click here to go to advertiser's link
Visitors :  
01-Jun-2026, Monday
Home -> Bhuj -> Bhuj Sessions Court rejects anticipatory bail of Retd Circle Officer in Land Scam
Monday, 01-Jun-2026 - Bhuj 1217 views
ભુજના ચકચારી જમીન કૌભાંડમાં સામેલ તત્કાલિન સર્કલ ઑફિસરની ધરપકડનો રસ્તો સાફ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ માંડવી રોડ પર ભારાસર વાંઢ સીમની સરકારી જમીન પચાવી પાડવા આચરાયેલાં ગુનાઓમાં સંડોવાયેલા ભુજના તત્કાલિન સર્કલ ઑફિસરની આગોતરા જામીન અરજીઓ ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ૨૦૧૩માં ભુજના તત્કાલિન મદદનીશ કલેક્ટર આનંદ પટેલે કૌભાંડ અંગે સર્કલ ઑફિસર સહિત ૩૬ લોકો સામે જુદી જુદી પાંચ ફોજદારી ફરિયાદો નોંધાવતા ભારે ચકચાર મચી હતી.
જાણો શું છે તે જમીન કૌભાંડ

વર્ષ ૧૯૬૫માં તત્કાલિન રાજ્ય સરકારે ભારાસર વાંઢ સીમમાં અનુસૂચિત જાતિના પાંચ પરિવારોને સાંથણીમાં જૂના સર્વે નંબર ૬૪, ૯૭ અને ૯૦ (નવા સર્વે નંબર ૩૩/૧ પૈકી) પૈકીની ખેતીની જમીન ફાળવી હતી. પરંતુ, આ પરિવારોએ જમીનનો કબજો મેળવ્યો નહોતો. ત્યારબાદ થયેલા પ્રમોલ્ગેશન સમયે આ જમીનો શ્રીસરકાર થઈ ગયેલી.

૨૦૦૮માં શ્રીસરકાર જમીનો પર દાવો કરાયો

અચાનક ૨૦૦૮માં જેમને અગાઉ જમીનો ફાળવાયેલી તેમાંના અમુક જમીન માલિક કે મૃતક માલિકોના વારસદારોએ રાજેશ ભાણજીભાઈ ભાનુશાલી (રહે. મૂળ જંગડીયા, અબડાસા હાલ રહે. મુંબઈ) અને નરહરદાન ઝવેરદાન ગઢવી (રહે. માનકૂવા મૂળ રહે. જનાણ, ખડીર)ને જમીન અંગે પાવર ઑફ એટર્ની લખી આપેલી. તેના આધારે રાજેશ ભાનુશાલી અને નરહરદાને કલેક્ટરને જમીનો તેમના ખાતે કરવા અરજીઓ કરેલી.

સર્કલ ઑફિસરે અરજદારોની ફેવરમાં કામ કરેલું

મહેસુલ વિભાગે તત્કાલિન સર્કલ ઑફિસર હરસુખભાઈ સીદાભાઈ હુંબલ (રહે. હાલ ગામ દગડ, તાલુકો માણાવદર, જૂનાગઢ)ને સ્થળ પંચનામું કરી અહેવાલ આપવા સૂચના આપેલી. સર્કલ ઑફિસરે વિવાદગ્રસ્ત જમીનો અરજદારોના કબજામાં હોવાના પંચનામા, સોગંદનામા, નકશા, કબૂલાતનામા અને હકારાત્મક અભિપ્રાય તૈયાર કરીને રજૂ કરેલાં. જો કે, કલેક્ટરે અરજીઓ ફગાવી દીધેલી.

ભુજ સિવિલ કૉર્ટે અરજદારોની ફેવરમાં હુકમ કરેલો

કલેક્ટરના હુકમ સામે અરજદારોએ ભુજની સિવિલ કૉર્ટમાં દાવો દાખલ કરેલો.સિવિલ કૉર્ટે સર્કલ ઑફિસરના દસ્તાવેજોના આધારે જમીનો વાદીઓના નામે કરવા હુકમ કરેલો. જેની સામે મહેસુલ વિભાગે જિલ્લા અદાલતમાં અપીલ કરેલી. અપીલ નામંજૂર થતા મામલો હાઈકૉર્ટ પહોંચેલો અને હાલ હાઈકૉર્ટમાં પેન્ડિંગ છે.

૨૦૧૩માં મદદનીશ કલેક્ટરે પાંચ FIR નોંધાવેલી

મહેસુલ વિભાગની તપાસમાં સર્કલ ઑફિસર હુંબલે અરજદારો સાથે મિલિભગત કરીને, કાવતરું ઘડીને ખોટાં દસ્તાવેજો બનાવ્યાં હોવાનું અને તેના આધારે સિવિલ કૉર્ટે અરજદારોના ખાતે જમીન નોંધવા હુકમ કર્યો હોવાનું ધ્યાને આવતા તત્કાલિન મદદનીશ કલેક્ટર આનંદ પટેલે ૨૮-૦૩-૨૦૧૩ના રોજ ભુજ તાલુકા પોલીસ મથકે સર્કલ ઑફિસર હુંબલ સહિત ૩૬ લોકો સામે ઈપીકો કલમ ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૪૧૫, ૪૧૬, ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૪૬૩, ૪૬૫, ૪૬૬, ૪૬૭ અને ૪૬૮ હેઠળ જુદી જુદી પાંચ ફોજદારી ફરિયાદો નોંધાવી હતી.

હાઈકૉર્ટે ક્વેશીંગ પિટિશન ફગાવી દીધી

આ ગુનામાં અમુક આરોપીઓને સેશન્સ કૉર્ટે તો અમુકને હાઈકૉર્ટે આગોતરા જામીન આપેલાં. દરમિયાન, આરોપીઓએ સિવિલ કૉર્ટના હુકમના આધારે દિવાની મામલાને ફોજદારી રુપ આપીને ખોટી રીતે ફીટ કરાયાં હોવાના આધાર પર હાઈકૉર્ટમાં ફરિયાદ રદ્દ કરાવવા અરજી કરેલી.

વર્ષો બાદ હાઈકૉર્ટે વર્ષ ૨૦૨૫ના આખરમાં ક્વેશીંગ પિટિશન ફગાવી દેતાં જેમના આગોતરા નામંજૂર થયેલા તે આરોપીઓએ ફરી અદાલતોમાં અરજીઓ કરવાનું શરૂ કરેલું.

એક સરકારી કર્મચારી તરીકે હુંબલે કરેલો ગુનો ગંભીર હોવા સહિતના વિવિધ મુદ્દે સરકારી વકીલ ડી.જે. ઠક્કરે કરેલી દલીલને ધ્યાને રાખીને સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ હુંબલની પાંચે આગોતરા જામીન અરજીઓ રીજેક્ટ કરી દીધી છે. હાલ આ કેસની તપાસ માનકૂવા પોલીસ કરી રહી છે.

Share it on
   

Recent News  
દેશી તમંચા સાથે સીન સપાટા કરવા ભારે પડ્યા! ગાંધીનગરથી SMCની ટીમ મુંદરા ત્રાટકી
 
રાપરના માનગઢ ઢુવામાં નાના ભાઈએ ધારિયું ઝીંકીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો
 
ભુજના રાયધણપર ગામે નજીવી બાબતે વરનોરાના હથિયારધારી યુવકોનો હુમલો, પથ્થરમારો