|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ આરટીઓ દ્વારા ફોર વ્હિલરની નવી સિરીઝ FDમાં ફેન્સી નંબર માટે યોજાયેલી ઓનલાઈન જાહેર હરાજીમાં એક વાહનમાલિકે ૦૦૦૯ નંબર મેળવવા માટે ૧૮ લાખ ૪૫ હજારની બોલી લગાડતાં સૌની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ છે. રામજી ચામરીયા નામના અરજદારે ઊંચી રકમ માટે બીડ કરી ૪૦ હજાર રૂપિયા બેઝ અમાઉન્ટ ભરી દીધી છે. ઉલ્લેખનીય છે કે વાહનોની નંબર પ્લેટમાં મનપસંદ ફેન્સી નંબર મેળવવા માટે પ્રત્યેક નવી સિરીઝમાં ઓનલાઈન ઑક્શન થાય છે. આ હરાજીમાં ઈચ્છુક લોકો મનપસંદ નંબર મેળવવા ઓનલાઈન બીડીંગ કરી શકે છે. આરટીઓ ઈન્સ્પેક્ટર વિજય ચૌહાણે જણાવ્યું કે આ ફક્ત બોલી લાગી છે, રકમ ચૂકવવામાં આવી નથી. પૂરી રકમ ચૂકવાઈ જાય પછી જ ઈચ્છિત નંબરની ફાળવણી થશે.
નવડાપ્રેમીએ લગાડેલી બોલીનો આંકડો પણ રોચક છે. કારણ કે તમામ આંકડાનો એકમેક સાથે સરવાળો કરો તો પણ અંતિમ આંક નવ જ આવે છે.
ચૌહાણે ઉમેર્યું કે ફેન્સી નંબર માટે ગોલ્ડન, સિલ્વર અને જનરલ કેટેગરી નક્કી કરાયેલી છે. ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯, ૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૦૯, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯ અને ૯૯૯૯ નંબર ગોલ્ડન કેટેગરીમાં છે. જ્યારે ૨, ૩, ૪, ૮, ૧૦, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૯૯૯, ૨૩૪૫, ૩૪૫૬ વગેરે નંબર સિલ્વર કેટેગરીમાં છે. અન્ય નંબર જનરલ કેટેગરીમાં છે.
દ્વિચક્રી વાહનોમાં ગોલ્ડન કેટેગરીમાં બીડ માટે આઠ હજાર જ્યારે ફોર વ્હિલર માટે ૪૦ હજાર મીનીમ બેઝ અમાઉન્ટ છે. એ જ રીતે, સિલ્વર કેટેગરીમાં પણ અનુક્રમે ૩૫૦૦ અને ૧૫ હજાર બેઝ અમાઉન્ટ છે. અન્ય જનરલ કેટેગરી માટે ૨ અને ૮ હજાર બેઝ અમાઉન્ટ નિયત કરાયેલી છે.
Share it on
|