી ગયેલું. તેમણે પટેલભાઈનો સંપર્ક કરેલો. પટેલભાઈ સેમ્પલરૂપે ૧૦ હજાર રૂપિયાની નોટો આપવાનું જણાવીને સેમ્પલ જોયાં બાદ ડીલ કરવા ઑફર કરેલી. જેથી મુનિએ ૨૬ સપ્ટેમ્બરના રોજ માંડવી આવેલા ભત્રીજા મોક્ષને ભુજની ભાગોળે નાગોર પાસે બનેલા નવા બ્રિજ પાસે રૂબરૂ જઈ દસ હજાર રૂપિયા લઈ લેવા જણાવેલું. મોક્ષને નંબર પ્લેટ વગરની આઈ ટેન કારમાં આવેલા બે શખ્સ સો, બસ્સો અને પાંચસોના દરની નોટોનું બંડલ આપી ગયેલાં. આ બંડલ મોક્ષે કાકાને આપેલું.
સેમ્પલ જોયાં બાદ મુનિવરે ડીલ ફાઈનલ કરી
સેમ્પલની નોટો જોયા બાદ મુનિએ બે લાખ અસલી રુપિયા સામે છ લાખની નોટ મેળવવાની ડીલ ફાઈનલ કરેલી. કાકાની સૂચના મુજબ ૩૦મી સપ્ટેમ્બરે ભત્રીજો ફરી નાગોર બ્રિજ પાસે અસલી નકલી નાણાંની લેતી-દેતી કરવા આવ્યો હતો. આ સમયે મોટર સાયકલ પર ડબલ સવારીમાં બે શખ્સો આવેલાં. જેમાં બાઈક પાછળ પટેલભાઈ નામનો શખ્સ બેઠેલો અને બાઈક હંકારતો યુવક અગાઉ આઈ ટેનમાં સેમ્પલની નોટો આપવા આવેલો તે હતો.
અસલી બે લાખ લઈ ચીટરો આવું કહી રફુચક્કર થયાં
ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા મેળવી લઈને છ લાખ આપવાના બદલે પટેલભાઈએ એમ કહેલું કે ‘પોલીસની અવરજવર અને ચેકિંગ વધુ છે એટલે રૂપિયા સાથે નથી લાવ્યો. તમે થોડીવાર અહીં ઊભા રહો, રૂપિયા લઈ આવું છું’ પટેલભાઈ ત્યાંથી સરકી ગયા બાદ ફરી ડોકાયો નહોતો, તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો. મોક્ષે તપાસ કરતા જાણવા મળેલું કે પટેલભાઈ નામનો શખ્સ ખરેખર તો ભુજનો અનવર લાખા છે અને સાથે રહેલો યુવક તેનો પુત્ર અમન છે.
Share it on
|