|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ પાસે આવેલી મીઠાની ફેક્ટરીઓના માણસો અને ટ્રક ડ્રાઈવરોને ફોડીને ૬ મહિનામાં અંદાજે અઢી કરોડ રૂપિયાની કિંમતનું ૨૦ હજાર મેટ્રિક ટન મીઠું ચોરીને બારોબાર વેચી મરાયું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડનો સિલસિલાબધ્ધ પર્દાફાશ પોલીસે નહીં પણ મીઠા કંપનીના સતર્ક કર્મચારીઓએ ગુપ્ત વૉચ રાખીને કર્યો છે અને ભચાઉ પોલીસ મથકે ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રમેશ શામજીભાઈ મ્યાત્રા ભચાઉના વોંધ પાસે આવેલી અરિહંત સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. ફરિયાદીની કંપનીની ભાગીદારી પેઢીની બે સિસ્ટર કન્સર્ન કંપનીઓ પણ કાર્યરત છે. એક કંપની દુર્ગેશ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ આંબલિયારા સીમમાં આવેલી છે અને બીજી શ્રીરામ સોલ્ટ વર્ક્સ ભચાઉ પાસે કાર્યરત છે.
ઉત્પાદિત મીઠું બે સ્ટોક યાર્ડમાં સંગ્રહ કરાય છે
આ કંપનીઓમાં ઉત્પાદિત થતું મીઠું સમર્થ લોજિસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ પેઢીની ટ્રકોમાં ભરીને મોટી ચીરઈ (આકાશ ગંજો) ચોપડવા (મોરો ગંજો) ખાતે ઠાલવી સંગ્રહ કરાય છે અને ત્યાંથી વેચાણ અર્થે સપ્લાય કરાય છે. ચોપડવા અને ચીરઈના બંને સ્ટોક યાર્ડમાં માલ ખાલી કરતાં પહેલાં વેબ્રિજ પર તેનું વજન કરાવી, કાંટા ચિઠ્ઠી અપાય છે. બંને વે બ્રિજ પર ચાર ઓપરેટર કમ સુપરવાઈઝરો કામ કરે છે.
માલ ઓછો જણાતાં ગુપ્ત વૉચ રાખી કરાઈ તપાસ
પંદરેક દિવસ અગાઉ ફરિયાદી અન્ય કંપનીઓના મેનેજર સાથે સ્ટોક યાર્ડમાં માલ જોવા ગયેલા ત્યારે માલ ખૂબ ઓછો જણાયો હતો. જેથી તેમણે ગુપ્ત રાહે વૉચ ગોઠવીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે નંદગામનો ભરત બચુભાઈ ખટારીયા (આહીર)એ સાત ટ્રક ડ્રાઈવરો અને વેબ્રિજના ચારે ઓપરેટરને ફોડી નાખીને સુવ્યવસ્થિત ઢબે માલની ચોરી કરતો હતો.
આ રીતે ચોરીનું મીઠું બારોબાર સગેવગે થતું
ડ્રાઈવરો સ્ટોક યાર્ડમાં માલ ખાલી કરવાના બદલે ચોપડવા અને નાની મોટી ચીરઈ ગામની સીમમાં આવેલા ખાનગી ખેતરોમાં મોટાભાગનો માલ ખાલી કરી દેતાં. ભરત આ મીઠું શંભુ કારાભાઈ ડાંગર (આહીર) (રહે. નગાવલાડિયા, અંજાર)ને વેચી મારતો હતો. શંભુ ડાંગર ચોરીનો માલ ખરીદી, ભચાઉના સુલતાનભાઈ નામના શખ્સની માલિકીના લોડરથી તેની માલિકીની ટ્રક GJ-39 TA-0604માં માલ ભરાવીને ચોપડવા ગામની સીમમાં આવેલી લક્ષ્મી ફેક્ટરીની પાસે ખાલી કરાવતો હતો.
આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ રચીને છેલ્લાં છ માસ દરમિયાન અંદાજે અઢી કરોડ રૂપિયાની કિંમતનું ૨૦ હજાર મેટ્રિક ટન મીઠું ચોરીને બારોબાર વેચી માર્યું હોવાનું જણાવાયું છે.
આ કૌભાંડ અંગે સૂત્રધાર ભરત ખટારીયા, શંભુ ડાંગર, નારાયણ ભુયાન (રહે. આદિપુર), સુલતાનભાઈ તથા ચારે સુપરવાઈઝરો શામજી રવાભાઈ કોલી, પ્રેમજી ગંગાસભાઈ કોલી, રાજેશ શામાભાઈ કોલી, સુરેશ નરશીભાઈ કોલી તથા ટ્રક ડ્રાઈવરો દિનેશ કોલી, માદેવા કોલી, નારાણ કોલી, અમરશી કોલી, સુરેશ કોલી, ટીનો કોલી, ભરત મજાભાઈ જરૂ વિરુધ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે. ભરત ખટારીયા અગાઉ પણ આ પ્રકારની ચોરીઓના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Share it on
|