કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભાજપના કેસરીયા રંગે રંગાયેલા ભચાઉના એકલધામના મહંત દેવનાથે ગુજરાતમાં ગાયને ‘રાજ્ય માતા’ જાહેર કરવાની માગ સાથે આગામી સોમવારથી ભુજમાં કલેક્ટર કચેરી સામે સંતો સાથે અનશન આંદોલન છેડવાની જાહેરાત કરી છે. કચ્છ કોંગ્રેસે પણ દેવનાથની માંગણીને સમર્થન જાહેર કરીને તેમની સાથે પ્રતીક ધરણાં યોજવાની તૈયારી દર્શાવી છે. સમર્થન જાહેર કરવા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે સ્પષ્ટ જણાવ્યું છે કે ‘બાપુ, ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવાની બાંહેધરી કે આશ્વાસન મળે એટલે ઊભાં ના થઈ જતાં, જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો ના મળે ત્યાં સુધી તમારી વાત અને વચન પર કાયમ રહેજો’ ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ લોકસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી કરી હતી.
મુસ્લિમ સમાજ પણ જોડાશે તેવી ખાતરી
કોંગ્રેસના મુસ્લિમ નેતા હાજી જુમા રાયમાએ પણ હુંબલે જાહેર કરેલા ટેકાને સમર્થન આપતા જણાવ્યું છે કે બસ હવે આશ્વાસન નહીં નક્કર પરિણામ મળે તે જરૂરી છે. રાયમાએ જરુર પડે મુસ્લિમ સમાજના ધર્મ ગુરુઓ અને મુસ્લિમ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખીને દેવનાથની લડતને ટેકો અપાવવાનું વચન આપતાં જણાવ્યું છે કે ‘બસ, આ લડત અધૂરી ના રહેવી જોઈએ, સંપૂર્ણ પરિણામ લઈને જ લડત પૂરી કરવા વિનંતી’
સરકારે માંગણી ના ગણકારતાં અનશન છેડશે
૧૫ જૂલાઈના રોજ દેવનાથ અને અન્ય સાધુ સંતોએ ભુજમાં કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આવેદન પત્ર આપી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો આપવા રજૂઆત કરી હતી. પરંતુ, આ માંગણીને અનુલક્ષીને રાજ્ય સરકારે કશું ના વિચારતાં હવે આગામી ૨૫ ઑગસ્ટથી સાધુ સંતો અને સનાતનીઓ સાથે અનશન આંદોલન છેડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના આંદોલનને ધર્મયુધ્ધ ગણાવ્યું છે અને જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો ના મળે ત્યાં સુધી અનશન પરથી નહીં ઉઠવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
દેવનાથ અગાઉ વિવાદોમાં ઘેરાયેલાં રહ્યાં છે
વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીઓ વખતે રાપર બેઠક માટે દાવેદારી કરનારા યોગી દેવનાથ ટ્વીટર પર તેમની કોમેન્ટના પગલે અગાઉ અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલાં છે.
‘જાતિવાદને ખતમ કરવો હોય તો બંધારણને સળગાવો, મનુસ્મૃતિને નહીં’ તેવી ૨૮-૦૨-૨૦૧૭ના રોજ ટ્વીટર પર ટીપ્પણી કરતાં કચ્છના દલિતોમાં દેવનાથ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.
બાદમાં ભચાઉમાં દલિતોના સંમેલનમાં દેવનાથે બિનશરતી માફી માગી લીધી હતી. દેવનાથે તેમના વેરીફાઈડ ટ્વીટર એકાઉન્ટ પર અગાઉ મિતાલી નામની મહિલા બનીને ફૉલોઅર્સ વધારવાનો ખેલ કર્યો હોવાનો ‘અલ્ટ ન્યૂઝ’ના ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુંબેરે દાવો કર્યા બાદ દેવનાથ દેશભરના ટ્વીટર યુઝર્સના નિશાને ચઢ્યાં હતા. યુથ કોંગ્રેસના નેશનલ લીડર બી.વી. શ્રીનિવાસે પણ ઝુબેરના દાવાને લઈ દેવનાથ પર ‘મિતાલીબહન, ક્યા મિલતા એસે વાહિયાત ફોટોશોપ કર કે? બહનોં કા નામ ઈસ્તેમાલ કર કે ફૉલોઅર્સ બઢાને સે? કભી શર્મ નહીં આતી?’ વેધક ટીપ્પણી કરી હતી. જો કે, તે સમયે દેવનાથે ઝુબેરનો દાવો ખોટો હોવાનો બચાવ કર્યો હતો.
Share it on
|