કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છની પોલીસ મંગળસૂત્ર સહિતના દાગીનાની ઠગાઈ કરવાના ૭ ગુનામાં ૨૦૨૨થી જે મહિલાને શોધતી હતી તે મહિલા આખરે માધાપર પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. આ એ જ મહિલા છે કે જે ભીખ માગવાના બહાને લોકોના ઘરમાં જઈને, ભોળી ગૃહિણીઓને મેલી વિદ્યાનું નડતર દૂર કરવાની વિધિ કરી આપવાના બહાને તેમના દાગીના અને નાણાં મેળવી છુમંતર થઈ જતી હતી અને પોલીસ તેને છેલ્લાં ત્રણ વર્ષથી શોધતી હતી. માધાપર નવાવાસના શ્રીકૃષ્ણનગરમાં રહેતા સોનલબેન સાગરભાઈ પિત્રોડાએ આજે સવારે માધાપર પોલીસ મથકે આવી અજાણી મહિલા તેમનું ૧.૯૦ લાખ રૂપિયાના મૂલ્યનું પોણા બે તોલાનું મંગળસૂત્ર અને ૭૦૦ રોકડાં રૂપિયા લઈ જતી રહી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
મંગળવારે સવારે સોનલબેન અને તેમનો પતિ ઘરે હાજર હતા ત્યારે ભીખ માગવાના બહાને આ મહિલા તેમના ઘરે આવેલી.
ઘરમાં બધા દુઃખી છો, કોઈકે મેલી વિદ્યા કરી છે, નડતર દૂર કરવું પડશે, વિધિ કરવી પડશે તેવું કહીને દંપતીને વિશ્વાસમાં લઈ વિધિ કરવાના બહાને આ ઠગ મહિલાએ મંગળસૂત્ર અને રૂપિયા મેળવી એક રૂમાલમાં બાંધી લીધા હતા.
કહેવાતી વિધિ કરીને હું બપોરે ફરી પાછી આવીશ તેમ કહીને મંગળસૂત્ર અને રુપિયા લઈ છુમંતર થઈ ગઈ હતી.
ગુના નોંધાયા બાદ પોલીસે તુરંત અજાણી મહિલાની શોધખોળ કરતાં વર્ણનવાળી મહિલા માધાપર જૂનાવાસ સોનાપુરી ગેટ પાસેથી મળી આવી હતી. પોલીસે તેને પકડીને જડતી લેતાં સોનલબેન પાસેથી છળકપટથી મેળવેલું મંગળસૂત્ર અને રોકડાં ૧૬૪૦ રૂપિયા મળી આવ્યા છે.
માધાપર પીઆઈ ડી.એમ. ઝાલાએ જણાવ્યું કે ઝડપાયેલી લાભુબેન અશોકભાઈ નકુમ (નાથબાવા) નામની આ ૫૧ વર્ષિય મહિલા રાજકોટના કુવાડવાની રહેવાસી છે. મેલીવિદ્યાનું નડતર દૂર કરવાના બહાને ગૃહિણીઓને ભોળવીને વિધિ કરવાના નામે સોનાના દરદાગીના રોકડાં રૂપિયા લઈને છુમંતર થઈ જતી હતી.
પોલીસની પૂછપરછમાં પશ્ચિમ કચ્છમાં ગૃહિણીઓ જોડે આ રીતે થયેલી ઠગાઈના અન્ય છ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
♦૦૩-૦૪-૨૦૨૫ના રોજ માનકૂવા પોલીસ મથકે મેઘપરના હસ્મિતાબેન ભંડેરીએ આ મહિલા પોતાને ભોળવીને ૭૪ હજારના મૂલ્યનું ૪ તોલા મંગળસૂત્ર અને ૬૮ હજારની કિંમતના સોનાના પાટલાં મળી ૧.૪૧ લાખના દરદાગીના મેળવી ઠગાઈ કરી ગઈ હોવાની ફરિયાદ નોંધાવેલી
♦૦૬-૦૭-૨૦૨૪ના રોજ માધાપર પોલીસ સ્ટેશનમાં માધાપરના ઐશ્વર્યાનગરમાં રહેતા વનિતાબેન ગોરસિયાને ભોળવીને આ ઠગ મહિલા ૬૦ હજારનું મંગળસૂત્ર તથા ૭૦ હજારની સોનાની પોંચી મેળવીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાયેલી
♦૦૩-૦૭-૨૦૨૩ના રોજ ભુજ એ ડિવિઝનમાં વાલરામનગર-૨માં રહેતા નીનાબેન ચૌહાણે આ મહિલા ૫૦ હજારની કિંમતના મંગળસૂત્ર અને ૬ હજારની બુટ્ટીની ઠગાઈ કરી ગઈ હોવાની ફરિયાદ નોંધાવેલી
♦૧૬-૦૯-૨૦૨૩ના રોજ ભુજ એ ડિવિઝનમાં હિંગલાજવાડીના ઉદય એપાર્ટમેન્ટમાં રહેતા હેમલતાબેન ધોળુએ આ મહિલા ૭૫ હજારનું મંગળસૂત્ર, ૬ હજારની બુટ્ટી અને ૩૬૦૦ રોકડાં રૂપિયા સહિત ૮૪,૬૦૦ રૂપિયાની માલ મિલકત લઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવેલી
♦૧૧-૧૧-૨૦૨૨ના રોજ ભુજ એ ડિવિઝનમાં ગાંધીધાના ગળપાદરના દમયંતિબેન ગોસ્વામીએ આ મહિલાએ વિધવા સહાયમાં વધુ નાણાં અપાવવાના બહાને વિશ્વાસમાં લઈને ભુજમાં હમીરસર કાંઠા બાજુ દવાખાનામાં ચેક અપ કરાવી પ્રમાણપત્ર મેળવવાના બહાને લઈ જઈ ૧૨ હજારની બુટ્ટી અને ૧ હજાર રોકડાં રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી
Share it on
|